લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન ભારે હંગામો: સંસદમાં સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા, રાજનાથ સિંહે ભાજપ સાંસદોને શાંત પાડ્યા

ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કરતા પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાંક વિવાદાસ્પદ અને અસંસદીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 29 Jul 2026 02:19 PM (IST)Updated: Wed, 29 Jul 2026 02:19 PM (IST)
rahul-gandhi-lok-sabha-speech-high-drama-over-public-examinations-bill-2026
રાહુલ ગાંધી

Rahul Gandhi Lok Sabha Speech: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીના ભાષણ સમયે સદનમાં ભારે હોબાળો અને હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નીટ (NEET) પરીક્ષા પેપર લીક અને તેના વિરોધ પ્રદર્શનો અંગે વાત કરતી વખતે રાહુલ ગાંધીએ કથિત રીતે અસંસદીય શબ્દોનો ઉપયોગ કરતા સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા હતા.

અસંસદીય શબ્દોના ઉપયોગ પર ભાજપનો વિરોધ

ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સંસદમાં એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કરતા પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાંક વિવાદાસ્પદ અને અસંસદીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જેને પગલે ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ કિરણ રિજિજુએ તાત્કાલિક વિરોધ વ્યક્ત કરતા રાહુલ ગાંધીને સંસદીય ભાષાની મર્યાદા જાળવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, "રાહુલ ગાંધીએ રૂલ બુક મુજબ અને યોગ્ય સંસદીય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. અમે તેમને સાંભળવા તૈયાર છીએ, પરંતુ ગૃહની મર્યાદા જાળવવી જરૂરી છે."

સદનમાં સર્જાયો ભારે ડ્રામા

કિરણ રિજિજુના વિરોધ બાદ સંસદમાં ભારે ધમાલ મચી ગઈ હતી. જેને પગલે રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ અધવચ્ચે જ રોકી દીધું હતું અને પોતાની સીટ પર બેસી ગયા હતા. લોકસભા સ્પીકરે વારંવાર વિનંતી કર્યા બાદ પણ વાતાવરણ શાંત થતું નહોતું. સ્પીકરના કહેવાથી રાહુલ ગાંધી બોલવા માટે ફરી ઊભા થયા હતા, પરંતુ તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, "હું જ્યારે પણ બોલવા માટે ઊભો થાઉં છું ત્યારે સામેનો પક્ષ બૂમો પાડવાનું શરૂ કરી દે છે. જો તમે માત્ર ભાજપના લોકોને જ સાંભળવા માંગતા હોવ તો હું બેસી જાઉં છું."

રાજનાથ સિંહે મધ્યસ્થી કરીને સાંસદોને શાંત કર્યા

પરિસ્થિતિ વણસતી જોઈને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તરત જ વચ્ચે આવીને સત્તાપક્ષના તમામ સાંસદોને શાંત રહેવા અને બેસી જવા અપીલ કરી હતી. રાજનાથ સિંહે પોતાના સાંસદોને નિર્દેશ આપ્યો હતો કે તેઓ વિરોધ બંધ કરે અને રાહુલ ગાંધીના ભાષણને શાંતિથી સાંભળે. રાજનાથ સિંહે મધ્યસ્થી કર્યા બાદ ગૃહમાં શાંતિ સ્થપાઈ હતી અને રાહુલ ગાંધીએ ફરીથી બોલવાનું શરૂ કર્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમને કારણે લોકસભાની કાર્યવાહી દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો.