Nashik TCS Case Update: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં નાસિક TCS ધર્માંતરણ અને જાતીય સતામણી કેસમાં પોલીસ અને મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. બુધવારે વહેલી સવારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના કાઉન્સિલર અબ્દુલ મતીન પટેલના ઘર અને ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહી તે આક્ષેપોને પગલે કરવામાં આવી છે કે મતીન પટેલે આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનને પોતાના ઘરે આશરો આપ્યો હતો.
નિદા ખાનની ધરપકડ અને આશરો આપવાના આક્ષેપ
નાસિકની TCS ઓફિસમાં મહિલા કર્મચારીઓના ધર્માંતરણ અને ઉત્પીડનના કેસમાં નિદા ખાન 10 April 2026 થી ફરાર હતી. છેવટે 7 May ના રોજ છત્રપતિ સંભાજી નગરના નારેગાંવ વિસ્તારમાં મતીન પટેલના બે માળના બંગલામાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ નાસિક પોલીસે મતીન પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 249 હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
અનધિકૃત બાંધકામનો દાવો
છત્રપતિ સંભાજી નગર મહાનગરપાલિકા (CSMC) એ દાવો કર્યો છે કે મતીન પટેલના કૌસર બાગ સ્થિત ઘર અને ઓફિસનું નિર્માણ નિયમો વિરુદ્ધ અને ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. તંત્રએ 9 May ના રોજ તેમને નોટિસ આપી હતી અને 3 દિવસમાં ખુલાસો માંગ્યો હતો. મતીન પટેલના પરિવારે દસ્તાવેજો રજૂ કરવા માટે 15 દિવસનો સમય માંગ્યો હોવા છતાં, તંત્રએ બુધવારે સવારે 100 થી વધુ કર્મચારીઓની ટીમ સાથે તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી.
મહિલાઓનો અનોખો વિરોધ
બુલડોઝરની આ કાર્યવાહી દરમિયાન વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 DCP, 1 ACP, 11 PI અને અંદાજે 180 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વિસ્તારની કેટલીક મહિલાઓએ મ્યુનિસિપલ અધિકારીઓને ફૂલો આપી અને બંધારણની નકલો ભેટ આપીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓનું કહેવું હતું કે કાયદાનું પાલન થવું જોઈએ પણ તે ન્યાયિક પ્રક્રિયાના દાયરામાં હોવું જોઈએ.
રાજકીય ગરમાવો
AIMIM ના નેતા ઇમ્તિયાઝ જલીલે આ કાર્યવાહીને રાજકીય દબાણ ગણાવી છે અને કાયદેસરની લડત આપવાની વાત કરી છે. બીજી તરફ, પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે કાયદો સર્વોપરી છે અને ગેરકાયદેસર બાંધકામો સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવી રહ્યા છે. મતીન પટેલ સામે જો ગેરકાયદે બાંધકામના આક્ષેપો સાબિત થશે, તો મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ મુજબ તેમને કાઉન્સિલર પદેથી અયોગ્ય પણ ઠેરવવામાં આવી શકે છે. મતીન પટેલ પ્રથમ વખત ચૂંટાયેલા 35 વર્ષીય કાઉન્સિલર છે, જેમણે 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.
