Stand-up comedian Pulkit Mani:ઈંદોરમાં યોજાયેલા રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિમિક્રી કરનાર સ્ટેન્ડ-અપ કોમેડિયન અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર પુલકિત મણિ વિવાદોમાં ઘેરાઈ ગયો છે.આ ઘટનાક્રમ બાદ પુલકિતને નોઈડામાં યોજાનાર તેના આગામી કોમેડી શો ઓચિંતા જ રદ્દ કરી દીધો છે.
પુલકિત મણિએ તેના અધિકૃત ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ(@hunnywhoisfunny) પર સ્ટોરી શેર કરી શો રદ્દ થવાની માહિતી આપી છે. તેણે લખ્યું છે કે કેટલાક પરોક્ષ અને આકસ્મિક કારણોને લીધે તેને પોતાનો નોઈડા શો રદ્દ કરવો પડ્યો છે.
જ્યારે તેણે એક અન્ય સ્ટોરીમાં લખ્યું કે ગુંડા પ્રકારના લોકો તરફથી તેને સતત ધમકીઓ મળી રહી હોવાથી લખનઉ અને કાનપુરમાં મારા શો રદ્દ કર્યાં છે.
આ દરમિયાન તેણે દર્શકોને જે તકલીફ થઈ તે અંગે ખેદ વ્યક્ત કરી માફી માંગી અને તેનો સહયોગ તથા સમર્થન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે એક સ્ટોરીમાં તણે મીમ લગાવતા લખ્યું છે કે હવે અંડરગ્રાઉન્ડ થવાનો સમય આવી ગયો છે.
હકીકતમાં પુલકિત મણિએ ગયા શનિવારે ઇન્દોરમાં આયોજિત વિદ્યાર્થી સંવાદ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે સ્ટેજ શેર કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમણે રાજકીય વ્યંગ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બોલવાની શૈલી, રાજદ્વારી, વિદેશી નેતાઓ સાથેની મુલાકાતો અને રેલી શૈલીની મજાક ઉડાવી હતી.
જ્યારે રાહુલ ગાંધી સ્ટેજ પર તેની સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પુલકિતે PM મોદીના અવાજની નકલ કરતા તાજેતરની રેલી દરમિયાન એક વૃદ્ધ મહિલાને ખુરશી આપવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે માતાને ખુરશી આપો.
