Rajnath Singh on Rahul Gandhi: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે કોંગ્રેસ અને સાંસદ રાહુલ ગાંધી પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે આ લોકો બાંગ્લાદેશની તર્જ પર ભારતમાં સત્તા પરિવર્તન કરવા માંગે છે. ત્રણ દિવસીય લખનૌ પ્રવાસ દરમિયાન યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું હતું કે વિપક્ષનો એકમાત્ર એજન્ડા દેશની લોકશાહી સંસ્થાઓને નષ્ટ કરવાનો અને દેશમાં અરાજકતા ફેલાવવાનો છે।
બાંગ્લાદેશની તર્જ પર સરકાર પાડી દેવાનું ષડયંત્ર
રક્ષામંત્રી રાજનાથ સિંહે શુક્રવારે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, "દેશના યુવાનોને અરાજકતાની રાજનીતિના મહોરા બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ લોકો બાંગ્લાદેશની તર્જ પર સત્તા પરિવર્તન કરાવવા માંગે છે. એક નેતા પ્રેસ કોન્ફરન્સમાં ખુલ્લેઆમ કહે છે કે તેમણે શાસન બદલવાની પ્રેરણા બાંગ્લાદેશમાંથી લીધી છે અને બીજા નેતા ડંકે કી ચોટ પર સરકાર પાડી દેવાની વાતો કરે છે. "
તેમણે ઉમેર્યું કે દિલ્હીમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ ઘણા ગંભીર સવાલો ઊભા કરે છે. કોંગ્રેસ અને તેમના રાજકીય સહયોગીઓ યુવાશક્તિને રાષ્ટ્ર નિર્માણના રચનાત્મક કાર્યોમાં જોડવાને બદલે રાજકીય ટકરાવ અને અરાજકતા તરફ ધકેલી રહ્યા છે.
'રિજીમ ચેન્જ' શબ્દનો કર્યો ઉલ્લેખ
લખનૌમાં બોલતા રક્ષામંત્રીએ જણાવ્યું કે, વિપક્ષ દ્વારા 'રિજીમ ચેન્જ' (શાસન બદલવું) જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમની આ લડાઈ ચૂંટણી સુધારા, SIR, કે જ્ઞાનેશ કુમાર માટે નથી, કે દેશના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે નથી. તેમની આ લડાઈ દેશમાં અરાજકતા પેદા કરીને સત્તા હાસિલ કરવાનું એક મોટું કાવતરું છે.
વોટ ચોરીના આરોપો પાયાવિહોણા
રાજનાથ સિંહે વધુમાં ઉમેર્યું કે રાહુલ ગાંધી પાસે વોટ ચોરીનો કોઈ પુરાવો નથી અને કોંગ્રેસના તમામ આરોપો પાયાવિહોણા છે. જ્યારે રાજકીય સ્વાર્થને સત્ય અને રાષ્ટ્રહિતથી ઉપર રાખવામાં આવે છે, ત્યારે લોકશાહી વિમર્શ તથ્યોને બદલે દુરાગ્રહ અને દુષ્પ્રચારનો ભોગ બને છે.
તેમણે ટકોર કરી હતી કે, રાહુલ ગાંધી અને તેમના સાથીઓએ સમજવું પડશે કે લોકશાહી એ અરાજકતા ફેલાવવાનો, બંધારણીય સંસ્થાઓ પર પ્રહાર કરવાનો કે ભારતની વિકાસ યાત્રામાં અડચણ ઊભી કરવાનો લાયસન્સ નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી તાજેતરની ટિપ્પણી પણ આ જ દિશામાં એક સ્પષ્ટ સંકેત આપે છે.
