કુંભ વાયરલ ગર્લ મોનાલિસા કેસમાં મોટો ખુલાસો: લગ્ન સમયે માત્ર હતી સગીરા; પતિ ફરમાન ખાન પર POCSO હેઠળ FIR, જેલના સળિયા ગણવાનો વારો આવશે?

પીડિતાના પિતાએ મહેશ્વર પોલીસ સ્ટેશનમાં આરોપી ફરમાન ખાન વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 10 Apr 2026 10:57 AM (IST)Updated: Fri, 10 Apr 2026 10:57 AM (IST)
kumbh-viral-girl-monalisa-was-16-years-old-at-the-time-of-marriage-will-husband-farman-go-to-jail-fir-under-pocso

Kumbh Viral Girl Monalisa: સોશિયલ મીડિયા પર 'કુંભ વાયરલ ગર્લ' તરીકે જાણીતી બનેલી આદિવાસી યુવતીના લગ્નનો વિવાદ હવે રાષ્ટ્રીય સ્તરે ગાજી રહ્યો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની તપાસમાં સનસનાટીભર્યો ખુલાસો થયો છે કે જે યુવતીને પુખ્ત ગણાવીને લગ્ન કરાવવામાં આવ્યા હતા, તે હકીકતમાં સગીર છે. આ મામલે હવે કેરળ અને મધ્ય પ્રદેશ પોલીસ વચ્ચેના સંકલન અને મોટા ષડયંત્રની આશંકાએ તપાસનો ધમધમાટ તેજ થયો છે.

માત્ર 16 વર્ષની ઉંમરે લગ્ન

NCST ના અધ્યક્ષ અંતર સિંહ આર્યના નેતૃત્વમાં થયેલી ઝીણવટભરી તપાસમાં સામે આવ્યું છે કે યુવતીનો જન્મ 30 ડિસેમ્બર 2009ના રોજ થયો હતો. 11 માર્ચ 2026ના રોજ જ્યારે કેરળમાં તેના લગ્ન થયા, ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ અને 2 મહિના હતી. તપાસમાં બહાર આવ્યું છે કે મહેશ્વર નગરપાલિકાના નામે એક નકલી જન્મ પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. આ જ નકલી દસ્તાવેજના આધારે કેરળના પુઅર ગામમાં લગ્નની નોંધણી કરવામાં આવી હતી. હાલમાં આ નોંધણી રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ફિલ્મ સ્ટાર બનાવવાની લાલચ અને અપહરણ

પીડિતાના પિતાએ મહેશ્વર પોલીસ સ્ટેશનમાં આરોપી ફરમાન ખાન વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પિતાના જણાવ્યા મુજબ, શૂટિંગ દરમિયાન ફરમાન ખાનનો સંપર્ક થયો હતો. આરોપીએ યુવતીને ફિલ્મમાં રોલ અપાવવાની અને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. ફરમાને પોતે જ ઇન્દોરથી કેરળની ફ્લાઇટ ટિકિટ બુક કરાવી સગીરાને ફોસલાવીને કેરળ લઈ જઈ નિકાહ કરી લીધા હતા. આ મામલે હવે પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટ હેઠળ FIR નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

PFI કનેક્શન અને વિદેશી ફંડિંગની આશંકા

આ કેસમાં સૌથી ગંભીર વળાંક ત્યારે આવ્યો જ્યારે એડવોકેટ પ્રથમ દુબેએ આયોગ સમક્ષ કેરળના CPI-M નેતાઓ અને પ્રતિબંધિત સંગઠન PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા) ની સંડોવણીનો મુદ્દો ઉઠાવ્યો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ માત્ર લગ્નનો મામલો નથી, પરંતુ આદિવાસી બાળકોની તસ્કરી અથવા કોઈ મોટા વિદેશી ફંડિંગ ધરાવતા એજન્ડાનો ભાગ હોઈ શકે છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી અને પીડિતા છેલ્લા ત્રણ મહિનાથી અત્યંત મોંઘી અને વીઆઈપી હોટલોમાં રોકાઈ રહ્યા હતા, જેના માટે નાણાં ક્યાંથી આવ્યા તે મોટો પ્રશ્ન છે.

બે રાજ્યોના DGP ને દિલ્હી તેડું

NCST એ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે. ૨૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ કેરળ અને મધ્ય પ્રદેશના પોલીસ મહાનિર્દેશકો (DGP) ને દિલ્હી મુખ્યાલયે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આયોગે બંને રાજ્યોની પોલીસને દર ત્રણ દિવસે પ્રગતિ રિપોર્ટ સોંપવા તાકીદ કરી છે.