મુંબઈમાં ગણેશ આગમન યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના: ગણપતિની મૂર્તિ પડી જતાં 2 લોકોના મોત, બે બાળકો સહિત 5 ઈજાગ્રસ્ત

પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે દક્ષિણ મુંબઈના બલરામ મર્ચન્ટ રોડ પર, કબુતરખાના અને ભુલેશ્વરના જય અંબે ચોક પાસે બની હતી.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 23 Aug 2026 12:47 PM (IST)Updated: Sun, 23 Aug 2026 12:47 PM (IST)
south-mumbai-ganesh-idol-falls-two-dead-five-injured-bhuleshwar-incident
મુંબઈ ગણેશ મૂર્તિ અકસ્માત

Mumbai Ganesh Idol Accident: મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં આયોજિત થતા દેશના સૌથી ભવ્ય ગણેશોત્સવના પ્રારંભ પૂર્વે જ દક્ષિણ મુંબઈમાં એક અત્યંત કરૂણ અને દર્દનાક દુર્ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે ભગવાન ગણેશની મૂર્તિને સ્થાપના માટે પંડાલમાં લઈ જવામાં આવી રહી હતી, તે દરમિયાન અચાનક મૂર્તિ નીચે પડી ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે બે માસૂમ બાળકો સહિત અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

બલરામ મર્ચન્ટ રોડ પર બની ઘટના

પોલીસ અને મ્યુનિસિપલ અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના શનિવારે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે દક્ષિણ મુંબઈના બલરામ મર્ચન્ટ રોડ પર, કબુતરખાના અને ભુલેશ્વરના જય અંબે ચોક પાસે બની હતી. પંડાલ તરફ જઈ રહેલી શોભાયાત્રા દરમિયાન અચાનક અસંતુલન સર્જાતા ગણેશજીની ભારેખમ મૂર્તિ નીચે પડી ગઈ હતી અને નજીક ઉભેલા શ્રદ્ધાળુઓ તેની ચપેટમાં આવી ગયા હતા.

મૃતકો અને ઈજાગ્રસ્તોની ઓળખ

ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ સેવા અને મ્યુનિસિપલ વોર્ડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગંભીર ઈજા પામેલા સંકેત નેવશે અને બ્રિજેશ હેમંત જોશીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા પાંચ લોકોની ઓળખ વૈભવ ઘેનંદ, પવન ચૌરસિયા, લાવણ્યા ગણેર, દિવ્યા ગણેર અને કુણાલ કાશીદ તરીકે થઈ છે. મ્યુનિસિપલ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તમામ ઘાયલોને તાત્કાલિક તબીબી સારવાર પૂરી પાડવામાં આવી છે અને હાલ તેમની સ્થિતિ સ્થિર છે.

ઉત્સવના માહોલમાં અરેરાટી

ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં 10 દિવસનો ગણેશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી મુંબઈમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ પંડાલમાં લાવવા માટે ભવ્ય શોભાયાત્રા અને આગમન યાત્રાઓ યોજાય છે. જોકે, આ કમનસીબ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.