ગાંધી પરિવારનું નિયંત્રણ અને નેપોટિઝમના આરોપ, ઈમરજન્સીને ગણાવી ભૂલ: વાંચો સોનિયા ગાંધીના ઈન્ટરવ્યૂના અંશ

બ્રિટિશ અખબારને આપેલા એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ઈમરજન્સી અંગે ખુલીને વાત કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 07 Nov 2026 10:22 PM (IST)Updated: Sat, 07 Nov 2026 10:22 PM (IST)
sonia-gandhi-interview-emergency-mistake-nepotism-congress-leadership

Sonia Gandhi Interviews: બ્રિટિશ અખબારને આપેલા એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પક્ષ પર ગાંધી પરિવારના સતત વર્ચસ્વ અને નેપોટિઝમના આરોપો અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. સોનિયા ગાંધીએ કહ્યું કે નેતૃત્વ સાથે જોડાયેલા પ્રશ્ન પાર્ટીને જ પૂછવો જોઈએ. સોનિયા ગાંધીનો આ ઈન્ટરવ્યુ એવા સમયે આવ્યો જ્યારે તેમની આત્મકથા 'Belonging: A Journey of Love' નો સંપાદિત અંશ રિલીઝ થવા જઈ રહ્યો છે.

ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે સોનિયા ગાંધીને પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ પાર્ટી ગાંધી પરિવારના નેતૃત્વના વર્તુળમાંથી બહાર કેમ નથી નીકળી રહી, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપવાને બદલે કહ્યું કે તમારે આ સવાલ પાર્ટીને પૂછવો જોઈએ. ભાઈ-ભત્રીજાવાદના આક્ષેપોથી બચતા તેમણે ઉમેર્યું હતું કે, "આપણે બધા ચૂંટણી લડીએ છીએ; ક્યારેક જીતીએ છીએ તો ક્યારેક હારીએ છીએ. આ આપણા બધા સાથે બન્યું છે."

હાલમાં કોંગ્રેસ પાર્ટી સતત ચૂંટણીઓમાં હારનો સામનો કરી રહી છે અને દેશમાં ભાજપની હિંદુત્વ વિચારધારા મુખ્ય રાજકીય તાકાત તરીકે ઉભરી છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં પાર્ટીને અનેક આંચકા લાગ્યા છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે એક જ પરિવારનું વર્ચસ્વ હોવાને કારણે કોંગ્રેસ માટે નેપોટિઝમ અને એલીટ નેતૃત્વના આરોપોમાંથી મુક્તિ મેળવવી મુશ્કેલ બની છે. જોકે, સોનિયા ગાંધીનું માનવું છે કે કોંગ્રેસ આજે પણ ભાજપના એક મજબૂત અને ભરોસાપાત્ર વિકલ્પ તરીકે ઉભરી આવવાની ક્ષમતા ધરાવે છે.

બીજી તરફ, જ્યારે સોનિયા ગાંધી વર્ષ 2014 સુધી એક દાયકા સુધી સત્તામાં રહેલી UPA સરકારના કાર્યકાળ અને તે દરમિયાન થયેલા ભ્રષ્ટાચારના વિવાદો અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે બચાવત્મક વલણ અપનાવતા કહ્યું કે, લગભગ દરેક કેસમાં સંબંધિત મંત્રીઓએ પોતાના પદો પરથી રાજીનામું આપી દીધું હતું.

સોનિયા ગાંધીએ વર્ષ 1975 માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સી અંગે પણ ખુલ્લીને વાત કરી હતી. તેમણે આ ઐતિહાસિક નિર્ણયને એક ભૂલ ગણાવી અને જણાવ્યું કે પાછળથી ઈન્દિરા ગાંધી પોતે પણ આ વાત અનુભવવા લાગ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે, "મને ખબર છે કે ઘણા લોકો આ વાત પર હસશે, પરંતુ મારું માનવું છે કે ઈમરજન્સી દરમિયાન તેઓ ક્યારેય સહજ નહોતા."

સોનિયા ગાંધીએ એવો પણ ખુલાસો કર્યો કે આ નિર્ણયને લઈને ગાંધી પરિવારની અંદર ગંભીર મતભેદો અને તણાવ ઊભા થયા હતા. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ઈન્દિરા ગાંધીના આ પગલાનો સખત વિરોધ કર્યો અને પોતાની માતાને આગામી ચૂંટણી સુધી રાહ જોવાની સલાહ આપી હતી. તેનાથી વિપરીત, તેમના નાના પુત્ર સંજય ગાંધી વિપક્ષ સામે વધુ આક્રમક અને સખત વલણ અપનાવવા પર અડગ હતા.

પરિવાર સાથેના એક ડિનર દરમિયાન સંજયે ઈન્દિરા ગાંધીને ચેતવણી આપી હતી કે વિપક્ષ તેમને સંપૂર્ણપણે બર્બાદ કરી દેશે અને કહ્યું કે, "તેમને રોકવા જ પડશે." સોનિયાના જણાવ્યા મુજબ, સંજય ગાંધીનો આ પ્રભાવ પરિવારમાં તણાવનું મોટું કારણ બન્યો હતો. જો તે સમયે સંજય ગાંધી પર લગામ કસવામાં આવી હોત, તો દેશ અને પરિવારને પાછળથી થયેલા નુકસાનથી બચાવી શક્યા હોત.

સોનિયા ગાંધીએ પોતાના જીવનની સૌથી દર્દનાક ક્ષણો વર્ષ 1984 માં ઈન્દિરા ગાંધી અને વર્ષ 1991 માં રાજીવ ગાંધીની હત્યાના આઘાતને પણ યાદ કર્યા હતા. વાતચીત દરમિયાન તેમની પુત્રી પ્રિયંકા ગાંધી પણ સાથે હતા. તેમણે એ દિવસને યાદ કરતા જણાવ્યું કે, જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે સાસુને લોહીલુહાણ જોયા હતા. હોસ્પિટલ લઈ જતી વખતે ઈન્દિરા ગાંધીને ભાનમાં લાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

એ મુસાફરીને અત્યંત કષ્ટદાયક ગણાવતા તેમણે કહ્યું કે, "ચારેય તરફ લોહી જ લોહી હતું, અને મને અહેસાસ થયો કે તેઓ મારા પ્રશ્નોનો કોઈ જવાબ આપી રહ્યા નહોતા. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ હવે દુનિયામાં રહ્યા નથી." આ ઘટના બાદ આવેલા લાંબા ડિપ્રેશન અને માનસિક આઘાતને યાદ કરતા તેમણે કહ્યું કે તેઓ તે સમયે એક ભૂતની જેમ જીવન જીવી રહ્યા હતા.