જન ગણ મન અંગ્રેજોના સન્માનમાં લખાયું હતું... મુકેશ ખન્નાની રાષ્ટ્રગીત પર વિવાદાસ્પદ ટિપ્પણીથી લોકો ભડક્યા

શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ 'જન ગણ મન'ને બદલે 'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત બનાવવાની માંગ કરી છે. તેમણે આ ગીત અંગ્રેજોના સન્માનમાં લખાયું હોવાનો દાવો કરતા નવો વિવાદ સર્જાયો છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 23 Aug 2026 08:39 PM (IST)Updated: Sun, 23 Aug 2026 08:39 PM (IST)
mukesh-khanna-replace-jana-gana-mana-with-vande-mataram

Mukesh Khanna Controversy: 'શક્તિમાન' અને 'મહાભારત' જેવા લોકપ્રિય ટીવી શોમાં યાદગાર ભૂમિકાઓ માટે ઓળખાતા વરિષ્ઠ અભિનેતા અને નિર્માતા મુકેશ ખન્નાએ ફરી એકવાર ભારતના રાષ્ટ્રગીતને લઈને નવો વિવાદ છેડી દીધો છે. તેમણે માંગ કરી છે કે દેશના રાષ્ટ્રગીત તરીકે ‘જન ગણ મન’ને બદલે ‘વંદે માતરમ’ને અપનાવવામાં આવે. આ સાથે તેમણે વર્તમાન રાષ્ટ્રગીતના ઉદ્ભવ અને તેના અર્થને લઈને પોતાના જૂના વિવાદાસ્પદ દાવાને પણ દોહરાવ્યો છે.

‘જન ગણ મન મારું રાષ્ટ્રગીત ન હોઈ શકે’

ન્યૂઝ એજન્સી એએનઆઈ (ANI) સાથે વાતચીત કરતા મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે ‘વંદે માતરમ’ને લઈને ચાલી રહેલી ચર્ચા બિનજરૂરી છે. તેમણે પોતાના નિવેદન પર ભાર મૂકતા કહ્યું કે- વંદે માતરમને ખોટી રીતે વિવાદનો વિષય બનાવાયો છે. ‘જન ગણ મન’ અંગેની મારી ટિપ્પણીઓ વાયરલ થઈ ગઈ છે, પરંતુ હું ફરીથી કહું છું કે આ મારું રાષ્ટ્રગીત ન હોઈ શકે. તેને બ્રિટિશ કાળ દરમિયાન લખવામાં આવ્યું હતું, જ્યારે કિંગ જ્યોર્જ પંચમનું શાસન હતું અને ભારત બ્રિટિશ રાજ હેઠળ હતું. ‘જન ગણ મન અધિનાયક’ શબ્દો શાસક તરફ ઈશારો કરે છે અને તેમને ભારતનું ભાગ્ય નક્કી કરનાર તરીકે દર્શાવે છે.

‘વંદે માતરમ’નું રાષ્ટ્રીય મહત્વ વધુ હોવાનો દાવો

પોતાની વાત સ્પષ્ટ કરતા અભિનેતાએ ગીતના બોલના શાબ્દિક અર્થ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે ‘વંદે માતરમ’ માતૃભૂમિ પર કેન્દ્રિત હોવાથી તેનું રાષ્ટ્રીય મહત્વ વધુ હોવું જોઈએ.

 

સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા

આ પહેલીવાર નથી જ્યારે મુકેશ ખન્નાએ રાષ્ટ્રગીતના દરજ્જા પર સવાલ ઉઠાવ્યા હોય. એક જૂના ઈન્ટરવ્યુમાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ ગીત મહારાણી એલિઝાબેથના સન્માનમાં લખાયું હતું.

જોકે, તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને તેમની આકરી ટીકા થઈ રહી છે. યુઝર્સે ઐતિહાસિક તથ્યો તરફ ધ્યાન દોરતા જણાવ્યું કે મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો જન્મ 1926માં થયો હતો, જ્યારે ‘જન ગણ મન’ પ્રથમવાર 1911માં ગાવામાં આવ્યું હતું. લોકો તેમના આ અજ્ઞાન અને વિવાદાસ્પદ નિવેદનો માટે તેમની ભારે ઝાટકણી કાઢી રહ્યા છે.