Masood Malik India Visit: ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી સંબંધો વચ્ચે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં પાકિસ્તાનના આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય સંકલન મંત્રી મસૂદ મલિક (Masood Malik) શુક્રવારે નવી દિલ્હી આવી પહોંચ્યા છે. તેઓ શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) દ્વારા આયોજિત પ્રથમ 'સભ્યતાઓ વચ્ચે સંવાદ' (Civilizational Dialogue Forum) કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારત આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતની સત્તાવાર મુલાકાત લેનારા મસૂદ મલિક પ્રથમ પાકિસ્તાની મંત્રી છે.
એરપોર્ટ પર પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા સ્વાગત
નવી દિલ્હી એરપોર્ટ પર પહોંચતા ભારત સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનના કાર્યકારી વડા ('ચાર્જ ડી અફેર્સ') સાદ વરૈચે મંત્રી મસૂદ મલિકનું સ્વાગત કર્યું હતું. પાકિસ્તાની હાઈ કમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર તેમના આગમનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, સંઘીય મંત્રી મસૂદ મલિક SCO ના સંવાદ કાર્યક્રમમાં ભાગ લેવા નવી દિલ્હી પહોંચ્યા છે.
સાંસ્કૃતિક વારસો અને 'શાંઘાઈ સ્પિરિટ' પર રહેશે ભાર
મસૂદ મલિક 20 થી 22 નવેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ રહેલા પ્રથમ 'SCO સિવિલાઈઝેશન્સ ડાયલોગ ફોરમ' ના વિવિધ સત્રોમાં હાજરી આપશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, મલિક આ વૈશ્વિક મંચ પર પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે અને વિવિધ સભ્યતાઓ વચ્ચે સંવાદના મહત્વ તેમજ પ્રાદેશિક રાજદ્વારી ક્ષેત્રે પાકિસ્તાનની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરશે.
મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, મંત્રી પોતાના સંબોધનમાં પાકિસ્તાનના વિવિધ સભ્યતાગત અને સાંસ્કૃતિક વારસા પર પ્રકાશ પાડશે. આ સહભાગિતા 'શાંઘાઈ સ્પિરિટ' (Shanghai Spirit) ને અનુરૂપ સંવાદ, સહયોગ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન હાલમાં 2026-27 ના કાર્યકાળ માટે 'SCO કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ' નું અધ્યક્ષપદ પણ ધરાવે છે, જેના ભાગરૂપે આગામી શિખર સંમેલન પૂર્વે ઈસ્લામાબાદમાં વિવિધ મંત્રી સ્તરીય બેઠકો યોજાનાર છે.
ભારતની પહેલ અને તમામ સભ્ય દેશોને આમંત્રણ
ભારતે SCO ના તમામ 10 સભ્ય દેશો ઉપરાંત નિરીક્ષક રાષ્ટ્રો અને સંવાદ ભાગીદારોને આ પ્રથમ ફોરમમાં ભાગ લેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે નવી દિલ્હી આ સંવાદનું આયોજન કરવા માટે ઉત્સુક છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય યુરેશિયન ક્ષેત્રમાં સાંસ્કૃતિક આદાનપ્રદાન, પરસ્પર સમજણ અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે.
અગાઉ 20 ઓક્ટોબરે તાજિકિસ્તાનના દુશાન્બે ખાતે યોજાયેલી SCO બેઠકમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રથમ ‘SCO સિવિલાઈઝેશન્સ ડાયલોગ ફોરમ’ નું આયોજન કરવાની જાહેરાત કરી હતી. ભારત, પાકિસ્તાન, ચીન અને રશિયા સહિત કુલ ૧૦ સભ્યો ધરાવતા આ સંગઠનમાં ભારત વર્ષ ૨૦૧૭માં પૂર્ણ સભ્ય બન્યું હતું.
