સોનિયા ગાંધીના પુસ્તક 'Belonging'ના ભારતમાં પ્રકાશન પર વિવાદ, પબ્લિશર અને લેખિકા વચ્ચે મડાગાંઠ, કોંગ્રેસ-ભાજપ સામસામે

સોનિયા ગાંધીની આત્મકથા 'Belonging: A Journey of Love'ના ભારત પ્રકાશન પર વિવાદ ઘેરો બન્યો છે. પબ્લિશર અને લેખિકા સામસામે આવ્યા બાદ કોંગ્રેસ-ભાજપ વચ્ચે રાજકીય ધમાસણ શરૂ થયું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sat, 29 Aug 2026 12:23 AM (IST)Updated: Sat, 29 Aug 2026 12:23 AM (IST)
sonia-gandhis-belonging-book-india-publication-row-erupts

Sonia Gandhi Book Controversy: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગામી આત્મકથા 'Belonging: A Journey of Love'ના ભારતમાં પ્રકાશનને લઈને રાજકીય અને સાહિત્યિક જગતમાં મોટો વિવાદ ઊભો થયો છે. વિશ્વવિખ્યાત પબ્લિશિંગ હાઉસ 'પેન્ગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયા' (PRHI) એ આ પુસ્તકને ભારતમાં પ્રકાશિત ન કરવાનો નિર્ણય લીધો છે.

આ નિર્ણય બાદ ભારતીય રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસ તેમજ ભાજપ સામસામે આવી ગયા છે.

તે 3 સંવેદનશીલ મુદ્દા, જેના પર જામ્યો વિવાદ

કોંગ્રેસના આંતરિક સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ, પુસ્તકના પ્રકાશનમાં અડચણરૂપ બનેલા ત્રણ મુખ્ય મુદ્દાઓ આ મુજબ છે-

ચીન સરહદ અને અતિક્રમણનો મુદ્દો

પુસ્તકમાં ભારતીય સરહદ પર ચીનની ઘૂસણખોરી અને વર્તમાન સીમા સ્થિતિનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે સંસદમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવ્યો હોવા છતાં કેન્દ્ર સરકારે તેને યોગ્ય ગંભીરતાથી લીધો નહોતો.

વડાપ્રધાન મોદીની કાર્યશૈલી અને નીતિઓ

સોનિયા ગાંધીએ પોતાના પુસ્તકમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ, તેમની નિર્ણાયક કાર્યશૈલી અને વર્તમાન કેન્દ્ર સરકારની કેટલીક વિવાદિત નીતિઓ પર ખુલ્લીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને સવાલો ઉઠાવ્યા છે.

આરએસએસ (RSS)ની ભૂમિકા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની દેશના સામાજિક અને રાજકીય માળખા પર પડતી અસરો અંગે પુસ્તકમાં ટિપ્પણી કરવામાં આવી છે. પુસ્તકમાં ઉલ્લેખ છે કે RSS એ ભાજપનું માતૃ સંસ્થા છે અને પીએમ મોદીએ પૂર્ણકાલીન રાજકારણમાં પ્રવેશતા પહેલા આ સંગઠનમાં કાર્ય કર્યું હતું.

પબ્લિશરની શરત અને સોનિયા ગાંધીનો સ્પષ્ટ ઈનકાર

અહેવાલો અનુસાર, પેન્ગ્વિન ઈન્ડિયા દ્વારા સોનિયા ગાંધીને પુસ્તકના કેટલાક સંવેદનશીલ ભાગોમાં ફેરફાર કરવા અથવા તેને હટાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. પરંતુ સોનિયા ગાંધીએ આ શરત માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

તેમનું કહેવું હતું કે પુસ્તકમાં વ્યક્ત કરાયેલા વિચારો અને તથ્યો તેમના અંગત અનુભવો અને દ્રષ્ટિકોણ પર આધારિત છે, તેથી લખાણમાં કોઈ પણ પ્રકારની કટછાંટ કે સુધારો કરવો શક્ય નથી.

પબ્લિશિંગ હાઉસની સ્પષ્ટતા

વિવાદ વધતા પેન્ગ્વિન રેન્ડમ હાઉસ ઈન્ડિયાએ એક સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું કે તેઓ ક્યારેય આ પુસ્તકના ભારતીય પ્રકાશનના અધિકૃત પબ્લિશર નહોતા.

તેમણે ઉમેર્યું કે કોઈ પણ પુસ્તકના પ્રકાશન પહેલા તેના તથ્યોની ચકાસણી (Fact Check) કરવી અને લેખકને તકનીકી સુધારા સૂચવવા એ પ્રકાશન પ્રક્રિયાનો સામાન્ય ભાગ છે. તેઓ આ પુસ્તક પ્રકાશિત કરવા માટે ઉત્સુક હતા, પરંતુ લેખિકા સાથેની ગુપ્ત વાટાઘાટો પર તેઓ વધુ ટિપ્પણી કરી શકે નહીં.

ઉલ્લેખનીય છે કે, આગામી 10 નવેમ્બરે આ પુસ્તકનું આંતરરાષ્ટ્રીય પ્રકાશન 'અલ્ફ્રેડ એ. નોફ' દ્વારા થવાનું નક્કી છે. હાલમાં એમેઝોન પર આ ઈ-બુક 'વિલિયમ કોલિન્સ' (હાર્પર કોલિન્સ યુકે) હેઠળ પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ

આ મામલે રાજકીય પક્ષો વચ્ચે તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

કોંગ્રેસનો આરોપ: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કમલનાથ સહિતના નેતાઓએ આ નિર્ણયની ટીકા કરતા કહ્યું કે, જો પુસ્તક સમગ્ર વિશ્વમાં પ્રકાશિત થઈ શકતું હોય તો ભારતમાં જ તેના પર દબાણ કેમ બનાવવામાં આવી રહ્યું છે? તેમણે આને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરનો હુમલો ગણાવ્યો હતો.

ભાજપનો પલટવાર: ભાજપના આઈટી સેલના પૂર્વ પ્રમુખ અમિત માલવિયાએ ટ્વિટ કરીને કટાક્ષ કર્યો હતો કે, પબ્લિશરને સોનિયા ગાંધીના પોતાના જ આલેખનમાં 'તથ્યો' તપાસવાની જરૂર પડી, તેના પરથી સાબિત થાય છે કે પુસ્તકમાં સત્ય અને કાલ્પનિક વાતો વચ્ચેની રેખા કેટલી ધૂંધળી છે.