Purvanchal Expressway Accident: ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસવે પર શનિવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એમ્બ્યુલન્સમાં સવાર તમામ 5 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. લખનૌથી ગાઝીપુર તરફ જઈ રહેલી આ એમ્બ્યુલન્સ સુબેહાના ગેરાવાન ગામ નજીક 53.3 કિલોમીટરના માર્ક પર રસ્તાની બાજુમાં ઉભેલા એક પિકઅપ ટ્રકના પાછળના ભાગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એમ્બ્યુલન્સનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર પાંચેય વ્યક્તિઓના સ્થળ પર જ પ્રાણ નીકળી ગયા હતા.
જયપુરથી પશ્ચિમ બંગાળ મૃતદેહ લઈ જતી વખતે બની દુર્ઘટના
ઘટનાની વિગતો મુજબ, શનિવારે સવારે લગભગ 6:30 વાગ્યે ત્યાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ આ ભયાનક અકસ્માત જોતા તુરંત 112 કંટ્રોલ રૂમને જાણ કરી હતી. અકસ્માતને પગલે એક્સપ્રેસવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ સુબેહા પોલીસ અને એક્સપ્રેસવે સુરક્ષા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી મૃતકોને હૈદરગઢના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સમાં સવાર લોકો રાજસ્થાનના જયપુરથી પશ્ચિમ બંગાળ તરફ એક મૃતદેહ લઈને જઈ રહ્યા હતા, તે દરમિયાન આ જીવલેણ દુર્ઘટના સર્જાઈ હતી.
પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું
સુબેહાના સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) બેચુ સિંહે અકસ્માતમાં પાંચેય વ્યક્તિઓના મોતની પુષ્ટિ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા કાર્યકારી પોલીસ અધિક્ષક (SP) વિવેક તિવારી અને હૈદરગઢના સર્કલ ઓફિસર (CO) સમીર સિંહે પણ ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. હૈદરગઢના SHO અનિલ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે તમામ મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે અને તેમના પરિવારજનોને આ દુઃખદ ઘટના અંગે જાણ કરી દેવામાં આવી છે.
મૃતકોની ઓળખ
પોલીસ તપાસ બાદ અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચેય મૃતકોની ઓળખ નીચે મુજબ થઈ છે:
- હરિ ઓમ યોગી (પિતા: જય સિંહ) – રહેવાસી: પીપલ ખેડ, અલવર (રાજસ્થાન)
- મકબૂલ ખાન (પિતા: શુમાન) – રહેવાસી: જવાહર નગર કાચ્ચી બસ્તી, જયપુર (રાજસ્થાન)
- અમીનુર હક (પિતા: અબ્દુલ હુસૈન) – રહેવાસી: મધ્ય બાલા ભૂત, કૂચ બિહાર (પશ્ચિમ બંગાળ)
- રૂપિક (પિતા: અબ્દુલ રહેમાન) – રહેવાસી: સુકનાસ પુકાનગંજ મુલીવાલા ભૂત (પશ્ચિમ બંગાળ)
- આલમ (વાહનચાલક) – રહેવાસી: ઉત્તર ભાલા ભુત, સુલતાનગંજ, કૂચ બિહાર (પશ્ચિમ બંગાળ)
