Punjab Bus Accident: પંજાબના તરનતારનમાં 'મુખ્યમંત્રી તીર્થ યાત્રા' યોજનાની 2 બસો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 4 યાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. આ ભયાનક અકસ્માતમાં 12 થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે પૈકી 10 લોકોની હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
બાઈક ચાલકને બચાવવા જતા સર્જાયો અકસ્માત
આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, મુખ્યમંત્રી તીર્થ યાત્રાની બંને બસ ફિરોઝપુરથી શ્રદ્ધાળુઓને લઈને અમૃતસર સ્થિત શ્રી હરિમંદિર સાહેબના દર્શન અર્થે જઈ રહી હતી. જમ્મુ-કાશ્મીર-રાજસ્થાન નેશનલ હાઈવે પર આવેલ નૌશેહરાપન્નુઆં કસ્બા પાસે રોડના ડિવાઈડર વચ્ચેથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બાઈક ચાલકને બચાવવા માટે તીર્થ યાત્રાની આગળ ચાલી રહેલી બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી, જેના કારણે પાછળથી આવી રહેલી મુખ્યમંત્રી તીર્થ યાત્રાની બીજી બસ તેની સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માત દરમિયાન અત્યંત જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો.
4 શ્રદ્ધાળુઓના મોત, 10 લોકોની હાલત ગંભીર
આ અકસ્માત એટલો ભયાનક હતો કે 4 યાત્રીના શરીરના અનેક ભાગ ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા અને તેમના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં જ રોડ સેફ્ટી ફોર્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સિવિલ સર્જન ડો. સંદીપ ધવને ઈમરજન્સી જાહેર કરીને તમામ એમ્બ્યુલન્સોનેઘટના સ્થળે રવાના કરી દીધી હતી.
બીજી તરફ, તબીબોને પણ તાત્કાલિક ઈમરજન્સી વોર્ડમાં બોલાવી લેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ચારેય યાત્રીઓના મૃતદેહ રાખવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તો પૈકી 10 લોકોની હાલત અત્યંત ગંભીર બની રહી છે.
રાહત કામગીરી વચ્ચે ટ્રાફિકમાં ફસાઈ એમ્બ્યુલન્સ
નૌશેહરા પન્નુઆંથી ઈજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં ટ્રાફિક વ્યવસ્થાના કારણે 3 એમ્બ્યુલન્સ ગાડીઓ ભારે જામમાં ફસાઈ ગઈ હતી. આ ઘટના અંગે વિગતો આપતાં SSP સુરેન્દ્ર લાંબાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓની ટીમ મોકલી દેવામાં આવી છે અને રાહત કામગીરી પૂરજોશમાં જારી છે.
