ચૂંટણી પંચ ફોર્મ 6, 7 અને 8ના નિયમો બદલી ન શકે, દિલ્હી SIR કેસમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

દિલ્હી SIR સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સખત શબ્દોમાં ટકોર કરી છે કે ફોર્મ 6, 7 અને 8માં કોઈ બદલાવ ન થઈ શકે. જૂના મતદારો માટે સરળ રસ્તો શોધવા અને ડેડલાઈન વધારવા કોર્ટે આપ્યા મહત્વના આદેશ. વાંચો પૂરા સમાચાર.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 28 Oct 2026 05:30 PM (IST)Updated: Wed, 28 Oct 2026 05:30 PM (IST)
sc-slams-ec-on-voter-list-forms-6-7-8-in-delhi-sir-case

SC on Voter List News: સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીમાં મતદારોના SIR (Special Intensive Revision) સંબંધિત અરજીઓ પર મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ (Election Commission)ના વલણ સામે સખત નારાજગી વ્યક્ત કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી પંચ ફોર્મ 6, 7 અને 8ના નક્કી કરેલા બંધારણીય પ્રક્રિયાત્મક માળખા કે નિયમોમાં પોતાની રીતે કોઈ ફેરફાર કરી શકે નહીં.

વિવાદ શું છે? જૂના મતદારો પાસે ફોર્મ-6 ભરાવવા પર સવાલ

ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી પીઠે ચૂંટણી પંચની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. અદાલતે પૂછ્યું હતું કે- જે નાગરિકોના નામ પહેલેથી જ મતદાર યાદી (Voters List)માં નોંધાયેલા છે, તેમની પાસે ફરીથી નામ નોંધાવવા માટે ફોર્મ-6 શા માટે ભરાવવામાં આવી રહ્યાં છે? ફોર્મ-6 માત્ર અને માત્ર નવા મતદારોની નોંધણી માટે જ નિર્ધારિત કરવામાં આવ્યું છે.

CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફોર્મ 6, 7 અને 8ના ચોક્કસ માળખા નક્કી થયેલા છે, જેમાં ચૂંટણી પંચ પોતાની મરજી મુજબ કોઈ ફેરફાર કરી શકે નહીં.

"જ્યારે ચૂંટણી જ નથી, તો પછી 30 ઓક્ટોબરની ડેડલાઈન શા માટે?"

સુનાવણી દરમિયાન જજોએ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલી ઉતાવળિયા સમયમર્યાદા પર પણ પ્રશ્નો ખડા કર્યા હતા. પીઠે ટિપ્પણી કરી હતી કે, જ્યારે નજીકના ભવિષ્યમાં રાજધાની દિલ્હીમાં કોઈ ચૂંટણી યોજાવાની નથી, તો પછી ચૂંટણી પંચ 30 ઓક્ટોબરની ડેડલાઈન નક્કી કરવા પર આટલો બધો આગ્રહ કેમ રાખી રહ્યું છે?

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ આદેશ આપતા કહ્યું હતું કે-

  • નામોની પુનઃ નોંધણી કે સુધારા માટે કોઈ કઠોર અંતિમ તારીખ (Cut-off date) બાધ્ય ન કરો.
  • જે મતદારો કોઈ કારણસર સમયસર પોતાનું રજિસ્ટ્રેશન ફોર્મ જમા કરાવી શક્યા નથી, તેમના માટે એક સરળ અને વ્યવહારુ રસ્તો શોધો.
  • જો કોઈ વ્યક્તિનું નામ અગાઉની મતદાર યાદીમાં હતું પણ હાલમાં નીકળી ગયું છે, તો તેને "નવો મતદાર" ગણવાના બદલે તેની જૂની સ્થિતિ મુજબ ઉકેલ લાવવો જોઈએ.

"ચૂંટણી પંચ માત્ર રાહ ન જુએ, મતદારો સુધી પોતે પહોંચે"

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને તેની જવાબદારીઓનું ભાન કરાવતા એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું હતું. કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે માત્ર ઓફિસમાં બેસીને મતદારો પોતે આવીને અરજી જમા કરાવે તેની રાહ જોવી જોઈએ નહીં. તેના બદલે પંચે પોતે સક્રિય થઈને તંત્ર દ્વારા મતદારો સુધી પહોંચવાના પ્રયાસો કરવા જોઈએ.

જજોએ સૂચવ્યું કે પંચે ફોર્મ-6 અને ફોર્મ-8 દ્વારા અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ રાખવી જોઈએ અને સામાન્ય નાગરિકો માટે સૌથી સરળ પ્રક્રિયા અપનાવવી જોઈએ.

ચૂંટણી પંચનો પ્રતિસાદ

સુપ્રીમ કોર્ટના કડક વલણ અને સૂચનો બાદ ચૂંટણી પંચે પોતાના વલણમાં નમ્રતા દાખવી હતી. પંચે અદાલત સમક્ષ સંમતિ દર્શાવી હતી કે તેઓ અરજીઓ જમા કરાવવા માટેની સમય-સીમા (ડેડલાઈન) વધારવા માટે તૈયાર છે અને કોર્ટના નિર્દેશો મુજબ મતદારો માટે સરળ પ્રક્રિયા અમલમાં મુકશે.