Earthquake In Uttarkashi:ઉત્તરકાશી અને આજુબાજુના વિસ્તારોમાં શનિવારે રાત્રે 8:07 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં ઉત્તરાખંડમાં આ બીજી વખત ભૂકંપ આવ્યો છે. આ અગાઉ બાગેશ્વરમાં 4.4 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી છે. જેનું કેન્દ્ર બસુંગાના જંગલોમાં જમીનથી 11 કિમી નીચે છે. શનિવારે સાંજે આવેલા આ ભૂકંપને લીધે લોકોમાં દહેશત ફેલાઈ ગયો હતો. અનેક લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા.
જિલ્લામાં ચાર દિવસમાં આ બીજો ભૂકંપ છે. અગાઉનો ભૂકંપ કે જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી તે ગયા મંગળવારે રાત્રે લગભગ 10:23 વાગ્યે આવ્યો હતો. તે ભૂકંપનું કેન્દ્ર ચમોલી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તરકાશી ભૂકંપગ્રસ્ત વિસ્તાર છે જે ભૂકંપ ઝોન 4 અને 5 માં આવે છે. 20 ઓક્ટોબર 1991ની રાત્રે આ વિસ્તારમાં 6.1 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેના કારણે જાનમાલનું વ્યાપક નુકસાન થયું હતું.ત્યારથી અહીં 100 થી વધુ ભૂકંપ આવ્યા છે, જ્યારે પણ ભૂકંપ આવે છે ત્યારે 1991 ના વિનાશક ભૂકંપની કડવી યાદો લોકોના મનમાં તાજી થઈ જાય છે.
ઉપલબ્ધ માહિતી પ્રમાણે વર્ષ 1991ના ભૂકંપથી 1,294 ગામો પ્રભાવિત થયા હતા, જેના પરિણામે 700 થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 5000 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
