New E-Commerce Rules India: આજે મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન ખરીદી કરે છે. ઓનલાઈન ખરીદી કરવાના ફાયદા તો છે જ પરંતુ તેની સામે ઘણા પડકારો પણ છે. ઘણીવાર ઓનલાઈન ખરીદી પર ગ્રાહકોને વિવિધ લોભામણી જાહેરાતોથી છેતરવામાં આવે છે. આવી ઘણી ફરિયાદો સામે આવી ચૂકી છે. આ ફરિયાદો બાદ હવે સરકાર એક્શનમાં આવી છે અને ગ્રાહકોને નુકસાનથી બચાવવા નિયમોમાં ફેરફાર કર્યા છે. જો તમે પણ ઓનલાઈન ખરીદી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે.
લોભામણી જાહેરાતોથી ગ્રાહકોને નહીં છેતરી શકે કંપનીઓ
ભારત સરકારે ગ્રાહકોના હિતોના રક્ષણ માટે નવા નિયમો તૈયાર કર્યા છે જે નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2027થી લાગુ થશે. તહેવારો અને વિવિધ ઈવેન્ટો સમયે ઈ કોમર્સ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે લોભામણી ડિસ્કાઉન્ટ ઓફર્સ, ખોટી જાહેરાતો આપે છે. જેનાથી ઘણીવાર ગ્રાહકોને મોટું નુકસાન પણ વેઠવું પડે છે. જોકે, હવે ઈ કોમર્સ કંપનીનો આ ખેલ ખતમ થવા જઈ રહ્યો છે. સરકારે Consumer Protection (E-Commerce) Rules, 2020 માં કેટલાક ફેરફાર કર્યા છે.
રિફંડથી લઈને વોરન્ટી સુધીના નિયમોમાં રાખવી પડશે પારદર્શકતા
આપણે ઘણીવાર એ પણ જોયું છે કે, ઈ કોમર્સ પર પોતાની પ્રોડક્ટ સેલ કરતી કંપની પોતાની પ્રોડક્ટની તમામ જાણકારી લખતી નથી. જેમકે એક્સપાયરી ડેટ, વોરન્ટી,ડિલિવરી ચાર્જ, રિફંડ પોલિસી વગેરે. હવે નવા નિયમો લાગુ થયા બાદ તમામ માહિતી આપવી પડશે. આ ઉપરાંત કંપનીઓએ ઓડિટની માહિતી પણ આપવી પડશે.
ડિસ્કાઉન્ટ ઓફર અંગે કરવી પડશે સ્પષ્ટતા
કોઈ પણ ગ્રાહક ડિસ્કાઉન્ટ ઓફરથી સૌથી વધુ આકર્ષાઈ છે અને તેના કારણે જ તેને ફ્રોડનો સામનો કરવો પડે છે. હવે સરકારે આ ડિસ્કાઉન્ટના નિયમોમાં જ ફેરફાર કરી દીધો છે. આપણે ઘણીવાર કોઈ પણ કંપનીના સેલમાં જોઈએ ત્યારે તેમની જાહેરાતમાં 50 ટકા કે 70 ટકા જેવી છૂટ આપવામાં આવતી હોવાની વાત કહેવામાં આવતી હોય છે. જેથી ગ્રાહકો મોટા ડિસ્કાઉન્ટ ચક્કરમાં આવી જાય છે. જોકે, હકિકત કઈંક અલગ જ હોય છે. કારણ કે આવી કંપનીઓ પહેલાથી જ કિંમતોમાં ભારે વધારો કરી દે છે અને પછી ડિસ્કાઉન્ટ ઓફર આપે છે.
જૂની કિંમત દર્શાવવી પડશે
આ અંગે ઉદાહરણ તરીકે જોઈએ તો, કોઈ પોડક્ટ કંપની 50 રુપિયાના ભાવે વેંચી રહી છે અને તે જ પ્રોડક્ટની કિંમત 100 રુપિયા કરીને 50 રુપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરે છે. જોકે હવે સરકારે નિયમમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર મુજબ જો કોઈ કંપની ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરે છે તો તેમણે તેની જૂની કિંમત દર્શાવવી પડશે. માની લો કંપની 100 રુપિયાની પ્રોડક્ટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે તો આ પ્રોડક્ટની છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછી કિંમત કેટલી હતી તે દર્શાવવું પડશે.
Sponsored પ્રોડક્ટ અંગે કરવી પડશે સ્પષ્ટતા
એટલું જ નહીં જ્યારે પણ આપણે કોઈ પણ સામાન વિશે ઈ કોમર્સ સાઈટ પર સર્ચ કરી રહ્યા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા Sponsored પ્રોડક્ટ દેખાય છે. હવે આવું ન થાય તે માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અંતર્ગત જો આ આઈટમ Sponsored છે તો તેમની ઉપર કંપનીએ Sponsored લખવું પડશે. આ ઉપરાંત ઘણીવાર ગ્રાહકો સાથે એવા પણ ખરાબ અનુભવ થાય છે કે, જે સામાન મંગાવ્યો હોય તેના કરતા હલકી ક્વાલિટીની પ્રોડક્ટ આવી જાય છે. જે બાદ રિફંડ લેવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેના સોલ્યૂશન માટે ઈ કોમર્સ કંપનીઓએ નેશનલ કંઝ્યુમર હેલ્પલાઈન સાથે જોડાવાનું રહેશે.
