Smit Machchhar Salary: તાજેતરમાં ફ્લાયદુબઈની એક ફ્લાઇટ સાથે જોડાયેલી ઘટનાને કારણે ભારતીય પાઇલટ સ્મિત મચ્છરનું નામ વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યું છે. તેમના અનુભવ અને વ્યાવસાયિક કુશળતાની પ્રશંસા થઈ રહી છે. આ વચ્ચે ઘણા લોકો જાણવા માગે છે કે ફ્લાયદુબઈમાં Boeing 737ના કેપ્ટન તરીકે કાર્યરત સ્મિત મચ્છરને કેટલો પગાર મળે છે અને કંપની તરફથી તેમને કઈ-કઈ સુવિધાઓ આપવામાં આવે છે.
સ્મિત મચ્છરનો અંદાજિત પગાર કેટલો હોઈ શકે?
સ્મિત મચ્છરને વાસ્તવિક પગારની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જોકે ફ્લાયદુબઈ દ્વારા જાહેર કરાયેલા પાઇલટ પે-સ્ટ્રક્ચરના આધારે અંદાજ લગાવી શકાય છે. કંપનીના જણાવ્યા અનુસાર કેપ્ટન પાઇલટને બેઝિક સેલેરી, હાઉસિંગ અને ટ્રાન્સપોર્ટેશન અલાઉન્સ સહિત દર મહિને 50,235 UAE દિરહામ મળે છે. આ ઉપરાંત સરેરાશ 70 ફ્લાઇંગ કલાકના આધારે લગભગ 16,310 UAE દિરહામનો વેરિએબલ ફ્લાઇંગ પે પણ આપવામાં આવે છે. આ રીતે કુલ માસિક આવક લગભગ 66,545 UAE દિરહામ સુધી પહોંચી શકે છે.
| વિગતો | રકમ (AED) |
|---|---|
| બેઝિક પગાર + હાઉસિંગ + ટ્રાન્સપોર્ટ અલાઉન્સ | 50,235 |
| સરેરાશ વેરિએબલ ફ્લાઇંગ પે (70 કલાક) | 16,310 |
| કુલ અંદાજિત માસિક આવક | 66,545 |
જો 1 UAE દિરહામનો દર આશરે 26.13 રૂપિયા ગણવામાં આવે તો 66,545 દિરહામની રકમ લગભગ 17.39 લાખ રૂપિયા પ્રતિ મહિના જેટલી થાય છે. આ પ્રમાણે વાર્ષિક કમાણીનો અંદાજ 2 કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે.
ફ્લાયદુબઈમાં ફર્સ્ટ ઓફિસરનો પગાર કેટલો હોય છે?
ફ્લાયદુબઈમાં કારકિર્દીની શરૂઆત કરનારા ફર્સ્ટ ઓફિસરને કેપ્ટન કરતાં ઓછું વેતન મળે છે. કંપનીના પે-સ્ટ્રક્ચર મુજબ બેઝિક પગાર અને વિવિધ અલાઉન્સ મળીને તેમને દર મહિને 37,000 UAE દિરહામ મળે છે. ઉપરાંત સરેરાશ ફ્લાઇંગ કલાકોના આધારે લગભગ 11,410 દિરહામનો વધારાનો ફ્લાઇંગ પે આપવામાં આવે છે.
| વિગતો | રકમ (AED) |
|---|---|
| બેઝિક પગાર + હાઉસિંગ + ટ્રાન્સપોર્ટ અલાઉન્સ | 37,000 |
| સરેરાશ વેરિએબલ ફ્લાઇંગ પે (70 કલાક) | 11,410 |
| કુલ અંદાજિત માસિક આવક | 48,410 |
આ રકમ ભારતીય ચલણમાં રૂપાંતરિત કરીએ તો તે દર મહિને અંદાજે 12 લાખ રૂપિયાથી વધુ થાય છે.
ફ્લાયદુબઈ પાઇલટોને કઈ સુવિધાઓ આપે છે?
આકર્ષક પગાર ઉપરાંત ફ્લાયદુબઈ પોતાના પાઇલટોને અનેક વધારાની સુવિધાઓ પણ આપે છે. તેમાં મેડિકલ ઇન્શ્યોરન્સ, બાળકોના શિક્ષણ માટે સહાય, એન્ડ ઓફ સર્વિસ બેનિફિટ, વર્ષ દરમિયાન 42 દિવસની પેઇડ રજા અને પરિવાર તેમજ મિત્રો માટે ડિસ્કાઉન્ટેડ એર ટિકિટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. કંપની ઇન્કમ પ્રોટેક્શન કવર પણ પ્રદાન કરે છે.
સ્મિત મચ્છારનો ફ્લાઇંગ અનુભવ
મુંબઈના રહેવાસી સ્મિત મચ્છાર જૂન 2022થી ફ્લાયદુબઈમાં Boeing 737ના કેપ્ટન તરીકે સેવા આપી રહ્યા છે. તે પહેલાં તેઓ લગભગ 11 વર્ષ સુધી SpiceJet સાથે જોડાયેલા હતા, જ્યાં તેઓ સીનિયર કમાન્ડર અને લાઇન ટ્રેનિંગ કેપ્ટન જેવા મહત્વપૂર્ણ પદો પર રહી ચૂક્યા છે.
તેમની LinkedIn પ્રોફાઇલ મુજબ તેમની પાસે 9,750 કલાકથી વધુનો ફ્લાઇંગ અનુભવ છે. ઉપરાંત SpiceJet દરમિયાન તેઓ 6,400 કલાકથી વધુ સમય પાઇલટ-ઇન-કમાન્ડ તરીકે વિમાન ઉડાવી ચૂક્યા છે. આ વિશાળ અનુભવને કારણે તેઓ ભારતીય એવિએશન ક્ષેત્રના અનુભવી પાઇલટોમાં ગણાય છે.
