હોસ્પિટલોમાં દવા અને સર્જિકલ સામગ્રીની વધુ MRP વસૂલાત પર કાર્યવાહી? કેન્દ્રનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

આ સોગંદનામું ડૉ. સંજય કુલશ્રેષ્ઠની અરજી પર રજૂ કરવામાં આવ્યું, જેમાં નીતિ આયોગના રિપોર્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 23 Oct 2026 08:27 AM (IST)Updated: Fri, 23 Oct 2026 08:27 AM (IST)
supreme-court-hospital-medicine-overpricing-mrp-medical-consumables-centre-government-affidavit

Supreme Court News: દેશની હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી દવાઓ અને તબીબી વપરાશી સામગ્રી (Medical Consumables) પર વધુ MRP વસૂલવાની ગેરરીતિઓ પર હવે કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું છે કે, હોસ્પિટલો દર્દીઓ પાસેથી દવાઓ અને સર્જિકલ સાધનો પર વધુ MRP વસૂલવાની કુપ્રથા અપનાવે છે.

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલયે સોગંદનામામાં જણાવ્યું કે, સરકાર આ ગંભીર સમસ્યાથી સંપૂર્ણપણે અવગત છે, તેની તપાસ કરી રહી છે. તમામ હિસ્સેદારો (સ્ટેકહોલ્ડર્સ) સાથે સલાહ-સૂચન કરીને યોગ્ય પગલાં ભરી રહી છે. ભારતમાં સસ્તા દરે દવાઓ બનાવતી અનેક કંપનીઓ હોવા છતાં, દર્દીઓને ઉત્પાદન કિંમત (Manufacturing Cost) કરતાં ઘણી વધુ કિંમત ચૂકવવી પડે છે.

સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા આ સોગંદનામામાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે, હોસ્પિટલોની સરખામણીએ દર્દીઓની સોદાબાજી કરવાની સ્થિતિ અત્યંત નબળી હોય છે, જેના કારણે વિવિધ પ્રકારની ગેરરીતિ ઉપજે છે. ભારતીય દવાની બજાર ખૂબ જ સ્પર્ધાત્મક છે અને વિશ્વમાં સૌથી ઓછી કિંમતો અહીં મળે છે. પરંતુ આરોગ્ય સારવાર ક્ષેત્રે દર્દીઓ, ફાર્મસી, હોસ્પિટલ અને ડૉક્ટરો વચ્ચે માહિતી અને સોદાબાજીની ભારે અસમાનતા રહેલી છે.

હોસ્પિટલો સામાન્ય રીતે એવા ઉત્પાદકો પાસેથી દવાઓ અને સાધનો ખરીદવાનું પસંદ કરે છે જે સૌથી વધુ ટ્રેડ માર્જિન આપે છે. ત્યારબાદ દર્દીઓને તે કિંમત MRP પર દવાઓ વેચે છે. આ જ કારણસર હોસ્પિટલો વધુ MRP અને વધુ માર્જિન ધરાવતી સામગ્રીઓ ખરીદવા આગ્રહ રાખે છે.

સરકારે આપેલા આંકડા મુજબ, કેન્સર વિરોધી (એન્ટી-કેન્સર) દવાઓમાં ટ્રેડ માર્જિન 170% થી લઈને 700% કે તેથી વધુ સુધીનું હોય છે. આ સિવાય તબીબી વપરાશી સામગ્રીઓમાં પણ 100% થી 1000% કે તેથી વધુ માર્જિન હોવું સામાન્ય બાબત બની ગઈ છે. દર્દીઓ પરનો આ આર્થિક બોજ ઘટાડવા સરકારે 935 અનુસૂચિત ફોર્મ્યુલેશનની મહત્તમ કિંમત (સીલિંગ પ્રાઇસ) અને 3,881 નવી દવાઓની રિટેલ કિંમત નક્કી કરી દીધી છે.

નોંધનીય છે કે, આ સોગંદનામું ડૉ. સંજય કુલશ્રેષ્ઠની અરજી પર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં નીતિ આયોગના રિપોર્ટ અને પૂર્વ આરોગ્ય મંત્રી હર્ષવર્ધનના 2020 ના નિવેદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, દર વર્ષે સારવાર અને આરોગ્ય પાછળ થતા અતિશય ખર્ચના કારણે આશરે 6 કરોડ પરિવારો ગરીબી રેખા નીચે ધકેલાઈ જાય છે.