Naveen Patnaik: ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દેશમાં બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બની ગયા છે. નવીન પટનાયકે મુખ્યમંત્રી તરીકે 23 વર્ષ અને 139 દિવસ પૂર્ણ કરતા જ સીપીઆઈ(એમ)ના દિગ્ગજ નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુનો રેકોર્ડ તોડી દીધો છે. જ્યોતિ બસુ 23 વર્ષ 137 દિવસ સુધી મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. જ્યોતિ બસુ 21 જૂન 1977 થી 5 નવેમ્બર 2000 સુધી મુખ્યમંત્રી હતા.
નવીન પટનાયક ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પાંચ વખત રહી ચૂક્યા છે. નવીન પટનાયકે 5 માર્ચ, 2000ના રોજ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ત્યારથી તેઓ આ પદ પર છે. અગાઉ, નવીન પટનાયક 1998 થી 2000 સુધી કેન્દ્રીય સ્ટીલ અને ખાણ મંત્રી રહી ચૂક્યા છે.
આ પણ વાંચો
જણાવી દઈએ કે, નવીન પટનાયક દેશના દિગ્ગજ નેતા બીજુ પટનાયકના પુત્ર છે. નવીન પટનાયકે 1997માં પિતા બીજુ પટનાયકના અવસાન બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. નવીન પટનાયક પેટાચૂંટણીમાં જનતા દળની ટિકિટ પર પિતાની લોકસભા બેઠક આસ્કાથી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. જો કે, 26 ડિસેમ્બર 1997ના રોજ જનતા દળથી અલગ થઈને નવીન પટનાયકે પિતાના નામ પર એક નવી પાર્ટી 'બીજુ જનતા દળ'ની રચના કરી હતી.
સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે. પવન કુમાર ચામલિંગ 12 ડિસેમ્બર 1994 થી 26 મે 2019 સુધી એટલે કે, કુલ 25 વર્ષ સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. એવું માનવામાં આવે છે કે પટનાયક ચામલિંગનો રેકોર્ડ તોડી શકે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
