Rahul Gandhi Post Controversy: ચીનના શેનઝેન ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી ત્રિપક્ષીય બેઠક બાદ ભારતીય રાજકારણમાં નવો ગરમાવો આવી ગયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ બેઠકનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું, જેના જવાબમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસ અને ભૂતકાળની સરકારો પર રાષ્ટ્રીય હિતો સાથે સમાધાન કરવાનો આકરો પ્રહાર કર્યો છે.
રાહુલ ગાંધીએ શું પોસ્ટ કરી?
શુક્રવારે રાહુલ ગાંધીએ 'X' પર ટ્રમ્પ, શી જિનપિંગ અને પુતિનની ત્રિપક્ષીય ચર્ચાની તસવીર શેર કરતા લખ્યું હતું કે, જો દેશમાં કોંગ્રેસ સત્તામાં હોત, તો ભારતના વડાપ્રધાન પણ આ નેતાઓની સાથે તે જ ટેબલ પર બેઠા હોત. તેમણે વધુમાં ટિપ્પણી કરી કે, "એક 'સમાધાનકારી' વડાપ્રધાન ક્યારેય આ ટેબલ પર બેસી ન શકે." અત્રે ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા, ઊર્જા પુરવઠો અને પરમાણુ જોખમ ઘટાડવા સંબંધિત સંવાદ સહિતના મુદ્દાઓ પર શેનઝેનમાં આ ત્રણેય નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.
ભાજપનો વળતો પ્રહાર કર્યો
રાહુલ ગાંધીની આ ટિપ્પણી બાદ ભાજપના નેતાઓએ આકરા શબ્દોમાં વળતો જવાબ આપ્યો હતો. ભાજપના પ્રવક્તા તુહિન સિન્હાએ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયોને ટાંકીને આરોપ લગાવ્યો કે ભારતનાં હિતો સાથે સમાધાન કરવાનો ઇતિહાસ કોંગ્રેસનો રહ્યો છે. તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સમયના શિમલા કરાર દરમિયાન પાકિસ્તાની યુદ્ધ કેદીઓને મુક્ત કરવાના નિર્ણયનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "ઈન્દિરા ગાંધીએ શિમલા કરાર દરમિયાન સમાધાન કર્યા હતા; તેમણે પાકિસ્તાની સૈનિકોને મુક્ત કર્યા, જેના પછી પાકિસ્તાને ભારતમાં આતંકવાદ ફેલાવવાનું શરૂ કર્યું."
સિન્હાએ વધુમાં 7 ઓગસ્ટ, 2008ના રોજ બેઇજિંગમાં કોંગ્રેસ અને ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી (CCP) વચ્ચે કથિત રીતે થયેલા કરાર, રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળેલા દાન અને 2011માં શર્મ અલ-શેખ ખાતે તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ અને પાકિસ્તાનના વડાપ્રધાન સૈયદ યુસુફ રઝા ગિલાની વચ્ચેની બેઠક તેમજ નિવેદનનો ઉલ્લેખ કરીને 2004-14ની યુપીએ (UPA) સરકાર પર નિશાન સાધ્યું હતું.
વિદેશ નીતિ પર રાજકીય ઘમસાણ યથાવત
ભાજપના અન્ય નેતાઓએ પણ રાહુલ ગાંધી પર ભારતની છબી ખરડવાનો અને નકારાત્મક કથાનક ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના પ્રવક્તા આર.પી. સિંહે જણાવ્યું હતું કે વૈશ્વિક મંચ પર આજે ભારતનું સ્થાન મજબૂત છે અને વડાપ્રધાન મોદી વિશ્વના વિવિધ દેશોના નેતાઓ સાથે સારા સંબંધો જાળવી રહ્યા છે.
આ અગાઉ પણ વૈશ્વિક ભૂ-રાજનીતિમાં ભારતને 'ગૌણ ખેલાડી' ગણાવવાના રાહુલ ગાંધીના નિવેદનો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખી શાબ્દિક લડાઈ થઈ ચૂકી છે. વિદેશ નીતિ અને વૈશ્વિક નેતૃત્વના મુદ્દે બંને પક્ષો વચ્ચેનો આ રાજકીય વિવાદ આગામી દિવસોમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
