Premanand Maharaj Ashram: વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજ પોતાના શિષ્ય રસિક દુલાડીના રહસ્યમય મોત અને તેને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે 14 દિવસ બાદ ગુરુવારે પ્રથમ વખત પોતાના મૂળ આશ્રમે પહોંચ્યા હતા. પ્રેમાનંદ મહારાજ આશ્રમ આવ્યા હોવાના સમાચાર મળતા જ તેમના દર્શન કરવા માટે હજારો ભક્તોની ભીડ ઉમટી પડી હતી. તેમણે આશ્રમ અને ગુરુ સ્થાન પર દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ ફરીથી યમુનાપાર સ્થિત પોતાના આશ્રમે રવાના થઈ ગયા હતા. બીજી તરફ, પ્રેમાનંદ મહારાજ અને ક્રિકેટર વિરાટ કોહલીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપનારા ફલાહારી બાબા સંતોના વિરોધ બાદ બેકફૂટ પર આવ્યા છે અને તેમણે પોતાના નિવેદન બદલ જાહેર માફી માંગી છે.
શિષ્યના રહસ્યમય મોત બાદ પ્રથમ વખત આશ્રમ આગમન
ગયા શુક્રવારે પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલાડીએ આશ્રમની ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાએ ત્યારે સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી જ્યારે તપાસ દરમિયાન શિષ્યનો પ્રાઇવેટ પાર્ટ કપાયેલો મળી આવ્યો હતો. પોલીસને તપાસ દરમિયાન રૂમમાંથી પ્રાઇવેટ પાર્ટનો ટુકડો અને કટર પણ મળી આવ્યા હતા. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં શિષ્ય કૂદતો જોવા મળ્યો હતો, પરંતુ પ્રાઇવેટ પાર્ટ કપાવા પાછળનું રહસ્ય હજુ પણ અબંધ છે, જેને કારણે અનેક પ્રકારની અફવાઓ અને ચર્ચાઓ શરૂ થઈ હતી.
આ તમામ વિવાદો વચ્ચે ગુરુવારે સવારે આશરે 5:30 વાગ્યે સંત પ્રેમાનંદ મહારાજ અચાનક રાધા કેલી કુંજ આશ્રમ પહોંચ્યા હતા. તેમણે લગભગ 20 મિનિટ આશ્રમમાં રોકાઈને શ્રીજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ વારાહ ઘાટ સ્થિત પોતાના ગુરુ ગૌરાંગી શરણ મહારાજના આશ્રમે પહોંચ્યા હતા અને એકાંત ધ્યાન ધર્યું હતું. ગુરુજીના આશીર્વાદ લીધા બાદ સવારે ૬ વાગ્યે તેઓ યમુનાપાર સ્થિત યમુના વિહાર કુંજ આશ્રમ માટે રવાના થઈ ગયા હતા. આ દરમિયાન તેમની એક ઝલક મેળવવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી, જેને શિષ્યોએ માંડ માંડ કાબૂમાં લીધી હતી. આશ્રમ પહોંચીને તેમણે ભક્તોને પ્રવચન પણ આપ્યા હતા.
સંતોના બહિષ્કારના નિર્ણય બાદ ફલાહારી બાબાએ માફી માંગી
બીજી તરફ, શ્રીકૃષ્ણ જન્મભૂમિ કેસના એક પક્ષકાર દિનેશ શર્મા ઉર્ફે ફલાહારી મહારાજે પ્રેમાનંદ મહારાજના આશ્રમ અને ક્રિકેટર વિરાટ કોહલી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજના આશ્રમે લાવવા માટે રાજસ્થાનની એક ખાનગી કંપની દ્વારા 5 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આ આક્ષેપો બાદ મથુરા-વૃંદાવનના સંત સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. સિદ્ધ પીઠ હનુમાન ટેકરી પર સંતોએ તાકીદની બેઠક યોજીને ફલાહારી બાબાનો સામાજિક અને ધાર્મિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, તેમજ ભવિષ્યમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમમાં તેમને આમંત્રણ ન આપવાનો નિર્ણય લીધો હતો.
સંતોના આ આકરા વલણ બાદ ફલાહારી બાબાએ બેકફૂટ પર આવવું પડ્યું હતું. માફી માંગતા તેમણે જણાવ્યું હતું કે, "મેં પૂજ્ય મહારાજજી માટે ક્યારેય ખોટો શબ્દ નથી વાપર્યો, હું તેમની માફી માંગુ છું." તેમણે દાવો કર્યો હતો કે મીડિયા દ્વારા તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે અને આ વિવાદ બાદ તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
