શું તમારા UPI પેમેન્ટ પર પણ લાગશે વધારાનો ચાર્જ? નીતિ આયોગના આ ખુલાસાએ વધારી દીધી છે ચિંતા!

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ કેમ જરૂરી છે અને કોણે આ ચાર્જ ચૂકવવો પડશે? નીતિ આયોગના નિવેદન અને સંપૂર્ણ વિગતો અહીં જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 16 Sep 2026 07:46 PM (IST)Updated: Wed, 16 Sep 2026 07:46 PM (IST)
niti-aayog-clarifies-upi-charges-what-you-need-to-know

UPI Charges: ભારતમાં ડિજિટલ લેણ-દેણ માટે ક્રાંતિ લાવનાર યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને લઈને છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં એક મોટી ચર્ચા શરૂ થઈ છે. UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાની ચર્ચાઓએ જોર પકડ્યા બાદ સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકારણ પણ ગરમાયું છે. આ તમામ વિવાદો અને અટકળો વચ્ચે હવે નીતિ આયોગ દ્વારા આ સમગ્ર મુદ્દે પોતાનું સત્તાવાર વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને જણાવ્યું છે કે આ ચાર્જ પાછળનું અસલી કારણ શું છે.

નીતિ આયોગના મતે UPI ચાર્જ કેમ જરૂરી છે?

આ સમગ્ર મામલે નીતિ આયોગના ઉપાધ્યક્ષ અશોક કુમાર લાહિડીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, UPI ટ્રાન્ઝેક્શન પર એકદમ સામાન્ય અને નાનો ચાર્જ લગાવવાથી આ વિશાળ ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને પોતાના પગ પર ઊભા રહેવા એટલે કે 'સેલ્ફ-સસ્ટેનિંગ' (આત્મનિર્ભર) બનવામાં ઘણી મદદ મળી શકે છે. જોકે, તેમણે એ વાત પર પણ ખાસ ભાર મૂક્યો છે કે આ ચાર્જને એટલો ન્યૂનતમ રાખવો જોઈએ જેથી સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર કોઈ આર્થિક ભાર ન પડે.

'યુઝર-પેજ પ્રિન્સિપલ' અને વેપારીઓને ફાયદો

અશોક કુમાર લાહિડીએ 'યુઝર-પેજ પ્રિન્સિપલ'ની હિમાયત કરતા તર્ક આપ્યો છે કે ડિજિટલ પેમેન્ટનો લાભ માત્ર ગ્રાહકોને જ નહીં, પરંતુ મોટા પાયે વેપારીઓ અને કારોબારીઓને પણ થાય છે. ડિજિટલ પેમેન્ટ અપનાવવાથી વેપારીઓનો છૂટક રોકડ (કેશ) સાચવવાનો શ્રમ, ચેક બેંકમાં જમા કરાવવાની ઝંઝટ અને તેને લગતી અન્ય અસુવિધાઓ તેમજ ખર્ચમાંથી કાયમી છુટકારો મળે છે. તેથી, આ સિસ્ટમને ટકાઉ બનાવવા માટે વ્યવસ્થિત આયોજન જરૂરી છે.

શું સામાન્ય નાગરિકો કે નાના વેપારીઓએ ચાર્જ આપવો પડશે?

ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ 'બિલડેસ્ક'ના ડાયરેક્ટર અને સહ-સંસ્થાપક શ્રીનિવાસૂ એમ.એન.એ આ અંગે મહત્વની જાણકારી આપતા સ્પષ્ટ કર્યું છે કે પ્રસ્તાવિત યુપીઆઈ ચાર્જ સામાન્ય ગ્રાહકો કે નાના વેપારીઓના રોજિંદા નાના લેણ-દેણ પર બિલકુલ લાગુ નહીં થાય.

આ ચાર્જ માત્ર 2000 રૂપિયાથી ઉપરના ચોક્કસ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર જ લાગવાની શક્યતા છે.

યુટિલિટી બિલ (વીજળી, પાણી વગેરે), સરકારી ટેક્સ, વીમા અને ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) ના બિલ જેવા નિયમિત ભુગતાનો પર ખાસ છૂટ કે રાહતો આપવામાં આવશે.

500 મિલિયન યૂઝર્સનું વિશાળ નેટવર્ક અને સુરક્ષાની જરૂરિયાત

શ્રીનિવાસૂએ જણાવ્યું કે ભારતમાં આજે યુપીઆઈ યુઝર્સની સંખ્યા 500 મિલિયન (50 કરોડ) ને પણ વટાવી ચૂકી છે. જેમ જેમ આ ડિજિટલ નેટવર્ક વિસ્તરી રહ્યું છે, તેમ તેમ સાયબર ફ્રોડથી સુરક્ષા, ગ્રાહકોની જાગૃતિ અને મજબૂત ટેકનોલોજી વિકસાવવા માટે સતત મોટા રોકાણની જરૂરિયાત ઊભી થઈ રહી છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નો અમુક હિસ્સો એક ફંડમાં વાપરીને નાના વેપારીઓ સુધી યુપીઆઈને વધુ લોકપ્રિય બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે.

નિકાસ અને વૈશ્વિક બજારો અંગે નીતિ આયોગની સલાહ

આ ચર્ચા દરમિયાન નીતિ આયોગના ઉપાધ્યક્ષ અશોક કુમાર લાહિડીએ ભારતીય નિકાસ અને વૈશ્વિક બજારોના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ સલાહ આપી છે. અમેરિકા જેવા મોટા બજારોમાં પ્રવર્તતી આર્થિક અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને તેમણે જણાવ્યું કે ભારતીય વેપારીઓએ માત્ર અમુક જ દેશો પર નિર્ભર રહેવાને બદલે નવા બજારો જાતે શોધવા જોઈએ. આખી દુનિયા ખૂબ મોટી છે અને આફ્રિકા, લેટિન અમેરિકા, પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયા જેવા પ્રદેશોમાં ભારતીય ઉત્પાદનો માટે અપાર સંભાવનાઓ રહેલી છે. વેપારીઓએ સરકારના ભરોસે બેસી રહેવાને બદલે વૈશ્વિક સ્તરે પોતાની માગ જાતે ઊભી કરવી જોઈએ.