Supreme Court Election Commission Hearing: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે સોમવારે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે, તે માત્ર અખબારી અહેવાલો અને સમાચારના આધારે ચૂંટણી પંચ કે મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોઈ એકપક્ષીય કે વચગાળાનો આદેશ જારી કરી શકે નહીં.
ચૂંટણી પંચ પાસે સ્પષ્ટતા માંગતી નોટિસ
જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચે અરજીમાં લગાવવામાં આવેલા આરોપો અંગે ચૂંટણી પંચ (ECI) ને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે, બંધારણ હેઠળ બહુ-સભ્યપદ ધરાવતી સંપૂર્ણ ચૂંટણી પેનલને સોંપાયેલી સત્તાઓનો ઉપયોગ મુખ્ય ચૂંટણી કમિશનર એકપક્ષીય રીતે કરી શકે છે કે કેમ તે નક્કી કરતા પહેલા ચૂંટણી પંચનો પક્ષ સાંભળવો કાયદાકીય રીતે અનિવાર્ય છે.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદ એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ સામે આવ્યો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ મતદાર યાદીઓ, મતદાર નોંધણી અને પંચની ટેક્નોલોજી સિસ્ટમ્સને લગતા નિર્ણયો સામે 10 મહિનાના ગાળામાં ઓછામાં ઓછી 14 વખત ઔપચારિક રીતે વાંધો ઉઠાવ્યો હતો.
અરજીઓમાં આક્ષેપ કરાયો હતો કે ચૂંટણી પંચ જે એક બહુ-સદસ્યીય બંધારણીય સંસ્થા છે. તે કાયદા દ્વારા નિર્ધારિત ફરજિયાત સામૂહિક નિર્ણય લેવાની પ્રક્રિયાનું પાલન કર્યા વિના, CEC દ્વારા એકપક્ષીય રીતે નિર્ણય લઈને પોતાની સત્તાનો ઉપયોગ કરી રહ્યું છે. અદાલતમાં મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણીઓ
સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટે 'સ્પેશિયલ સમરી રિવિઝન' (SSR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે વપરાતા 'ફોર્મ 6'ના કોઈ સુધારેલા સંસ્કરણને મંજૂરી આપી નથી. બેન્ચે સવાલ પણ કર્યો હતો કે જો મુખ્ય ચૂંટણી કમિશનરને સસ્પેન્ડ કરવામાં આવે તો ચૂંટણી પંચનું કામકાજ કોણ સંભાળશે અને દેશમાં "ચૂંટણી કોણ કરાવશે?"
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ અવલોકન કર્યું કે કાયદો ફરજિયાત છે અને કોર્ટ અપેક્ષા રાખે છે કે બંધારણીય સંસ્થાઓ તેનું પાલન કરે. જો તપાસ બાદ કાયદાનું ઉલ્લંઘન જણાશે, તો અદાલત સંબંધિત એકપક્ષીય નિર્ણયોને રદબાતલ ઠેરવતા અચકાશે નહીં.
ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચીએ નોંધ્યું કે જો રેકોર્ડ પરથી એવું સાબિત થશે કે કોઈ નિર્ણય સર્વસંમતિ કે બહુમતીથી લેવાયો નથી, તો કોર્ટ તેને 'અલ્ટ્રા વાયરસ' (સત્તાની મર્યાદા બહારનો) જાહેર કરી શકે છે. પરંતુ સામા પક્ષને સાંભળ્યા વિના માત્ર અખબારી અહેવાલોના આધારે કોઈ આખરી નિષ્કર્ષ પર આવવું અયોગ્ય ગણાશે.
નિર્ણયો રદ કરવાની તૈયારી દર્શાવી
સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે ચૂંટણી પંચના જવાબની સમીક્ષા કર્યા પછી જો એવું જણાય કે મુખ્ય ચૂંટણી કમિશનરે જરૂરી સર્વસંમતિ વિના નિર્ણયો લીધા છે, તો તે તમામ નિર્ણયોને રદબાતલ કરવામાં આવશે. કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે ચૂંટણી પંચ જેવા બંધારણીય માળખામાં તમામ નિર્ણયો સર્વસંમતિથી અથવા બહુમતીના આધારે જ લેવાવા જોઈએ.
