Prayagraj Court: પ્રયાગરાજની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડ તેમજ અન્ય અગ્રણીઓ સામે દાખલ કરવામાં આવેલી ક્રિમિનલ રિવિઝન પિટિશનને ફગાવી દીધી છે. કોર્ટે આ પિટિશનને ખોટી અને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવીને અરજદાર એડવોકેટ રાકેશ નાથ પાંડે પર 50,000નો ભારે દંડ પણ ફટકાર્યો છે.
રાજકીય કે બંધારણીય મતભેદ ફોજદારી કેસનો આધાર બની શકે નહીં: કોર્ટ
કેસની સુનાવણી કરતી વખતે પ્રભારી સેશન્સ જજ જયેન્દ્ર કુમારે સ્પષ્ટ અને કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, માત્ર રાજકીય કે બંધારણીય મતભેદોના આધારે ફોજદારી કાયદાની પ્રક્રિયા શરૂ કરી શકાતી નથી. કોર્ટે અવલોકન કર્યું હતું કે અરજીમાં કરવામાં આવેલા આક્ષેપોથી કોઈ પણ પ્રકારનો ફોજદારી ગુનો બનતો હોય તેવું સ્પષ્ટ થતું નથી. વધુમાં, બંધારણીય હોદ્દાના શપથના કથિત ઉલ્લંઘનને કેન્દ્રમાં રાખીને ફોજદારી કેસ દાખલ કરવાનો કોઈ આધાર ગણી શકાય નહીં.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને ચૂંટણી રેલીઓ અંગે ઉઠાવ્યા હતા સવાલ
આ મામલો મૂળરૂપે ACJM (MP/MLA કોર્ટ)ના એ આદેશ સામે દાખલ કરાયેલી પુનર્વિચારણા અરજી સાથે જોડાયેલો હતો, જેમાં નીચલી કોર્ટે મૂળ ફરિયાદને પહેલાથી જ રદબાતલ કરી દીધી હતી. અરજદારે 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં આયોજિત ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાનની સહભાગિતા, તેમના ભાષણ અને નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત, પિટિશનમાં ચૂંટણી રેલીઓ દરમિયાન સરકારી સંસાધનોના કથિત દુરુપયોગ અંગે પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
30 દિવસમાં દંડની રકમ જમા કરાવવાનો આદેશ
નીચલી કોર્ટના ચુકાદાને સંપૂર્ણપણે યથાવત રાખતા, એડિશનલ સેશન્સ કોર્ટે અરજદારને આદેશ આપ્યો હતો કે ફટકારવામાં આવેલી 50,000 ની દંડની રકમ 30 દિવસની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં જમા કરાવવાની રહેશે. કોર્ટના આ નિર્ણયથી રાજકીય ક્ષેત્રે મોટો ચર્ચાનો વિષય બન્યો છે.
