સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: વીર સાવરકર કેસમાં રાહુલ ગાંધી સામેની માનહાનિની ફરિયાદ અને સમન્સ રદ

આ વિવાદ 17 નવેમ્બર, 2022 ના રોજ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં 'ભારત જોડો યાત્રા' દરમિયાન યોજાયેલી એક રેલીમાંથી શરૂ થયો હતો, જ્યાં રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે નિવેદન આપ્યું હતું.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 14 Aug 2026 02:27 PM (IST)Updated: Fri, 14 Aug 2026 02:27 PM (IST)
rahul-gandhi-gets-supreme-court-relief-in-savarkar-defamation-case-summons-quashed
રાહુલ ગાંધી

Rahul Gandhi Supreme Court Relief: કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને વીર સાવરકર વિશે કરેલી ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટ તરફથી બહુ મોટી રાહત મળી છે. સર્વોચ્ચ અદાલતે રાહુલ ગાંધી સામેની ફોજદારી માનહાનિની ફરિયાદ અને નીચલી કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સમન્સને સંપૂર્ણપણે રદ કરી દીધા છે. કોર્ટે આ નિર્ણય કેસ ચલાવવા માટે જરૂરી કાનૂની મંજૂરીના અભાવને આધારે આપ્યો છે.

મંજૂરી વિનાની કાર્યવાહી અમાન્ય: સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શીલ નાગુની બનેલી બેન્ચે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુનાવણી દરમિયાન બેન્ચે અવલોકન કર્યું હતું કે, "ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ કરાયેલું સોગંદનામું, તેમજ એડિશનલ સોલિસિટર જનરલ અને ફરિયાદીના વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલો દર્શાવે છે કે આ કેસમાં કોઈ પણ પ્રકારની કાનૂની મંજૂરી મેળવવામાં આવી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફરિયાદ અને મેજિસ્ટ્રેટ દ્વારા પસાર કરાયેલ આદેશ રદ કરવામાં આવે છે."

સુનાવણી દરમિયાન જસ્ટિસ દત્તાએ સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે કેસની નોંધ લેતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત છે. જો મંજૂરીનો અભાવ હોય, તો આખી કાનૂની પ્રક્રિયા ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કે. એમ. નટરાજે પણ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે કેસ ચલાવવાની આવી કોઈ મંજૂરી આપવામાં આવી નહોતી.

શું હતો સમગ્ર વિવાદ?

આ વિવાદ 17 નવેમ્બર, 2022 ના રોજ મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં 'ભારત જોડો યાત્રા' દરમિયાન યોજાયેલી એક રેલીમાંથી શરૂ થયો હતો, જ્યાં રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે નિવેદન આપ્યું હતું. એડવોકેટ નૃપેન્દ્ર પાંડેએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ જાણી જોઈને સાવરકરને બદનામ કરવાના કાવતરા ભાગરૂપે આ ટિપ્પણી કરી હતી.

અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કાર્યવાહી રદ કરવાનો ઈનકાર કરીને સેશન્સ કોર્ટમાં જવાની સલાહ આપી હતી, જેને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. સર્વોચ્ચ અદાલતે કાનૂની ક્ષતિને પગલે આ કેસ સંપૂર્ણપણે ફગાવી દઈને રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે.