Shashi Tharoor GTA 6: કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પોતાના અનોખા અંદાજ, અંગ્રેજી શબ્દભંડોળ અને તીખા રાજકીય કટાક્ષ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે લોકપ્રિય વીડિયો ગેમ ‘ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6’ (GTA 6) રમતા-રમતા કેન્દ્રની મોદી સરકારના નોટબંધીના નિર્ણય પર સીધો પ્રહાર કર્યો છે. રવિવારે સામે આવેલા આ નિવેદન બાદ રાજકીય વર્તુળોની સાથે-સાથે ગેમિંગ જગતમાં પણ ભારે ચર્ચા જાગી છે.
ઓટો વિનાની ગ્રાન્ડ થેફ્ટ કહીને માર્યો ટોણો
યુટ્યુબ પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં શશિ થરૂર પહેલીવાર કોઈ વીડિયો ગેમ પર હાથ અજમાવતા જોવા મળે છે. ગેમ રમતી વખતે તેમણે તેના નામ પર હળવી રમૂજ કરતા કહ્યું કે- અંગ્રેજી ભાષાના હિસાબે ‘ગ્રાન્ડ થેફ્ટ ઓટો’ શબ્દનો કોઈ ખાસ અર્થ નીકળતો નથી. ‘ગ્રાન્ડ થેફ્ટ’ એટલે કે મોટી ચોરી એ તો સમજાય છે, પરંતુ તેમાં ‘ઓટો’ શબ્દ કેમ જોડવામાં આવ્યો છે તે સમજાતું નથી. મેં આ પહેલા ક્યારેય કોઈ વીડિયો ગેમ રમી નથી.
આ જ વાતને આગળ વધારતા તેમણે મોદી સરકારની નીતિઓ પર કટાક્ષ કર્યો અને નોટબંધીની સરખામણી ઓટો વિનાની એક મોટી ચોરી (ગ્રાન્ડ થેફ્ટ વિધાઉટ ઓટો) સાથે કરી.
13 વર્ષના અંતર અને અભિવ્યક્તિની આઝાદી પર ચિંતા
ગેમ રમતી વખતે થરૂરે શરૂઆતમાં મજાકિયા અંદાજમાં કહ્યું કે તેઓ અત્યારે ગેમમાં માત્ર ટકી રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે ચાલી શું રહ્યું છે. ત્યારબાદ તેમણે ગેમના અગાઉના વર્ઝન અને નવા વર્ઝન વચ્ચેના 13 વર્ષના લાંબા ગાળાને ભારતની વર્તમાન પરિસ્થિતિ સાથે જોડી દીધો.
થરૂરે કહ્યું કે છેલ્લા 13 વર્ષ ભારત માટે ઘણા ઉતાર-ચઢાવ ભરેલા રહ્યા છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે દેશમાં ઘણી રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઘટી છે. આજે લોકો એવું કંઈ પણ બોલતા ડરે છે, જેનાથી સરકારને વાંધો પડી શકે.
જૂના દિવસો યાદ કરતા તેમણે ઉમેર્યું કે- આપણે સૌએ આપણી 500 અને 1000 રૂપિયાની નોટોને નકામી થતી જોઈ છે. છેલ્લા 13 વર્ષમાં દેશે ઘણી મોટી અને ચોંકાવનારી ઘટનાઓનો સામનો કર્યો છે.
GTA 6 એ પહેલા જ દિવસે રચ્યો ઈતિહાસ, 3.79 બિલિયન ડોલરની કમાણી
એક તરફ જ્યાં થરૂરના નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે, તો બીજી તરફ રોકસ્ટાર ગેમ્સ (Rockstar Games) ની આ ગેમે કમાણીના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે.
મનોરંજન જગતના જાણીતા મેગેઝિન ‘વેરાયટી’ (Variety)ના અહેવાલ મુજબ, GTA 6 મનોરંજન ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું લોન્ચ સાબિત થયું છે. ગેમની પેરેન્ટ કંપની ટેક-ટૂ ઈન્ટરેક્ટિવ (Take-Two Interactive) એ સત્તાવાર રીતે જણાવ્યું છે કે પ્રી-ઓર્ડર અને રિલીઝના પહેલા જ દિવસના વેચાણથી ગેમે 3.79 બિલિયન અમેરિકી ડોલર ની જંગી કમાણી કરી છે. કંપનીના મતે, મનોરંજનના કોઈપણ માધ્યમમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.
હોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મો પણ રહી ગઈ પાછળ
GTA 6ની પહેલા દિવસની કમાણી એટલી વિશાળ છે કે તેણે દુનિયાભરની મોટી હોલીવુડ ફિલ્મોના લાઈફટાઈમ બોક્સ-ઓફિસ કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે.
| પ્રોજેક્ટ / ફિલ્મનું નામ | કમાણી (અમેરિકી ડોલરમાં) | વિશેષ નોંધ |
| GTA 6 (વીડિયો ગેમ) | 3.79 બિલિયન ડોલર | માત્ર પ્રી-ઓર્ડર અને પહેલા દિવસનું વેચાણ |
| સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે | 2.52 બિલિયન ડોલર | સોની પિક્ચર્સની 2026ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ |
| ધ ઓડિસી (The Odyssey) | 1.8 બિલિયન ડોલરથી વધુ | ક્રિસ્ટોફર નોલાન નિર્દેશિત ફિલ્મનું ગ્લોબલ કલેક્શન |
| અવતાર (બંને ભાગ મળીને) | લગભગ 3.79 બિલિયન ડોલર | જેમ્સ કેમરૂનની ‘ધ વે ઓફ વોટર’ અને ‘ફાયર એન્ડ એશ’ ની કુલ કમાણી |
આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જેમ્સ કેમરૂનની બે સુપરહિટ ‘અવતાર’ ફિલ્મોએ ભેગા મળીને જેટલી કમાણી બોક્સ-ઓફિસ પર કરી હતી, તેટલી કમાણી GTA 6 એ માત્ર પોતાના લોન્ચિંગના પહેલા જ દિવસે કરી બતાવી છે.
