Sri Sathya Sai Heart Hospital: શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ (રાજકોટ અને અમદાવાદ) દ્વારા શ્રી સત્ય સાઈ સેવા સંગઠનના સહયોગથી ઉત્તરાખંડના દહેરાદૂનમાં નિઃશુલ્ક હૃદય રોગ તપાસ કેમ્પનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન ઉત્તરાખંડના આરોગ્ય મંત્રી સુબોધ ઉનિયાલ, પરિવહન મંત્રી પ્રદીપ બત્રા, મુખ્યમંત્રીના સલાહકાર બી. ડી. સિંહ, શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ ભીમાણી અને નિવૃત્ત કર્નલ યોગેન્દ્ર સિંહજી સહિતના પ્રખ્યાત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
550 દર્દીઓનું ફ્રી સ્ક્રીનિંગ અને બાળકો માટે વિશેષ તપાસ
કેમ્પ દરમિયાન કુલ 550 હૃદય રોગના દર્દીઓનું મફત ચેકઅપ, સ્ક્રીનિંગ અને તબીબી સલાહ-માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત જન્મજાત હૃદય રોગથી પીડાતા બાળકો માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ વિશેષ તપાસ કરવામાં આવી હતી, જેથી સમયસર સાચું નિદાન થઈ શકે. કેમ્પમાં સ્ક્રીનિંગ બાદ જે દર્દીઓને આગળની વધુ સારવાર કે સર્જરીની જરૂર જણાશે, તેમને શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ અને અમદાવાદ ખાતે સંપૂર્ણ મફત સારવાર આપવામાં આવશે.
11 રાજ્યો સાથે કરાર: "નાણાંના અભાવે કોઈ દર્દી સારવાર વિના ન રહે"
"જરૂરિયાતમંદ દરેક હૃદય સુધી ઉત્તમ સારવાર પહોંચે અને નાણાંના અભાવે કોઈ પણ દર્દી સારવારથી વંચિત ન રહે" - આ માનવસેવાના સંકલ્પ સાથે શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ દ્વારા દેશભરના વિવિધ વિસ્તારોમાં આવા નિઃશુલ્ક કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. હોસ્પિટલે દેશના અન્ય 11 રાજ્યો સાથે પણ એમઓયુ (MoU) કરેલા છે, જેના માધ્યમથી સમગ્ર દેશમાંથી હૃદય રોગથી પીડાતા જરૂરિયાતમંદ બાળકોને અત્યાધુનિક અને નિઃશુલ્ક સારવારનો લાભ મળી રહ્યો છે.
