રાષ્ટ્રપતિ મુર્મુ સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ કહ્યું- રાષ્ટ્રપતિએ વોટ ચોરીના પુરાવા માંગ્યા હતા, તે અમારી પાસે છે

ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ રાહુલ ગાંધીના નેતૃત્વમાં CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી. રાષ્ટ્રપતિ મુર્મુ સાથેની મુલાકાત બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને ગૃહમંત્રી પર 'વોટ ચોરી'નો આરોપ લગાવ્યો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 09 Oct 2026 11:11 PM (IST)Updated: Fri, 09 Oct 2026 11:11 PM (IST)
rahul-gandhi-accuses-pm-shah-of-vote-theft-after-meeting-president

Rahul Gandhi INDIA Bloc March: દિલ્હીના રાજકારણમાં ગરમાવો લાવતા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ઇન્ડિયા ગઠબંધનના અંદાજે 150 સાંસદોએ સંસદ ભવનના સેન્ટ્રલ હોલની બેઠક બાદ સંસદથી રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરી હતી. આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા અને તેમના રાજીનામાની માંગ કરવાનો હતો.

માર્ચ દરમિયાન વિપક્ષી સાંસદોએ હાથમાં 'જ્ઞાનેશ, હવે બહુ થયું!' લખેલા પોસ્ટરો પકડ્યા હતા અને 'વોટી'ના આરોપ લગાવતા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે, સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને માત્ર 10 મુખ્ય નેતા પ્રતિનિધિમંડળને જ રાષ્ટ્રપતિ ભવનની અંદર રાષ્ટ્રપતિ મુર્મુને મળવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે અન્ય સાંસદોએ વિજય ચોક પર ધરણા પ્રદર્શન કર્યું હતું.

રાષ્ટ્રપતિ મુલાકાત બાદ રાહુલ ગાંધીના નિવેદનો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાત પૂરી થયા બાદ મીડિયા સાથે વાતચીતમાં રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે- આખો દેશ જાણે છે કે વોટ ચોરી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આના મુખ્ય સૂત્રધાર છે, જ્યારે ગૃહમંત્રી અમૃત શાહ અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેને જમીની સ્તરે લાગુ કરનાર પાત્રો છે. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને વાતો સામે રાષ્ટ્રપતિએ પણ તેનો ઇનકાર કર્યો ન હતો.

વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયાઓ

મલ્લિકાર્જુન ખડગે: કોંગ્રેસ અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું કે, ચૂંટણી આયોગની કાર્યશૈલી અને ભૂલોએ દેશમાં ડરનો માહોલ પેદા કર્યો છે અને લોકશાહી સામે મોટો ખતરો ઊભો કર્યો છે.

મનોજ કુમાર ઝા (RJD સાંસદ): તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સમગ્ર દેશની એક જ માંગ છે કે આ બેઈમાનીના સમગ્ર માળખાને નાબૂદ કરવામાં આવે અને CEC જ્ઞાનેશ કુમાર તેમાં એક રક્ષાત્મક ઢાલ બનીને ઊભા છે.

આ વિરોધ પ્રદર્શન પાછળ વિપક્ષની મુખ્ય ત્રણ માંગણીઓ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું રાજીનામું, મતદાર યાદીના વિવાદિત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને રદ કરવું અને યાદીમાંથી કમી કરાયેલા તમામ મતદારોના નામ ફરીથી જોડવા. આ રાજકીય ઘમાસાણને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે.