Sonam Wangchuk News: NEET પેપર લીક વિવાદ અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથે છેલ્લા ૨૬ દિવસથી ઉપવાસ પર ઉતરેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે આખરે પોતાની ભૂખ હડતાળનો અંત લાવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી તેમની ત્રણ મુખ્ય માંગણીઓ પર સત્તાવાર લેખિત ખાતરી મળ્યા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિડિયો સંદેશ જાહેર કરીને વાંગચુકે જણાવ્યું હતું કે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને પીએમઓ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથેની સફળ ચર્ચા બાદ આ સંમતિ સાધી શકાઈ છે.
પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામે નહીં થાય કોઈ કાનૂની કાર્યવાહી
સોનમ વાંગચુકે સ્પષ્ટ કર્યું હતું કે સરકારે લેખિતમાં ખાતરી આપી છે કે જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ કરનારા અથવા 'સાંસદ ચલો' રેલીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને યુવાનો સામે કોઈ પણ પ્રકારની FIR, કાનૂની કાર્યવાહી કે દંડાત્મક પગલાં લેવામાં આવશે નહીં. આ નિર્ણયથી આંદોલન કરી રહેલા હજારો વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે.
મૃતક વિદ્યાર્થીઓના પરિવારોને મળશે યોગ્ય વળતર
NEET પેપર લીક કૌભાંડના આઘાતમાં જીવ ગુમાવનારા 20 થી વધુ વિદ્યાર્થીઓના પરિવારો માટે પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. વાંગચુકે માહિતી આપી હતી કે કથિત પેપર લીકના કારણે મૃત્યુ પામેલા તમામ વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય નાણાકીય વળતર આપવાની તેમની માંગણીનો પણ સરકારે લેખિતમાં સ્વીકાર કર્યો છે.
પરીક્ષા પ્રણાલી અને જવાબદારી અંગે સંસદમાં થશે વિશેષ ચર્ચા
ભવિષ્યમાં દેશમાં આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગડબડ કે પેપર લીક જેવી ઘટનાઓ ન બને તે માટે શિક્ષણ પ્રણાલી, પરીક્ષા પ્રક્રિયા અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવા અંગે સંસદમાં વિસ્તૃત ચર્ચા યોજવાની લેખિત ખાતરી પણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે.
શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે સસ્પેન્સ યથાવત
જોકે, વાંગચુકે નોંધ્યું હતું કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ અંગે સરકાર તરફથી કોઈ ખાતરી આપવામાં આવી નથી. તેમણે ઉમેર્યું હતું કે તેમની પ્રાથમિકતા ધરાવતી મુખ્ય ત્રણ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાથી તેમણે ભૂખ હડતાળનો અંત લાવવાનો યોગ્ય નિર્ણય લીધો હતો.
