MonaLisa Minor: મહાકુંભ મેળામાં વાયરલ થયેલી પોસ્ટ પછી ખ્યાતિ મેળવનાર મોનાલિસા ભોંસલે ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ ઘણું જ ગંભીર છે. તેના લગ્ન અને ઉંમર અંગેના ખુલાસાઓથી આ સમગ્ર મામલો કાનૂની વિવાદમાં ફેરવાઈ ગયો છે. તાજેતરની તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન સમયે મોનાલિસા સગીર હતી, જેના પગલે તેના પતિ ફરમાન ખાન સામે પોક્સો 9POCSO) એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મોનાલિસા ભોંસલે સોશિયલ મીડિયા પર મહાકુંભ વાયરલ ગર્લ તરીકે પ્રખ્યાત થઈ હતી. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન તેના ફોટા અને વિડિયો વાયરલ થયા હતા, જેનાથી તેને દેશવ્યાપી ઓળખ મળી હતી. આ સમય દરમિયાન તે ફરમાન ખાનને મળી હતી અને બંનેએ માર્ચ 2026માં કેરળમાં લગ્ન કર્યા હતા.
લગ્ન પછી વિવાદ શરૂ થયો
લગ્ન પછી તરત જ મોનાલિસાની ઉંમર અંગે વિવાદ શરૂ થયો. પરિવાર અને કેટલાક સંગઠનોએ દાવો કર્યો હતો કે મોનાલિસા હજુ પુખ્ત થઈ નથી. આ ફરિયાદ બાદ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST)એ તપાસ શરૂ કરી. તપાસમાં જાણવા મળ્યું કે મોનાલિસાની જન્મ તારીખ 30 ડિસેમ્બર, 2009 નોંધાઈ હતી, જેના કારણે લગ્ન સમયે તેણીની ઉંમર આશરે 16 વર્ષની હતી. આ ખુલાસાથી મામલો વધુ ગરમાયો છે. પોલીસે ફરમાન ખાન વિરુદ્ધ બાળ જાતીય ગુનાઓથી રક્ષણ (POCSO) અધિનિયમ હેઠળ FIR દાખલ કરી છે, જેમાં બાળ લગ્ન અને અપહરણ સંબંધિત કલમોનો સમાવેશ થાય છે. કાયદા મુજબ, 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કરવા એ ગુનો છે, તેથી હવે આ કેસમાં કાનૂની કાર્યવાહી વધુ તીવ્ર બનાવવામાં આવી છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે લગ્ન દરમિયાન ઉંમર સંબંધિત દસ્તાવેજો ખોટા બનાવવામાં આવ્યા હતા. એવો આરોપ છે કે કેરળમાં લગ્ન નોંધણી સમયે ખોટી જન્મ તારીખ આપવામાં આવી હતી જેથી લગ્નને માન્ય દેખાડી શકાય. હાલમાં, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) પણ આ મામલાની તપાસ કરી રહ્યું છે અને સત્ય ઉજાગર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન, મોનાલિસાએ અગાઉ જણાવ્યું હતું કે તેણીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા અને તે તેના પતિ સાથે રહેવા માંગે છે. જો કે, તેની ઉંમર જાહેર થયા પછી હવે તેની સ્થિતિ નબળી પડી ગઈ હોય તેવું લાગે છે.
