Ravi Kishan Rahul Gandhi Remark: ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર અને ગોરખપુરના ભાજપના સાંસદ રવિ કિશન પોતાના નિવેદનો અને અનોખી અંદાજને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતી વખતે તેમની જીભ લપસી ગઈ હતી. રાહુલ ગાંધીના એક વાયરલ વિડિયો પર કટાક્ષ કરતી વખતે રવિ કિશને કંઈક એવું કહી દીધું કે જેનો વિડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
'તમે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છો...'
વાસ્તવમાં, ભાજપના સાંસદ રવિ કિશન રાહુલ ગાંધી દ્વારા પોતાની જ પાર્ટીના એક કાર્યકર્તાને કોણી મારવાના કથિત વિડિયો પર કટાક્ષ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની બોલવામાં ભૂલ થઈ ગઈ અને તેમણે કહ્યું, "હવે તમે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છો..." આ નિવેદન બહાર આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો.
ત્યારબાદ રવિ કિશને રાહુલ ગાંધી પર વધુ પ્રહાર કરતા ઉમેર્યું હતું કે- જો તમે ભવિષ્યમાં ક્યારેય વડાપ્રધાન બનશો તો દેશમાં કેટલા લોકોને કોણીઓ મારશો? એમની આ કોણીથી તો આખો દેશ ડરી ગયો છે કે જો આ સત્તામાં આવશે તો આપણને કેટલી કોણીઓ મારશે! અમે પહેલીવાર કોઈ આવા 'કોણીબાજ' નેતા જોયા છે."
શું છે સમગ્ર વિવાદ અને વાયરલ વિડિયો?
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક વિડિયો શેર કરવામાં આવ્યો. આ વિડિયો જ્ઞાનેશ કુમાર સામેના એક વિરોધ પ્રદર્શન સમયનો હોવાનું કહેવાય છે, જેમાં રાહુલ ગાંધી પોતાની સાથે ચાલતા એક કાર્યકર્તાને કોણી મારતા દેખાઈ રહ્યા છે. આ વિડિયો સામે આવ્યા બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અગાઉ પણ રવિ કિશને આ જ ઘટનાને લઈને રાહુલ ગાંધી પર પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેવાનો આરોપ લગાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર યુઝર્સના રમુજી રિએક્શન્સ
રવિ કિશનનો આ વિડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સે કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. ઇન્સ્ટાગ્રામ પર એક યુઝરે રમુજી અંદાજમાં લખ્યું- રવિ કિશનનો આભાર કે તેમણે સ્વીકાર્યું કે રાહુલ ગાંધી હાલના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ છે. જ્યારે અન્ય યુઝર્સે આ નિવેદન પર મીમ્સ બનાવીને રવિ કિશનના બોલવાની ભૂલની મજાક ઉડાવી હતી.
