Fertilizer Subsidy Rabi 2026-27: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ખેડૂતો અને નાના ઉદ્યોગસાહસિકો માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે રબી સીઝન 2026-27 માટે ખાતર પર ભારે સબસીડી મંજૂર કરવાની સાથે-સાથે સૂક્ષ્મ એકમો માટેની લોન ગેરંટી સ્કીમને આગામી પાંચ વર્ષ માટે લંબાવવાની લીલી ઝંડી આપી દીધી છે.
62,370કરોડ રૂપિયાની ખાતર સબસીડીને લીલી ઝંડી
કેન્દ્રીય મંત્રીમંડળે ફાસ્ફેટ અને પોટાશ (P&K) ખાતરો પર રબી સીઝન 2026-27 (1 ઓક્ટોબર 2026 થી 31 માર્ચ 2027 સુધી) માટે ‘પોષક તત્વ આધારિત સબસીડી’ (Nutrient Based Subsidy - NBS)ના નવા દરોને મંજૂરી આપી દીધી છે.
આ રબી સીઝન દરમિયાન ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી આશરે ₹62,370 કરોડની સબસીડી ચૂકવવામાં આવશે. આ રકમ પાછલી રબી સીઝન 2025-26ની જરૂરિયાત કરતાં આશરે ₹24,418 કરોડ વધારે છે, જે દર્શાવે છે કે સરકાર ખેડૂતો પર આર્થિક બોજ વધવા દેવા માગતી નથી.
વૈશ્વિક મોંઘવારી વચ્ચે પણ ખાતરના ભાવ પર બ્રેક
કેબિનેટ નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ અને રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતર અને તેના કાચા માલના ભાવમાં અતિશય વધારો થયો છે. આમ છતાં, કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતોનું રક્ષણ કરીને સબસીડીમાં વધારો કર્યો છે.
આ નિર્ણય બાદ પણ ખેડૂતો માટે ડીએપી (DAP - ડાય-અમોનિયમ ફાસ્ફેટ)ના 50 કિલોના એક બેગની કિંમત ₹1,350 જ જળવાઈ રહેશે. સરકાર ઉત્પાદકો અને આયાતકારો દ્વારા ખેડૂતોને રાહત દરે DAP સહિત P&K ખાતરના 28 ગ્રેડ ઉપલબ્ધ કરાવી રહી છે. ઉલ્લેખનીય છે કે દેશમાં NBS યોજના 1 એપ્રિલ 2010થી કાર્યરત છે.
નાના ઉદ્યોગો માટે CGFMU સ્કીમ 2031 સુધી લંબાવાઈ
ખાતર સબસીડી ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળે સૂક્ષ્મ એકમો માટેની 'ક્રેડિટ ગેરંટી ફંડ ફોર માઇક્રો યુનિટ્સ' (CGFMU) યોજનાને આગામી 5 વર્ષ એટલે કે 31 માર્ચ 2031 સુધી ચાલુ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
કોષ અને ગેરંટી: આ ફંડ માટે ₹5,000 કરોડના કોષને મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની લિમિટેડ (NCGTC) મારફતે બેંકો અને લોન આપતી સંસ્થાઓને ડિફોલ્ટના કિસ્સામાં ગેરંટી કવર પૂરું પાડવામાં આવે છે.
ગેરંટી ફીમાં ઘટાડો: ગેરંટી ફી વાર્ષિક 1% થી ઘટાડીને 0.75% કરી દેવામાં આવી છે.
મુદ્રા યોજનાને બળ: આ નિર્ણયથી પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ ₹12.6 લાખ કરોડ સુધીની નવી લોન મંજૂર કરવામાં સરળતા રહેશે.
કયા કયા ક્ષેત્રને મળશે આ લોન ગેરંટીનો લાભ?
અતિ નાના ઉદ્યોગો: યોજના હેઠળ નાના અને અતિ નાના સાહસોને ₹20 લાખ સુધીની લોન પર ગેરંટી કવર મળશે.
જનધન એકાઉન્ટ્સ: પીએમ જનધન યોજના ખાતાધારકોને બેંકો દ્વારા આપવામાં આવતી ₹10,000 સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધાને પણ આ યોજનામાં આવરી લેવાશે.
મહિલા સ્વસહાય જૂથો (SHG): સ્વસહાય જૂથોને આપવામાં આવતા ₹10 લાખથી ₹20 લાખ સુધીના પોર્ટફોલિયો લોન પણ આ ગેરંટી હેઠળ આવરી લેવામાં આવશે.
સરકારી આંકડા મુજબ, જાન્યુઆરી 2016માં આ યોજના શરૂ થઈ ત્યારથી સપ્ટેમ્બર 2026 સુધીમાં ધિરાણકર્તાઓએ 60.36 કરોડથી વધુ લોન મંજૂર કરી છે, જેણે દેશમાં સ્વરોજગાર અને નાના વ્યવસાયોને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
