Nana Patekar Death: બોલિવુડ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે અવસાન થતાં બોલિવુડ સેલિબ્રિટી સહિત ઘણા રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્ર સરકારના નેતાઓ સહિત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્વ. નાના પાટેકરને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોત પર શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ જણાવ્યું કે, નાના પાટેકરજી જેવી તીવ્રતા, આગવી શૈલી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ બહુ ઓછા કલાકારોમાં જોવા મળે છે. તેમણે દરેક ભૂમિકામાં અદભૂત વિવિધતા અને સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો અને આપણને એવા પાત્રો આપ્યા જે પેઢીઓ સુધી યાદ રહેશે. તેઓ તેમના સ્પષ્ટવક્તા અને નિખાલસ વિચારો માટે પણ જાણીતા હતા; જે સાચું માનતા તે વ્યક્ત કરવામાં તેઓ ક્યારેય અચકાતા નહોતા.હિન્દી અને મરાઠી સિનેમામાં નાના પાટેકરનું યોગદાન અમૂલ્ય હતું. તેમના નિધનથી એક મોટી ખાલીપો સર્જાયો છે. તેમના પરિવાર, મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. ૐ શાંતિ.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે શ્રદ્ધાંજલિ પાઠવી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે નાનાના મોત પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું કે, અભિનય જગતના એક દિગ્ગજ કલાકાર વિદાય થયા છે. વરિષ્ઠ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચાર સાંભળીને મારું હૃદય ખરેખર દ્રવી ઉઠ્યું છે. અભિનયમાં સહજ અભિવ્યક્તિ અને સંવેદનશીલ સામાજિક જાગૃતિનો અદભૂત સમન્વય ધરાવતા નાનાએ મંચથી લઈને સિનેમાના પડદા સુધી પોતાની પ્રભાવશાળી અદાકારી દ્વારા અસંખ્ય પાત્રોને અમર બનાવી દીધા છે. 'નટસમ્રાટ', 'ક્રાંતિવીર' અને 'પરિંદા' જેવી શ્રેષ્ઠ કૃતિઓ દ્વારા તેમણે પોતાની અભિનય-શૈલીની અમીટ છાપ છોડી છે.
આ પણ વાંચો
યોગી આદિત્યનાથે પાઠવી શ્રદ્ધાંજલિ
અભિનેતા નાના પાટકરના મોત પર શોક વ્યક્ત કરતાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, જાણીતા અભિનેતા અને નટસમ્રાટ પદ્મશ્રી નાના પાટેકરનું નિધન કલા જગત માટે મોટી ખોટ છે. તેઓએ પોતાની અસાધારણ પ્રતિભા દ્વારા ભારતીય સિનેમાને સમૃદ્ધ બનાવ્યું. સામાજિક કાર્યોમાં સક્રિય સહભાગિતા દ્વારા સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. ભગવાન શ્રી રામચંદ્ર તેમની દિવંગત આત્માને શાંતિ અર્પે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રખ્યાત અભિનેતા નાના પાટેકરજીના નિધનના અત્યંત દુઃખદ સમાચાર અમને મળ્યા છે. પોતાની પ્રભાવશાળી અભિનયશૈલી અને દમદાર સંવાદો દ્વારા તેમણે ભારતીય સિનેમામાં એક આગવી ઓળખ ઊભી કરી હતી. વિવિધ ભૂમિકાઓમાં તેમના જીવંત અભિનયે હિન્દી સિનેમાને સમૃદ્ધ બનાવ્યું હતું. તેમનું અવસાન ફિલ્મ અને કલા જગત માટે એક ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકાતુર પરિવાર તથા તેમના ચાહકોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે.
નીતિન ગડકરીએ શોક વ્યક્ત કર્યો
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારતીય ફિલ્મ જગતના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચાર અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક છે. હું તેમને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિગ્ગજ બોલિવુડ અભિનેતા નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેને કલા જગત માટે એક ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ ગણાવી છે. તેમણે લખ્યું, "ભારતીય સિનેમાના મહાન અભિનેતા નાના પાટેકરનું નિધન કલા જગત માટે એક ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. સતત પાંચ દાયકાથી વધુ સમય સુધી, પોતાની સ્વાભાવિક અભિનય શૈલી અને સંવાદોની પ્રભાવશાળી રજૂઆત દ્વારા તેમણે પ્રેક્ષકોના હૃદય પર અમીટ છાપ છોડી છે.
