Mumbai: મુંબઈમાં 'દાંડિયા ક્વિન' તરીકે જાણીતી ફાલ્ગુની પાઠકની 'ગરબા નાઈટ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેના પાસ સસ્તામાં ખરીદવાના ચક્કરમાં 156 જેટલા લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ અંગે મુંબઈ પોલીસે વિશાલ શાહ સહિત અન્ય વિરુદ્ધ IPCની કલમ 406, 420 અને 34 અંતર્ગત ગુનો નોંધીને તેમની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બોરીવલી વિસ્તારમાં ફાલ્ગુની પાઠકની ગરબા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છ. જેના માટે એક પાસની કિંમત 4500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ લોકોને સસ્તા પાસની લાલચ આપીને તેમની સાથે ઠગાઈ આચરી હતી.
આ પણ વાંચો
કાંદીવલી વિસ્તારમાં રહેતા એક યુવકને જ્યારે સસ્તામાં પાસ મળતા હોવાની જાણ થઈ, તો તેણે વિશાલ શાહનો સંપર્ક કર્યો હતો. વિશાલ શાહે પોતાની ઓળખ ફાલ્ગુની પાઠકની ઈવેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિ તરીકે આપી હતી. આ સાથે જ 4500ની કિંમતના પાસ 3300માં આપવાનું કહ્યું હતુ. આથી ફરિયાદી યુવકે પોતાના મિત્રો અને પરીચિતોને આ ડિસ્કાઉન્ટ અંગે જાણ કરી હતી. જેના પગલે ફરિયાદી સહિત 156 લોકોએ પૈસા ભેગા કર્યા હતા.
જે બાદ વિશાલ શાહે પૈસા લઈને બોરીવલીના ન્યૂ લિન્ક રોડ પર આવીને પૈસા આપીને પાસ લઈ જવા જણાવ્યું હતુ. જેથી ફરિયાદી સહિત 3 યુવકો ત્યાં પહોંચ્યા હતા અને પૈસા ચૂકવ્યા હતા. જે બાદ વિશાલ શાહે તેમને યોગીનગર આવીને પાસ લઈ જવા જણાવ્યું હતુ. જ્યારે તેઓ યોગી નગર પહોંચ્યા, ત્યારે વિશાલ શાહે જણાવેલી બિલ્ડિંગ ત્યાં ના હોવાથી તેમને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. જે બાદ તેમણે MHB કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
