હરિયાણાના રેવાડીમાં ગમખ્વાર અકસ્માત: બેકાબૂ ટ્રેલર કાર પર ખાબકતા દિલ્હીના 4 શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ અકસ્માત શનિવારે મોડી રાત્રે અંદાજે 11:30 વાગ્યે રેવાડીમાં દિલ્હી-જયપુર હાઈવે પર બનીપુર ચોક નજીક બન્યો હતો. પીડિત પરિવાર રાજસ્થાનના સીકર સ્થિત ખાટુ શ્યામજીના દર્શન કરી પોતાની કારમાં દિલ્હી પરત ફરી રહ્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Sun, 15 Nov 2026 09:59 AM (IST)Updated: Sun, 15 Nov 2026 09:59 AM (IST)
rewari-delhi-jaipur-highway-accident-trailer-truck-overturns-on-car-four-dead-khatu-shyam-devotees
રેવાડી અકસ્માત સમાચાર

Rewari Accident News: હરિયાણાના રેવાડી જિલ્લામાં દિલ્હી-જયપુર હાઈવે પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના પ્રખ્યાત ખાટુ શ્યામ મંદિરના દર્શન કરીને દિલ્હી પરત ફરી રહેલા એક પરિવારની કાર પર ચણાની બોરીઓ ભરેલું બેકાબૂ ટ્રેલર ટ્રક પલટી ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં દિલ્હીના ચાર શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક નાનું બાળક ગંભીર રીતે ઘાયલ થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કેવી રીતે સર્જાઈ દુર્ઘટના?

પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ અકસ્માત શનિવારે મોડી રાત્રે અંદાજે 11:30 વાગ્યે રેવાડીમાં દિલ્હી-જયપુર હાઈવે પર બનીપુર ચોક નજીક બન્યો હતો. પીડિત પરિવાર રાજસ્થાનના સીકર સ્થિત ખાટુ શ્યામજીના દર્શન કરી પોતાની કારમાં દિલ્હી પરત ફરી રહ્યો હતો. જ્યારે તેમની કાર બનીપુર ચોક પાસે પહોંચી, ત્યારે તેમની બાજુમાં જ જઈ રહેલું ચણાની બોરીઓથી ભરેલું એક વિશાળ ટ્રેલર ટ્રક અચાનક બેકાબૂ થઈ ગયું હતું અને ચાલુ વ્હીકલે સીધું જ તેમની કાર પર પલટી ખાઈ ગયું હતું.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સંપૂર્ણપણે કચડાઈ ગઈ હતી અને તેમાં સવાર તમામ લોકો લોખંડના માળખા અને ભારે બોરીઓ નીચે ફસાઈ ગયા હતા. અકસ્માતના આ ભયાનક દ્રશ્યને કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ તુરંત જ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.

મૃતકોની ઓળખ અને બચાવ કામગીરી

માહિતી મળતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ટ્રેલર ટ્રકને ખસેડીને કચડાયેલી કારમાંથી પાંચેય સભ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક નજીકની બાવળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં પહોંચતા જ તબીબોએ ચાર વ્યક્તિઓને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં દીપક (દિલ્હીના પાલમ વિસ્તારના રહેવાસી), તેમની પત્ની દિવ્યા તેમજ નિતિન અને સરિતા (દિલ્હીના સુભાષ નગરના રહેવાસી) નો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં એક નાનું બાળક પણ ગંભીર રીતે ઘાયલ થયું છે, જેને હોસ્પિટલમાં અત્યંત નાજુક હાલતમાં સારવાર આપવામાં આવી રહી છે.

ડ્રાઈવર ફરાર, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ

અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ટ્રકનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર ડ્રાઈવરની શોધખોળ શરૂ કરી છે. આ ગમખ્વાર અકસ્માતને કારણે દિલ્હી-જયપુર હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લગભગ બે કલાક સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ભારે જહેમત બાદ ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવીને હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી હતી. ખાટુ શ્યામના દર્શન કરીને ખુશી-ખુશી ઘેર પરત ફરી રહેલા પરિવાર પર ઘડીભરમાં આફત તૂટી પડતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો છે.