મુશ્કેલ સમયમાં શુભેન્દુ જ મારી સાથે ઉભા હતા... મમતા બેનર્જીના ખાસ મહુઆ મોઇત્રાના બદલાયેલા સૂરથી બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ!

તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે કૃષ્ણનગરના સાંસદ મહુઆ મોઇત્રાનું મોટું નિવેદન સામે આવ્યું છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 24 Jun 2026 11:04 PM (IST)Updated: Wed, 24 Jun 2026 11:04 PM (IST)
shubhendu-was-the-one-who-stood-by-me-in-difficult-times-mamata-banerjees-special-mahua-moitras-changed-tone-caused-a-major-earthquake-in-bengal-politics

Mahua Moitra on Suvendu Adhikari: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની અંદર ચાલી રહેલા ભારે આંતરિક વિખવાદ અને જૂથબંધી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના સૌથી પ્રખર સમર્થક અને ફાયરબ્રાન્ડ નેતા ગણાતા કૃષ્ણનગરના સાંસદ મહુઆ મોઇત્રાનું એક તાજું નિવેદન બંગાળના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે. એક આંતરરાષ્ટ્રીય મીડિયા હાઉસને આપેલા ખાસ ઈન્ટરવ્યુમાં મહુઆ મોઇત્રાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના જોરદાર વખાણ કર્યા છે અને તેમની સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કર્યા છે. મહુઆએ ખુલાસો કર્યો કે કેવી રીતે તેમની રાજકીય કારકિર્દીના સૌથી અંધકારમય તબક્કામાં શુભેન્દુ અધિકારીએ એક મોટા ભાઈની જેમ તેમનો હાથ પકડ્યો હતો.

ત્યારે શુભેન્દુએ દિલાસો આપ્યો હતોઃ મહુઆ

પોતાના જૂના દિવસોને યાદ કરીને સાંસદ મહુઆ મોઇત્રા થોડા ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે તેમને પક્ષ તરફથી ટિકિટ નહોતી મળી, ત્યારે તેઓ સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા અને આખી રાત રડતા રહ્યા હતા. તે મુશ્કેલ સમયમાં શુભેન્દુ અધિકારીએ જ તેમને હિંમત આપતા કહ્યું હતું કે- બહેન, હું તારી સાથે છું. એટલું જ નહીં, વર્ષ 2016ની વિધાનસભા ચૂંટણીમાં જ્યારે મહુઆ કરીમપુર બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા હતા અને તૃણમૂલનો કોઈ મોટો નેતા તેમના પ્રચાર માટે નહોતો આવ્યો, ત્યારે શુભેન્દુ અધિકારીએ જ ત્યાં આવીને તેમના સમર્થનમાં પહેલી જાહેર સભા સંબોધી હતી.

શુભેન્દુની મદદ હું ક્યારેય નહીં ભૂલી શકું: મહુઆ

મહુઆ મોઇત્રાએ ઈન્ટરવ્યુમાં એ વાત પણ સ્પષ્ટ કરી છે કે, વર્તમાન સમયમાં તેમનો શુભેન્દુ અધિકારી સાથે કોઈ સંપર્ક કે વાતચીત નથી, પરંતુ ભૂતકાળમાં તેમણે કરેલી મદદને તેઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી. રાજકીય વિશ્લેષકો અત્યારે ભલે આ નિવેદનને માત્ર જૂની યાદોનું સંસ્મરણ ગણાવી રહ્યા હોય, પરંતુ બંગાળમાં બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે આ નિવેદનના ઘણા ઊંડા રાજકીય ગર્ભિત અર્થો કાઢવામાં આવી રહ્યા છે.