PM Modi BRICS Diplomacy: નવી દિલ્હીના ‘ભારત મંડપમ’ ખાતે યોજાયેલી 18મી બ્રિક્સ સમિટના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ દિવસ દરમિયાન અતિ વ્યસ્ત કાર્યક્રમ હેઠળ 15 જેટલા વિશ્વના અગ્રણી નેતાઓ અને સરકાર પ્રમુખો સાથે બેઠકો યોજી હતી. આ ડિપ્લોમેટિક મેરેથોન દરમિયાન પીએમ મોદીએ વિવિધ દેશોના વડાઓ સાથે રૂબરૂ મુલાકાત કરીને વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ બેઠકો દ્વારા ભારતે વૈશ્વિક મંચ પર પોતાની રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે.
રશિયા, ચીન અને ઈરાન સાથેની મહત્વની મુલાકાતો
આ સમિટ દરમિયાન વૈશ્વિક સ્તરે સૌથી વધુ ચર્ચાચીજ બનેલી બેઠકોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથેની ચર્ચાઓ સામેલ હતી. રશિયાના રાષ્ટ્રપતિ સાથેની બેઠકમાં દ્વિપક્ષીય વેપારને વર્ષ 2030 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચાડવા અને દરિયાઈ સુરક્ષા તથા ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાતમાં સરહદી પ્રશ્નો, દ્વિપક્ષીય સંબંધોને દીર્ધદ્રષ્ટિથી જોવા તથા પરસ્પર આદર અને સંવેદનશીલતા જાળવવા પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.
નવી દિલ્હી ઘોષણાપત્ર અને સુરક્ષા-વેપાર મુદ્દાઓ
બ્રિક્સ સમિટમાં તમામ સભ્ય દેશો દ્વારા સર્વાનુમતે ‘નવી દિલ્હી ઘોષણાપત્ર’ (New Delhi Declaration) અપનાવવામાં આવ્યું હતું, જેમાં આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સાથે સીમાપારના આતંકવાદની આકરી નિંદા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, આર્થિક અસંતુલન અને નાણાકીય સહયોગ જેવા મહત્વપૂર્ણ વિષયો પર નક્કર પરિણામો લાવવા માટે સંયુક્ત રણનીતિ ઘડવા પર સહમતિ સધાઈ હતી.
ભારતની અધ્યક્ષતા અને વૈશ્વિક કૂટનીતિનું વધતું કદ
ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમિટે 'લોકો-કેન્દ્રિત' અભિગમને પ્રાથમિકતા આપી છે. પીએમ મોદીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બ્રિક્સ જૂથ હવે પુખ્ત વયે પહોંચી ગયું છે અને માત્ર વચનો આપવાને બદલે જમીની સ્તરે નક્કર પરિણામો આપવાનો સમય આવી ગયો છે. આ બેઠકો દ્વારા ભારતે વૈશ્વિક શાંતિ, સ્થિરતા, આર્થિક વિકાસ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં પોતાની આગવી નેતૃત્વની ભૂમિકાને વધુ સુદ્રઢ કરી છે.
