Amit Shah On Debate: અમિત શાહે કહ્યું- મણિપુરમાં હિંસા થઈ તે શરમજનક પરંતુ આ બાબતે રાજકારણ થવું તે વધુ શરમજનક, CM કેમ ન હટાવ્યા તે અંગે પણ સ્પષ્ટતા કરી

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 09 Aug 2023 05:43 PM (IST)Updated: Wed, 09 Aug 2023 07:17 PM (IST)
no-confidence-motion-live-updates-amit-shah-attacks-the-opposition

Amit Shah On Debate: કોંગ્રેસ તરફથી મોદી સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર મંગળવારથી ચર્ચા શરુ થઈ. આજે રાહુલ ગાંધીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપ્યું. તેમણે કહ્યું કે ભાજપની રાજનીતિએ મણિપુરમાં ભારત માતાની હત્યા કરી દીધી. તેમણે કહ્યું કે વડાપ્રધાન મણિપુરને હિન્દુસ્તાનનું નથી માનતા, તમે તેને વ્હેંચી નાખ્યું છે. રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો. સ્મૃતિએ કાશ્મીરી પંડિતોની સાથે અત્યાચાર અને 1984ના શીખ રમખાણમાં મહિલાઓની સાથે થયેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું તેમનો ઈતિહાસ લોહીથી લથબથ છે.

દેશને વડાપ્રધાન પર વિશ્વાસ છેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષે જોરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે- અવિશ્વાસ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય જનતામાં ભ્રમ ફેલાવવાનો છે. દેશન જનતાને સરકાર અને વડાપ્રધાન પર વિશ્વાસ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે- મોદી સરકારે છેલ્લાં 9 વર્ષમાં 50થી વધુ ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ એક એવો પ્રસ્તાવ છે જ્યાં ન તો લોકોને કે ન તો ગૃહમાં સરકાર પર અવિશ્વાસ છે.

અમિત શાહે કહ્યું કે- અત્યાર સુધીમાં લોકસભામાં 27 અવિશ્વાસ અને 11 વિશ્વાસ પ્રસ્તાવ આવી ગયા છે. આ વખતે વડાપ્રધાન મોદી અને મંત્રીમંડળ પ્રત્યે કોઈને અવિશ્વાસ નથી. આનો હેતુ માત્ર જનતામાં ભ્રાંતિ પેદા કરવાનો છે. બે તૃતિયાંશ બહુમતીથી બે વખત NDA ચૂંટાઈ, સરકાર અલ્પમતમાં હોવાનો અર્થ જ નથી. આઝાદી પછી દેશમાં સૌથી લોકપ્રિય વડાપ્રધાન મોદી છે.

સુપ્રિયા સુલે પર શાહના પ્રહાર
સુપ્રિયા સુલેએ આરોપ લગાવ્યો હતો કે અમે મહારાષ્ટ્રમાં સરકાર તોડી પાડી, જ્યારે કે મહારાષ્ટ્રમાં સૌથી પહેલી સરકાર શરદ પવારે પાડી હતી. વસંત દાદા પાટિલની સરકારને પાડીને ભારતીય જનસંઘનું સમર્થન લઈને તેમણે સરકાર બનાવી હતી.

I.N.D.I.Aના નામ પર અમિત શાહનો કટાક્ષ
વિપક્ષી ગઠબંધને પોતાનું નામ બદલી નાખ્યું, જ્યારે કે UPA નામ યોગ્ય હતું. 10 વર્ષ સત્તામાં પણ રહ્યાં. હું જણાવું છું કે 12 લાખ કરોડથી વધુના કૌભાંડ UPAના નામે હતા, કઈ રીતે આ નામ સાથે માર્કેટમાં ઉતરત. જે કંપની દેવાળીયું કરે છે તે નામ બદલી નાખે છે. તેમણે પણ નામ બદલી નાખ્યું. તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. અમારે કોઈ નામ બદલવાની જરુર ન હતી કેમકે અટલ સરકાર અને હાલના 9 વર્ષમાં અમે કોઈ એવું કામ નથી કર્યું જેનાથી માથું ઝુકાવવું પડે.

3 તારીખથી અમે સતત કામ કર્યુંઃ અમિત શાહ
શાહે કહ્યું કે- મણિપુરમાં પરિસ્થિતિ પેદા થઈ હિંસા છે તેને લઈને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ. અમિત શાહે વધુમાં કહ્યું કે- વિપક્ષ કહે છે કે મોદી ધ્યાન નથી આપતા. હું જણાવવા માગુ છું કે 3,4 અને 5 મેનાં રોજ વડાપ્રધાન સતત એક્ટિવ હતા. 3 મેનાં રોજ હિંસા શરુ થઈ હતી. રાત્રે 4 વાગ્યે મોદીએ ફોન કરીને મારી સાથે મણિપુરની વાત કરી. જે બાદ બીજા દિવસે 6-30 વાગ્યે ફરી ફોન કરીને મને ઉઠાડ્યો અને ચર્ચા કરી. ત્રણ દિવસ સુધી અમે સતત કામ કર્યું. 16 વીડિયો કોન્ફરન્સ કર્યા. વાયુસેનાનો ઉપયોગ કર્યો.

મણિુપરના CMને કેમ ન હટાવવામાં આવ્યા?
અમિત શાહે તે સવાલનો જવાબ આપ્યો કે હિંસા છતાં CM બીરેનસિંહને કેમ ન હટાવવામાં આવ્યા. શાહે કહ્યું કે વિપક્ષ કહે છે કે રાજ્યમાં 356 (રાષ્ટ્રપતિ શાસન) કેમ ન લગાડવામાં આવ્યું. આ ત્યારે લાગે છે જ્યારે હિંસા સમયે રાજ્ય સરકાર સહયોગ ન કરે. અમે ડીજીપી બદલાવ્યા. તેમણે સ્વીકાર્યું કર્યો. અમે ચીફ સેક્રેટરી બદલાવ્યા, તેમણે સ્વીકાર કર્યો. CM ત્યારે બદલવામાં આવે છે જ્યારે સહયોગ ન કરે, ત્યાંના મુખ્યમંત્રી સહયોગ કરી રહ્યાં છે.

મહિલા પરનો અત્યાચારનો વીડિયો સંસદના સત્રના એક દિવસ પહેલા જ કેમ રજૂ કરાયોઃ શાહ
શાહે એમ પણ કહ્યું કે- 4 મેનો વીડિયો સંસદના સત્રથી એક દિવસ પહેલા જ કેમ આવ્યો. આ અંગે સવાલ ઉઠાવતા કહ્યું જો કોઈ વીડિયો હતો તો ડીજીપીને આપવો જોઈતો હતો. આરોપી પહેલા જ પકડાઈ ગયા હોત.

મણિપુર અંગે શું કહ્યું અમિત શાહે?
અવિશ્વાસ પ્રસ્તાવ પર વાત કરતા અમિત શાહે કહ્યું- હું વિપક્ષની તે વાતથી સહમત છું કે મણિપુરમાં હિંસાનો તાંડવ થયો છે જેનું અમને દુઃખ છે. જે ઘટનાઓ થઈ તે શરમજનક છે, પરંતુ તેના પર રાજનીતિ કરવી વધુ શરમજનક છે. આ ભ્રમ ફેલાવવામાં આવ્યો કે મણિપુર પર અમે ચર્ચા નથી કરવા માગતા, અમે પહેલા દિવસથી ચર્ચા માટે તૈયાર છીએ જ્યારે કે વિપક્ષ ચર્ચા નહીં હોબાળો કરવા માગે છે.

મણિપુરની હિંસાને લોકોએ સમજવી પડશે. લગભગ છ વર્ષથી મણિપુરમાં ભાજપની સરકાર છે. એક દિવસ પણ ત્યાં કર્ફ્યૂ નથી લગાવવો પડ્યો. ઉગ્રવાદી હિંસા લગભગ ખતમ થઈ છે. 2021માં પાડોશી દેશ મ્યાનમારમાં સત્તા પરિવર્તન થયું. ત્યાં લોકતાંત્રિક સરકાર પડી અને મિલિટ્રી શાસન આવ્યું. આ વચ્ચે ત્યાં કુકી ડેમોક્રેટિક ફ્રંટે લોકતંત્ર માટે આંદોલન શરુ કર્યું. જે બદ ત્યાંની સેનાએ તેના પર દબાણ બનાવવાનું શરુ કર્યું, એવામાં કુકી લોકો ત્યાંથી શરણાર્થિઓની બનીને મિઝોરમ અને મણિપુર આવવા લાગ્યા.

અમે ત્યાંથી આવેલા શરણાર્થિઓ માટે પરિચત્ર પત્ર તૈયાર કરાવ્યું. થંબ અને આઈ ઈમ્પ્રેશન લાવ્યા. તેમણે વોટર લિસ્ટ અને આધાર કાર્ડને નેગેટિવ લિસ્ટમાં મુક્યા.

29 એપ્રિલે એક અફવા ફેલાવવામાં આવી કે 58 જે શરણાર્થિઓનો વસવાટ છે તેને ગામ જાહેર કરાયું. તેનાથી મેતઇ નારાજ થઈ ગયા. લોકોને લાગ્યું કે તેઓ કાયમી ધોરણે અહીં જ વસી જશે. પછી મણિપુર હાઈકોર્ટના ચુકાદાએ આગમાં ઘી નાખ્યું. વર્ષોથી પેન્ડિંગ પડેલી અરજી પર સુનાવણી કરી અને કહ્યું કે પહેલા મેતઇને આદિવાસી જાહેર કરાશે. જે બાદ હિંસા શરુ થઈ.

વડાપ્રધાન મોદી નોર્થ ઈસ્ટ રાજ્યોમાં 50થી વધુ વખત ગયા છેઃ અમિત શાહ
નોર્થ ઈસ્ટ રાજ્યો પર વાત કરતા અમિત શાહે કહ્યું કે- હવે ત્યાં હિંસક ઘટનાઓમાં ઘટાડો થયો છે. દેશમાં એવા પણ વડાપ્રધાન રહ્યાં છે જે પોતાના 15-18 વર્ષના કાર્યકાળમાં એક વખત પણ નોર્થ ઈસ્ટ નથી ગયા, તેમ છતાં વિપક્ષી દળોને તેના પર નાઝ છે. તો વડાપ્રધાન મોદી 9 વર્ષમાં 50થી વધુ વખત નોર્થ ઈસ્ટ ગયા છે.

370 નહેરુની ભૂલ
અમિત શાહે કહ્યું કે- આર્ટિકલ 370 નહેરુજીની ભૂલ હતી, જેને મોદીજીએ હટાવ્યો. આ સાથે કાશ્મીરની અંદરથી બે ઝંડા, બે બંધારણ ખતમ થયા અને ભારતની સાથે તે સંપૂર્ણરીતે જોડાઈ ગયું છે. શાહે વધુમાં કહ્યું કે- તેમણે વિપક્ષ સાથે જોડાયેલા એક NGOનો રિપોર્ટ જોયો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે સમસ્યાના ઉકેલ માટે હુર્રિયત સાથે ચર્ચા કરો. જમીયત સાથે ચર્ચા કરો. પાકિસ્તાન સાથે ચર્ચા કરો. અમે આમાંથી કોઈની સાથે ચર્ચા ન કરી. અમે ચર્ચા કરીશું તો વેલીની જનતા સાથે કરીશું. તેઓ અમારા પોતાના છે. હવે કાશ્મીરમાં કોઈ આતંકીનો જનાજો નથી નીકળતો કેમકે જેમને ત્યાં મારવામાં આવે છે ત્યાં જ દફનાવવામાં આવે છે.

વિપક્ષ કહે છે કે તેઓ લોકતંત્રમાં વિશ્વાસ કરે છે. પરંતુ તે એ જ દેખાડે છે કે કાશ્મીર પર શાસન કોણે કર્યું. કાશ્મીરમાં ત્રણ પરિવારોએ શાસન કર્યું. મહબુબા મુફ્તી, ફારુખ પરિવાર અને ગાંધી પરિવાર પરંતુ કોઈએ પંચાયત ચૂંટણી ન કરાવી. 2018-19માં NDA સરકારે કરાવી. શાહે કહ્યું કે પથ્થરબાજીની ઘટનાઓ પણ ઘટી.

શાહે કહ્યું કે- આ સંસદમાં વિપક્ષ દળ કહે છે કે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યો તો લોહીની નદીઓ વહેશે. પરંતુ હવે ત્યાં કોઈને કાંકરો ફેંકવાની પણ હિંમત નથી કેમકે આ નરેન્દ્ર મોદીની સરકાર છે.

સર્જિકલ અને એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો
દેશની સુરક્ષા પર બોલતા શાહે કહ્યું કે- UPA સરકાર (2004-14) દરમિયાન સરહદ પારથી આતંકીઓ ઘુસતા અને જવાનોના માથા કાપીને લઈ જતા. કોઈ જવાબ અપાતો ન હતો. અમારી સરકારે બે વખત પાકિસ્તાનની નાપાક હરકતો જવાબ આપ્યો બંને વખતે (સર્જિકલ અને એર સ્ટ્રાઈક) પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકીઓનો ખાતમો કર્યો. UPA સરકારમાં સૌથી વધુ કૌભાંડ રક્ષા ક્ષેત્રમાં થયા.

આગળ ચીનનો ઉલ્લેખ કરતા અમિત શાહે આરોપ લગાવ્યો કે- ચીનની સરહદ સુધી આપણી તોપ પહોંચી શકતી ન હતી. રસ્તો જ બનાવાયો ન હતો, નકશો જ જોતા રહ્યાં હતા. પરંતુ મોદી અને રાજનાથ સિંહે સરહદના અંતિમ ગામ સુધી ભારતના પ્રથમ ગામ સુધી રસ્તો બનાવ્યો.

રાહુલ ગાંધી પર અમિત શાહનું નિશાન
શાહે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેઓએ કહ્યું કે- આ ગૃહમાં એક એવા નેતા છે જેમણે 13 વખત રાજનીતિમાં લોન્ચ કરવામાં આવ્યા. દરેક વખતે તેમનું લોન્ચિંગ ફેલ થયું. તેમનું આવું જ એક લોન્ચિંગ સંસદથી થયું હતું. એક ગરીબમાં કલાવતી (બુંદેલખંડ, મહોબા)ના ઘર તે નેતા ભોજન કરવા ગયા. પછી સંસદમાં તેમની ગરીબીનું વર્ણન કર્યું. જે બાદ છ વર્ષ કોંગ્રેસની સરકાર રહીં પરંતુ તે કલાવતી માટે કંઈ જ ન કર્યું. તે કલાવતીને ઘર, વીજળી, ગેસ, અનાજ, શૌચાલય, સ્વાસ્થ્ય આપવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું.

શાહે અખિલેશ-રાહુલનો ઉલ્લેખ કર્યો
કોરોના પર વાત કરતા અમિત શાહે કહ્યું- કોરોના કાળમાં અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીએ જનતાને કહ્યું કે આ મોદી વેક્સીન છે લેતા નહીં. પરંતુ જનતાએ મોદી પર વિશ્વાસ દાખવ્યો અને તમામે ડોઝ લગડાવ્યા. શાહે કહ્યું- લોકડાઉનનો વિરોધ પણ કરાયો. વિરોધી પાર્ટીઓએ કહ્યું કે લોકડાઉન લાગી જશે તો ગરીબો શું ખાશે. પરંતુ અમે લોકડાઉન પણ લગાવ્યું અને ગરીબોને ભૂખ્યા પણ ન રહેવા દીધા. 80 કરોડ લોકોને ફ્રીમાં ઘઉં અપાયા. શાહે કહ્યું કે- વિરોધી પાર્ટીઓએ મોદીમાં અવિશ્વાસ હોય શકે છે પરંતુ દેશની જનતાને નથી.તેઓ મોદીની સાથે જ છે.

નીતિશ કુમાર પર પ્રહાર
શાહે કહ્યું- જ્યારે અમે બેંક એકાઉન્ટ ખોલવાની જનધન યોજના લઈને આવ્યા તો નીતિશ કુમારે મજાક ઉડાવી. કે ખાતાઓ તો ખોલાવી દીધા પરંતુ અંદર કંઈક નાખો તો ખરા. બોણી તો કરાવો. નીતિશ બાબુ અમારી વાત સાંભળી લો. 49 કરોડ બેંક ખાતા ખોલ્યા જેમાં 2 લાખ કરોડ ગરીબોના જમા છે. કેન્દ્ર-રાજ્ય સરકારની 300થી વધુ યોજનાઓનો પૈસા ડાયરેક્ટર આ ખાતામાં જાય છે. આ લોકો જનધન યોજનાનો વિરોધ કેમ કરી રહ્યા હતા તે સમજવાની વાત છે. UPAના શાસનકાળમાં વડાપ્રધાન રહેલા (રાજીવ ગાંધી) નેતાએ કહ્યું હતું કે- હું દિલ્હીથી 1 રુપિયો મોકલું છું પરંતુ 15 પૈસા જ પહોંચે છે. તેમણે આ વાત કબૂલી કેમકે તેઓ સાચી વ્યક્તિ હતા, નવા-નવા રાજનીતિમાં આવ્યા હતા. પરંતુ હું હવે આગળ પૂછું છું કે 85 પૈસા કોણ લઈ જતા હતા. આ પૈસા તેઓ લઈ જતા હતા તે જનધનનો વિરોધ કરી રહ્યાં હતા. અમિત શાહે વધુમાં કહ્યું કે- કોંગ્રેસે કહ્યું બધું જ, પરંતુ કર્યું કંઈ જ નહીં, જે કંઈ કર્યું તે ભાજપે કર્યું.

ગરીબી હટાવોનું સૂત્ર આપ્યું પરંતુ ગરીબી ન હટી
શાહે કહ્યું કે- કોંગ્રેસે ગરીબી હટાવનો નારોઆપ્યો પરંતુ ગરીબી એમની એમ રહી. પરંતુ મોદીએ આ સમસ્યાને સમજી કેમકે તેમણે ગરીબી જોઈ હતી. વડાપ્રધાન મોદીએ 9 વર્ષમાં 11 કરોડથી વધુ પરિવારોને શૌચાલય આપ્યું. લોકો ક્લોરાઈડ યુક્ત પાણી પીતા હતા. મોદીએ દરેક ઘરમાં જળયોજનાથી 12 કરોડથી વધુ લોકોને ઘર સુધી પાણી પહોંચાડ્યું. કોંગ્રેસે દેવું માફ કરવાની લોલીપોપ આપી હતી તો ભાજપનો એજન્ડા છે કે ખેડૂતને કર્ઝ જ ન લેવું પડે.

અમિત શાહે ગણાવ્યા રાજનીતિમાં ત્રણ નાસૂર
શાહે કહ્યું- ભારતીય રાજનીતિના ત્રણ નાસૂર- ભ્રષ્ટાચાર, પરિવારવાદ, તુષ્ટિકરણે ઘેરી લીધું છે. વડાપ્રધાન મોદીએ તેને દૂર કર્યા. ભ્રષ્ટાચાર ક્વિટ ઈન્ડિયા, પરિવારવાદ ક્વિટ ઈન્ડિયા, તુષ્ટિકરણ ક્વિટ ઈન્ડિયા.

અમિત શાહે અવિશ્વાસ પ્રસ્તાવના ત્રણ ઉદાહરણનો ઉલ્લેખ કર્યો
અવિશ્વાસ પ્રસ્તાવથી ગઠબંધનનો ચહેરો ઉજાગર થાય છે. ત્રણનો ઉલ્લેખ જરુરથી કરીશ. બે યુપીએ સરકાર વિરુદ્ધ હતા અને એક NDA વિરુદ્ધ.

1993માં નરસિમ્હ સરકાર હતી. તેમના વિરુદ્ધ પ્રસ્તાવ લાવ્યો. નરસિમ્હાને સરકાર કોઈ પણ રીતે સત્તામાં રહેવું હતું. નરસિમ્હ અવિશ્વાસ પ્રસ્તાવ જીતી ગયા. બાદમાં અનેક લોકોને જેલની સજા થઈ. જેમાં નરસિમ્હા રાવ પણ સામેલ હતા. કેમકે ઝારખંડ મુક્તિ મોર્ચાને લાંચ આપીને પ્રસ્તાવ પર વિજય મેળવ્યો. આજે કોંગ્રેસ અને મુક્તિ મોર્ચા ત્યાં જ છે.

2008માં મનમોહન સરકાર વિશ્વાસ પ્રસ્તાવ લાવી. એવું વાતાવરણ હતું કે તેમની પાસે બહુમતી ન હતી. બહુમતી ન હતી તે સમયે સૌથી કલંકિત ઘટના જોવા મળી. સાંસદોને કરોડો રુપિયાની લાંચ આપવામાં આવી. કેટલાંક સાંસદ ગૃહમાં સામે આવ્યા અને સંરક્ષણ માગ્યું. જો કે ત્યારે સરકારને બચાવી લેવાઈ હતી. UPAનું ચરિત્ર એ છે કે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો અને તેનાથી બચવા માટે તમામ સિદ્ધાંત, ચરિત્ર, કાયદો, પરંપરાથી સત્તાને સંભાળવાની છે.

તો 1999માં અટલ સરકાર હતી. અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો. કોંગ્રેસે જે કર્યું તે અમે પણ કરી શક્યા હોત. લાંચ આપીને સરકાર બચાવી શક્યા હોત પરંતુ અમે એવું ન કર્યું. અટલ વાજપેયીએ પોતાની વાત રાખી અને કહ્યું કે સંસદનો જે નિર્ણય છે તે માનવામાં આવે. એક વોટથી સરકાર પડી ગઈ. UPAની જેમ અમે સરકાર બચાવી શક્યા હોત? બચાવી શક્યા હોત પરંતુ અનેક વખતે પ્રસ્તાવ સમયે ચરિત્ર ઉજાગર થાય છે. કોંગ્રેસનું ચરિત્ર ભ્રષ્ટાચારનો છે. તો ભાજપ ચરિત્ર સિદ્ધાંત માટે રાજનીતિ કરનારા છે. વાજપેયીની સરકાર ગઈ પરંતુ આગામી વખતે તેઓ ભારે બહુમતીથી જીત્યા અને વડાપ્રધાન બન્યા.