મહારાષ્ટ્ર: MPSC વિવાદની તપાસ માટે કમિટીની રચના, તુકારામ મુંડે બન્યા સચિવ; 10 દિવસ બાદ વિદ્યાર્થી આંદોલન સમાપ્ત

MPSC ના ઉમેદવારોએ રવિવારે મોડી રાત્રે 10 દિવસ લાંબુ આંદોલન પૂર્ણ કરી દીધું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 12 Oct 2026 11:56 AM (IST)Updated: Mon, 12 Oct 2026 11:56 AM (IST)
mpsc-investigation-committee-tukaram-munde-maharashtra-students-protest-ends

Maharashtra MPSC Irregularities: મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC) માં થયેલી ગરબડ અને અનિયમિતતાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં FDA કમિશનર તુકારામ મુંડેને સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ જાહેરાત બાદ પુણેમાં ઉમેદવારો અને વિદ્યાર્થીઓનું વિતેલા 10 દિવસથી ચાલી રહેલું આંદોલન સમાપ્ત થઈ ગયું છે.

મહારાષ્ટ્ર સરકારે રવિવારના રોજ મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC) માં મોટા ફેરફારો કરવા માટે એક સમિતિની રચના કરી છે. પુણેમાં ઉમેદવારોના ચાલી રહેલા વિરોધ-પ્રદર્શન વચ્ચે સિનિયર IAS અધિકારી અને FDA કમિશનર તુકારામ મુંડેને આ સમિતિના સચિવ બનાવવામાં આવ્યા છે.

સિનિયર IAS અધિકારી તુકારામ મુંડેને સચિવ નિયુક્ત કરવામાં આવ્યા બાદ MPSC ના ઉમેદવારોએ રવિવારે મોડી રાત્રે પોતાનું 10 દિવસ લાંબુ આંદોલન પૂર્ણ કરી દીધું હતું. આ ઘટનાક્રમ બાદ, મહારાષ્ટ્ર લોક સેવા આયોગના ચેરમેન વિવેક ભીમનવારે જાહેરાત કરી કે, તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ રજા પર રહેશે.

રાજ્યના મંત્રી શિવેન્દ્ર રાજે ભોસલેના નેતૃત્વમાં રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળે આંદોલનકારી ઉમેદવારો સાથે મુલાકાત કરી હતી. વધુમાં, તેમને માહિતી આપી હતી કે તુકારામ મુંડે જેવા અધિકારીઓ સાથેની તપાસ કમિટી બનાવવાની સાથે તેમની મોટાભાગની માંગણી સ્વીકારી લેવામાં આવી છે.

પુણેમાં છેલ્લા દસ દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોએ જણાવ્યું કે, MPSC ચેરમેન વિવેક ભીમનવારને પદ પરથી હટાવવા એ તેમની મુખ્ય માંગ હતી. ઉમેદવારો સાથે વિરોધ પ્રદર્શનમાં સામેલ NCP (NCP-SP) વિધાયક રોહિત પવારે પ્રસ્તાવ મૂક્યો હતો કે રાજીનામાની પ્રક્રિયામાં સમય લાગી શકે છે. તેથી સરકારે તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વિવેક ભીમનવારને ચેરમેન પદથી દૂર રાખવા જોઈએ.

આ પ્રસ્તાવથી વિરોધ સ્થળ પર ભ્રમની સ્થિતિ ઊભી થઈ અને ઉમેદવારો વચ્ચે મતભેદો પણ સપાટી પર આવ્યા હતા. આ દરમિયાન એ નક્કી કરવામાં આવ્યું કે, મંત્રી શિવેન્દ્રરાજે ભોસલે આ માંગણી મુખ્યમંત્રી ફડણવીસ સુધી પહોંચાડશે. તેઓ આ મામલે CM સાથે ચર્ચા કરવા માટે ત્યાંથી રવાના થઈ ગયા હતા. ભોસલે લગભગ 15 મિનિટ બાદ પરત ફર્યા હતા અને પ્રદર્શનકારીઓને માહિતગાર કર્યા હતા કે રાજ્ય સરકાર તેમની આ માંગણી સ્વીકારી ગઈ છે.

મંત્રી શિવેન્દ્રરાજે ભોસલેએ પ્રદર્શનકારીઓને પોતાનું આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી. સરકારના આ આશ્વાસન બાદ MPSC ઉમેદવારોના પ્રતિનિધિ પૈકી એક વિવેકાનંદ પાટીલે જણાવ્યું હતું કે, તેમણે હાલ પૂરતું આંદોલન સમાપ્ત કર્યું છે.

આ કમિટીમાં અન્ય કોણ-કોણ સામેલ છે?

પ્રદર્શનકારીઓ સાથેની બેઠક દરમિયાન મંત્રી ભોસલેએ જણાવ્યું હતું કે રાજ્ય ભરતી સંસ્થા સાથે જોડાયેલી કથિત અનિયમિતતાની તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. તુકારામ મુંડે ઉપરાંત આ સમિતિમાં નીચે મુજબના સભ્યો સામેલ રહેશે:

  • પૂર્વ જજ દિલીપ ભોસલે
  • IPS અધિકારી લક્ષ્મી ગૌતમ
  • પૂર્વ IAS અધિકારી ગણેશ પાટીલ
  • નિવૃત્ત જજ પી. ડી. નાઈક

પ્રદર્શનકારીઓની માંગણી પર આશ્વાસન

મંત્રી ભોસલેએ પ્રદર્શનકારીઓને આશ્વાસન આપ્યું હતું કે તેમની અન્ય માંગણીઓ પર પણ યોગ્ય ધ્યાન આપવામાં આવશે.

  • આંદોલન દરમિયાન કેટલાક લોકો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવા
  • ત્રણ વર્ષમાં 70 હજાર પદો પર ભરતી કરવી
  • જાન્યુઆરીમાં યોજાનારી Group C પરીક્ષામાં સીટોની સંખ્યા વધારવી