Rahul Gandhi: કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 19 સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશના ઇંદૌર શહેરની મુલાકાતે આવી રહ્યા છે. કોંગ્રેસના ‘છાત્રો કી ગૂંજ’ (Chhatron Ki Goonj) અભિયાન હેઠળ તેઓ ઇંદૌરમાં રીજનલ પાર્ક સામે આવેલા મેદાનમાં સાંજે 5:30 થી રાત્રે 8:15 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ કરશે. શિક્ષણ, રોજગાર અને યુવાનોને લગતા પ્રશ્નો પર કેન્દ્રિત આ કાર્યક્રમમાં ભાગ લીધા બાદ તેઓ રાત્રે જ દિલ્હી પરત ફરશે.
Gen-Z ને લક્ષ્યમાં રાખીને આયોજિત આ કાર્યક્રમમાં ૩૫ વર્ષ સુધીની વયના યુવાનો ભાગ લેશે. વિદ્યાર્થીઓ સાથેના સંવાદ ઉપરાંત કાર્યક્રમમાં જાણીતા ગાયક રાઘવ ચૈતન્ય, રેપર લશ્કરી અને ડાન્સ ગ્રુપ 'વિકાસ અનબીટેબલ' પોતાની પ્રસ્તુતિ આપશે. ઇંદૌરમાં યોજાનારો આ કાર્યક્રમ દેશભરમાં આ શ્રેણીનો ૫મો કાર્યક્રમ છે, આ પહેલાં કોટા, પ્રયાગરાજ, દેહરાદૂન અને પુણેમાં આવા આયોજનો થઈ ચૂક્યા છે.
ગ્રાઉન્ડના ભાડાં અને વસૂલાત અંગે વિવાદ
આ કાર્યક્રમના આયોજનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઇંદૌર વિકાસ પ્રાધિકરણ (IDA) એ રીજનલ પાર્ક સામેના મેદાનનું ભાડું અચાનક વધારી દીધું હોવાનો આક્ષેપ કોંગ્રેસે લગાવ્યો છે. કોંગ્રેસ શહેર અધ્યક્ષ ચિંતૂ ચોકસેના જણાવ્યા મુજબ, પ્રાધિકરણે પહેલાં 2 લાખ રૂપિયા ભાડું બતાવીને 10 લાખ 8 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ ફરી નવો નોટિસ આપીને વધુ 4 લાખ 3 હજાર 270 રૂપિયા જમા કરાવવા કહ્યું હતું, જે રકમ પણ કોંગ્રેસે જમા કરાવી દીધી છે. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ વિપિન વાનખેડેએ સરકારી વિભાગો દ્વારા ફાયર અને ઈલેક્ટ્રિક NOC આપવામાં વિલંબને પ્રશાસનિક હેરાનગતિ ગણાવી હતી.
પોલીસે મૂકી 31 કડક શરતો
બીજી તરફ, ઇંદૌર પોલીસે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આયોજકો સામે 31 કડક શરતો મૂકી છે. પોલીસે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીની 21 મે 1991 ના રોજ થયેલી હત્યા બાદ સુરક્ષા સંબંધિત 'વર્મા આયોગ'ના રિપોર્ટનો હવાલો આપ્યો છે. પોલીસે આયોજકો પાસે આવનારા લોકોની સંખ્યા, તેઓ કયા જિલ્લા કે કોલેજમાંથી આવશે, તથા વાહનોના નંબર અને ચાલકોના મોબાઈલ નંબરની વિગતો માંગી છે. પોલીસનું કહેવું છે કે આ શરતો માત્ર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મૂકવામાં આવી છે.
