NEET UG Irregularities CJP Govt Talks: NEET-UG પરીક્ષામાં કથિત અનિયમિતતાઓ અને ધાંધલીના મુદ્દે દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજે એક મહત્વપૂર્ણ વળાંક આવી શકે છે. આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે શનિવારે બપોરે 3:30 વાગ્યે ત્રીજા રાઉન્ડની બેઠક યોજાવા જઈ રહી છે. આ વાટાઘાટોમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાનો મુદ્દો મુખ્ય ચર્ચાનો વિષય બનવાની પૂરેપૂરી શક્યતા છે.
CJP રાજીનામાની માંગ પર અડગ
શુક્રવારે બંને પક્ષો વચ્ચે બીજા રાઉન્ડની ચર્ચા પૂર્ણ થઈ હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ માહિતી આપી હતી કે CJP દ્વારા પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારા લાવવા માટે 3 મુખ્ય માંગણીઓ અને ૫ મહત્વપૂર્ણ સૂચનો સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે, જેના પર સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે.
જોકે, CJP ના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે. પક્ષના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રંકાએ દાવો કર્યો હતો કે આંદોલન દરમિયાન આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને ₹1 કરોડનું વળતર આપવા અને પ્રદર્શનકારીઓ સામેના કેસો પાછા ખેંચવા પર સરકારે સૈદ્ધાંતિક સંમતિ દર્શાવી છે. અલબત્ત, સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
સરકારનો સ્પષ્ટ ઈનકાર: રાજીનામું ઉકેલ નથી
બીજી તરફ, સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર શિક્ષણ મંત્રીના રાજીનામાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. સરકારનું માનવું છે કે માત્ર પદ છોડવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ શિક્ષણ અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા નક્કર પગલાં ભરવાં જરૂરી છે.
દેશભરમાં વિરોધ પ્રદર્શન યથાવત
હાલ દેશભરમાં CJP નું આંદોલન ચાલી રહ્યું છે, જેને કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોનું સમર્થન મળી રહ્યું છે. નોંધનીય છે કે, લદ્દાખી સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 2 દિવસના ઉપવાસ સમાપ્ત કર્યા બાદ જ સરકાર અને CJP વચ્ચે વાટાઘાટોનો માર્ગ મોકળો થયો હતો. હવે બપોરે થનારી ત્રીજા રાઉન્ડની બેઠક પર સમગ્ર દેશ અને વિદ્યાર્થીઓની નજર મંડાયેલી છે.
