વસ્તી ગણતરીના નિયમોમાં કેન્દ્ર સરકારનો મોટો ફેરફાર, હવે ખાનગી શિક્ષકો અને બેંક કર્મચારીઓને પણ સોંપાશે મહત્વની જવાબદારી

કેન્દ્ર સરકારે 'વસ્તીગણતરી નિયમો, 1990'માં સુધારો કરીને નવા 'વસ્તીગણતરી (સુધારા) નિયમો, 2026' જાહેર કર્યા છે. હવે ખાનગી શાળાના શિક્ષકો, ક્લાર્ક અને જાહેર સાહસોના કર્મચારીઓ પણ વસ્તીગણતરીની કામગીરી કરી શકશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 16 Oct 2026 07:53 PM (IST)Updated: Fri, 16 Oct 2026 07:53 PM (IST)
new-census-rules-2026-private-teachers-bank-staff-included

Census Rules Amendment: દેશમાં આગામી વસ્તીગણતરી (Census) પ્રક્રિયાને સુચારુ, પારદર્શી અને ઝડપી બનાવવાના હેતુથી કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને વ્યાપક સુધારો કર્યો છે. ગૃહ મંત્રાલયે 'જનગણના અધિનિયમ, 1948'ની ધારા 18(1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને 'વસ્તીગણતરી નિયમો, 1990'માં સુધારો કર્યો છે અને નવા 'વસ્તીગણતરી (સુધારા) નિયમો, 2026'ની સત્તાવાર ગેઝેટ અધિસૂચના બહાર પાડી છે.

આ નવો સુધારો લાગુ થવાથી વસ્તીગણતરી કરનારા નોંધણીકારો (Enumerators) તરીકે સેવા આપવા માટે પાત્ર વ્યક્તિઓના વર્તુળને ઘણું વિસ્તૃત કરી દેવામાં આવ્યું છે.

ખાનગી શાળાઓના શિક્ષકો અને વિવિધ સંસ્થાઓના કર્મચારીઓનો સમાવેશ

ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તીગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણ દ્વારા આ અધિસૂચના જાહેર કરવામાં આવી છે. સુધારેલા નિયમો મુજબ હવે માત્ર સરકારી કર્મચારીઓ જ નહીં, પરંતુ નીચે મુજબના તમામ ક્ષેત્રોના શિક્ષકો અને કર્મચારીઓ વસ્તીગણતરી નોંધણીકાર (Enumerator) તરીકે કાર્ય કરવા માટે પાત્ર બનશે.

શિક્ષણ ક્ષેત્ર: સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત), સરકારી સહાયતા પ્રાપ્ત (GIA) તેમજ તમામ બિના-સહાયતા પ્રાપ્ત (Non-aided) ખાનગી શાળાઓ, સોસાયટીઓ કે ટ્રસ્ટો દ્વારા સંચાલિત શિક્ષણ સંસ્થાઓના શિક્ષકો.

વહીવટી અને નાણાકીય ક્ષેત્ર: કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ, જાહેર સાહસો (PSU), વૈધાનિક સંસ્થાઓ (Statutory Bodies), તમામ સરકારી અને ખાનગી બેંકો, રજિસ્ટર્ડ કંપનીઓ, સંસ્થાઓ, સોસાયટીઓ અને ટ્રસ્ટોના ક્લાર્ક તથા અન્ય જવાબદાર અધિકારીઓ

રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિશેષ છૂટછાટ

આ નવા સુધારામાં રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસનોને ખાસ અધિકાર અને સ્વતંત્રતા આપવામાં આવી છે. જો સ્થાનિક સ્તરે માનવબળની જરૂરિયાત જણાય તો તેઓ પોતાના વિવેકબુદ્ધિથી અન્ય કોઈ પણ યોગ્ય નાગરિક કે કર્મચારીને વસ્તીગણતરી નોંધણીકાર તરીકે નિયુક્ત કરવા અંગે નિર્ણય લઈ શકશે.

આ માટે 'વસ્તીગણતરી નિયમો, 1990'ના નિયમ 3 હેઠળ આપવામાં આવેલી કોષ્ટકની ક્રમ સંખ્યા 5ની પ્રવેશોમાં જરૂરી સુધારા કરીને પાત્રતાની શ્રેણીઓને સ્પષ્ટ કરવામાં આવી છે.

1990 પછીનો પાંચમો મહત્વનો સુધારો

ભારતમાં મૂળ વસ્તીગણતરી નિયમો સૌપ્રથમ 31 ડિસેમ્બર, 1990ના રોજ ભારતના ઓફિશિયલ ગેઝેટમાં પ્રકાશિત થયા હતા. ત્યાર બાદ બદલાતી જરૂરિયાતો મુજબ વર્ષ 1994, 2009, 2018 અને 2022માં વિવિધ નોટિફિકેશન દ્વારા સુધારા કરવામાં આવ્યા હતા.

હવે વર્ષ 2026નો આ નવો સુધારો સરકારી ગેઝેટમાં પ્રકાશિત થતાની સાથે જ તુરંત અસરથી લાગુ થઈ ગયો છે. આ પગલાથી આગામી રાષ્ટ્રીય વસ્તીગણતરી પ્રક્રિયા માટે જરૂરી વિશાળ માનવબળની અછત દૂર થશે અને ક્ષેત્રીય કામગીરી વધુ ઝડપથી પૂર્ણ કરી શકાશે.