CEC જ્ઞાનેશ કુમારને હટાવવા સહિત SIRને અટકાવવાની માગ. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીની શક્યતા

ચૂંટણીમાં ગડબડી અને વોટ ચોરીના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષી ગઠબંધને સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ યોજી. મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે જોરદાર પ્રદર્શન.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 13 Oct 2026 01:59 AM (IST)Updated: Tue, 13 Oct 2026 02:05 AM (IST)
opposition-demands-cec-removal-vote-theft-probe-at-sc-march

Rahul Gandhi SC March: ચૂંટણી પ્રક્રિયામાં કથિત મોટા પાયાની ગડબડીઓ અને ‘વોટ ચોરી’ના ગંભીર આક્ષેપોને લઈને દેશનું રાજકારણ ગરમાયું છે. એકજૂથ થયેલા વિપક્ષે સોમવારે દિલ્હીના રસ્તાઓ પર ઉતરીને શક્તિપ્રદર્શન કર્યું હતું અને સુપ્રીમ કોર્ટ તરફ વિશાળ ‘લોકતંત્ર માર્ચ’ યોજી હતી. ચૂંટણી પ્રક્રિયામાં વ્યાપક અનિયમિતતાઓનો આરોપ લગાવતા વિપક્ષી નેતાઓએ સર્વોચ્ચ અદાલતમાં એક સંયુક્ત અરજી દાખલ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની કડક માંગ કરી છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કનોટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ રાજધાની દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત બારાખંભા રોડથી સુપ્રીમ કોર્ટ સુધી ‘લોકતંત્ર માટે માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ અને ટીએમસીના સૌગતા રોય જેવા દિગ્ગજ નેતાઓ હજારો સમર્થકો સાથે જોડાયા હતા.

અરજીમાં મુખ્ય માંગણી: SIR પ્રક્રિયા પર ત્વરિત રોક

વિપક્ષી નેતાઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને દાખલ કરેલી પોતાની સંયુક્ત અરજીમાં મતદાતા યાદીના SIR દ્વારા ખૂબ મોટી સંખ્યામાં વોટરોના નામ કાપી નાખવામાં આવ્યા હોવાની ફરિયાદ કરી છે. ચૂંટણીમાં ધાંધલી થતી હોવાનો દાવો કરતા વિપક્ષે આ SIR કામગીરી પર તાત્કાલિક અસરથી રોક લગાવવાની માંગ કરી છે.

આ સંયુક્ત અરજીમાં પ્રથમ નામ રાહુલ ગાંધીનું છે, જ્યારે મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ, એમ.એ. બેબી, સુપ્રિયા સુલે, સંજય રાઉત અને ટી. બશીર સહિતના વરિષ્ઠ નેતાઓ અરજદાર તરીકે જોડાયા છે.

CJIની સલાહ બાદ લેવાયો નિર્ણય

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે વોટ ચોરીના મુદ્દે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અંગત મુલાકાતની વિનંતી અસ્વીકાર કરી હતી. CJI એ નેતાઓને મુલાકાત કરવાના બદલે વિધિવત અરજી દાખલ કરવાની સલાહ આપી હતી, જેના પગલે સોમવારે આ સંયુક્ત અરજી દાખલ કરવામાં આવી હતી. કાયદાકીય ટીમે આ અરજી દાખલ કરી છે અને સુપ્રીમ કોર્ટ મંગળવારે આ અરજી પર સુનાવણી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

બેરિકેડ્સ તોડી ટ્રક પર સવાર થયા નેતાઓ

દિલ્હીમાં આશરે પાંચ કલાકથી વધુ સમય સુધી આ લોકતંત્ર માર્ચ ચાલી હતી. બારાખંભા સર્કલ પર પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) દ્વારા માર્ચને રોકવાનો પ્રયાસ કરાયો હતો. પોલીસ બેરિકેડિંગ સામે આવતાં જ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને કોંગ્રેસ શાસિત રાજ્યોના ત્રણ મુખ્યમંત્રીઓ (સુખવિંદર સિંહ સુખુ, ડી.કે. શિવકુમાર અને રેવંત રેડ્ડી) એક ટ્રક પર સવાર થઈ ગયા હતા અને બેરિકેડ્સ પાર કરીને આગળ વધ્યા હતા.

સુપ્રીમ કોર્ટ પરિસરમાં ભારે સુરક્ષા વચ્ચે પ્રવેશ

સોમવારે સાંજે આશરે 6:30 વાગ્યા પછી રાહુલ ગાંધી, ખડગે, અખિલેશ અને પ્રિયંકા ગાંધી સહિત તમામ વિપક્ષી નેતાઓ માર્ચ કરતા કડક પોલીસ સુરક્ષા ઘેરા વચ્ચે સુપ્રીમ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. આ માર્ચ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ સખત નારેબાજી કરવામાં આવી હતી અને વિરોધ દર્શાવતા પોસ્ટરો લહેરાવવામાં આવ્યા હતા.

દિગ્ગજ નેતાઓ અને યુવાનોનો અનોખો વિરોધ

આ પ્રદર્શનમાં વિપક્ષની એકતા અને અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે રસ્તા પર વિરોધ પ્રદર્શનમાં ન દેખાતા કોંગ્રેસ સાંસદ શશી થરૂર અને વરિષ્ઠ વકીલ-રાજનેતા અભિષેક મનુ સિંઘવી પણ પદયાત્રા કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત, યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને Gen-Z યુવાનોને આકર્ષિત કરવા માટે કેટલાક પ્રદર્શનકારીઓ બેટમેન સહિતના અન્ય માસ્ક પહેરીને પણ માર્ચમાં જોડાયા હતા.