કૈંચી ધામમાં એક જ દિવસમાં 60 હજાર શ્રદ્ધાળુઓ ઉમટ્યા! 12 કિમી લાંબો જામ, નૈનીતાલમાં પ્રવાસીઓ ભૂખ્યા-તરસ્યા ફસાયા

3 દિવસની રજાઓમાં ઉત્તરાખંડમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો છે. કૈંચી ધામમાં 60 હજારથી વધુ લોકો પહોંચતા હલ્દવાની-અલ્મોડા હાઈવે ઠપ્પ થઈ ગયો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 04 Oct 2026 09:14 AM (IST)Updated: Sun, 04 Oct 2026 09:14 AM (IST)
nainital-traffic-jam-kainchi-dham-weekend-crowd-road-jam-tourists-stuck-hotel-booking

Nainital Traffic Jam: આ વિકેન્ડ ત્રણ દિવસની રજાઓને કારણે નૈનીતાલથી લઈને કૈંચી ધામ સુધીની તમામ વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ હતી. નૈનીતાલમાં પ્રવાસીઓના ભારે ઘસારાને કારણે તમામ હોટેલો ફૂલ થઈ ગઈ હતી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે, શુક્રવારે રાત્રે ઘણા પ્રવાસીઓએ રસ્તાની બાજુમાં ખુલ્લા આકાશ નીચે રાત વિતાવી પડી હતી.

શનિવારે આ દબાણ વધુ વધ્યું. સવારથી જ શહેરમાં પ્રવાસીઓનો ભારે પ્રવાહ ઉમટી પડ્યો હતો, જેના કારણે રુસી બાયપાસથી ભૂમિયાધર, નારાયણ નગર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. નૈનીતાલમાં અંદાજે 15,000 પ્રવાસીઓ પહોંચ્યા હતા. કાઠગોદામથી આગળ જ્યોલિકોટ અને ભીમતાલ તરફ જતા રસ્તાઓ પણ ભારે વાહનવ્યવહારને કારણે જામ થઈ ગયા હતા.

60 હજાર શ્રદ્ધાળુઓ દર્શન માટે કૈંચીધામ પહોંચ્યા

કૈંચીધામમાં સવારથી સાંજ દરમિયાન લગભગ 60 હજાર શ્રદ્ધાળુઓ દર્શન માટે કૈંચીધામ પહોંચ્યા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીમાં ઘણી વધારે સંખ્યા હતી. ભીડ અને વાહનોની ભારે સંખ્યાને કારણે કુમાઉં ક્ષેત્રની જીવાદોરી સમાન હલ્દવાની-અલ્મોડા હાઇવે પર ટ્રાફિક સંપૂર્ણપણે થંભી ગયો હતો. ઘણા પ્રવાસીઓ અને ઘણા લોકો કલાકો સુધી વાહનોમાં જ ભૂ્ખ્યા અને તરસ્યા ફસાઈ રહ્યા હતા. સ્થિતિ પોલીસ નિયંત્રણની બહાર જતી રહી હતી.

હોટેલોના ભાડામાં વધારો નોંધાયો

સ્થાનિક રહેવાસીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો,જેમાં ઘણા દર્દીઓ પણ સામેલ હતા. દરમિયાન, ચમોલીમાં શુક્રવાર રાતથી શનિવાર સવાર સુધી બદ્રીનાથ હાઈવે પર 12 કિલોમીટર લાંબા ટ્રાફિક જામમાં હજારો મુસાફરો ફસાયેલા રહ્યા હતા. નૈનીતાલ શહેરમાં લગભગ 700 હોટેલો, હોમસ્ટે અને રિસોર્ટ્સ છે; જેમાંથી મોટાભાગના ફૂલ થઈ ગયા હતા. રૂમના ભાવ આસમાને પહોંચ્યા હતા; સામાન્ય રીતે ₹2,000-₹3,000માં મળતા રૂમ ₹12,000 સુધીના ભાવે ભાડે આપવામાં આવ્યા હતા.

પ્રવાસીઓએ મલ્લીતાલ અને તલ્લીતાલ રિક્ષા સ્ટેન્ડ, બસ સ્ટેશન અને બંધ દુકાનોની બહાર જેવી જગ્યાઓ પર રાત વિતાવવી પડી હતી. શનિવારે, હોટેલ બુકિંગ ન ધરાવતા પ્રવાસીઓને રુસી બાયપાસ અને નારાયણ નગરથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા. રુસી બાયપાસથી નૈનીતાલ સુધીના લગભગ દસ કિલોમીટરના માર્ગ પર દોડતા શટલ વાહનોએ ભારે ભીડનો લાભ ઉઠાવીને મનસ્વી ભાડાં વસૂલ્યાં હતા.

પોલીસ અને વહીવટી તંત્રની વ્યવસ્થાઓ નિષ્ફળ

મસૂરી પ્રવાસીઓથી ખીચોખીચ ભરાયેલું હતું અને ચાર ધામ યાત્રાના માર્ગો પર પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. મસૂરીમાં લક્ષ્મણપુરી નજીક ટ્રાફિકની સમસ્યાને કારણે—જેની અસર સિવિલ હોસ્પિટલ રોડ, મસૂરી-ધનોલ્ટી રોડ અને મસૂરી-ટેહરી રોડ પર જોવા મળી હતી. પોલીસ અને વહીવટી તંત્રની વ્યવસ્થાઓ નિષ્ફળ સાબિત થઈ હતી. પ્રવાસીઓ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા. લેન્સડાઉન-કોટદ્વાર માર્ગ પર પણ ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી.

ઋષિકેશમાં પણ પ્રવાસીઓ ટ્રાફિક જામથી પરેશાન થતા જોવા મળ્યા હતા. ચમોલીમાં જ્યોતિર્મઠથી મારવાડી સુધી સાત કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. કેદારનાથ યાત્રાના માર્ગ પર, ખાસ કરીને શ્રીનગર, રુદ્રપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે, દિવસભર ટ્રાફિકની સમસ્યા યથાવત રહી હતી.

હિમાચલના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ

શનિવારે હિમાચલના મુખ્ય પ્રવાસન સ્થળો મનાલી, શિમલા અને ડેલહાઉસી (ચંબા જિલ્લામાં) પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા હતા. પ્રવાસીઓની સંખ્યામાં થયેલા વધારાને કારણે શિમલાના કુફરીમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામની સ્થિતિ રહી હતી.

ફુકરીમાં પિકનિક માટે ગયેલા શિમલાની સેન્ટ એડવર્ડ્સ સ્કૂલના લગભગ 100 છાત્રો શનિવારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. નાના બાળકો ઘણા કલાકો સુધી ઘરે પાછા ન ફરતાં વાલીઓ ચિંતિત બન્યા હતા. વિદ્યાર્થીઓ લગભગ ત્રણથી ચાર કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા હતા. ચિંતિત વાલીઓએ આ સમય પોલીસ અને વહીવટી તંત્રનો સંપર્ક કરવામાં વિતાવ્યો હતો.