Modi Cabinet: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સામાન્ય માણસ, ખેડૂતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને લઈને અનેક મહત્વના પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, સરકારે રૂ. 1.74 લાખ કરોડના ખર્ચવાળા 5 મહત્વના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. જેમાં જયપુર મેટ્રોનો બીજો તબક્કો અને ખેડૂતોને ખાતર પર સબસિડી જેવા મહત્વના પગલાં સામેલ છે.
રાજસ્થાનમાં રૂ. 79 હજારના ખર્ચે રિફાઈનરી બનશે
સરકારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ના રાજસ્થાનમાં સ્થાપિત થનારા એક પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેની અંદાજિત કિંમત રૂ. 79,459 કરોડ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત HPCL રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપદરામાં આ રિફાઇનરી સ્થાપશે. જેનાથી ભારતની રિફાઇનિંગ ક્ષમતામાં વાર્ષિક 9 મિલિયન મેટ્રિક ટનનો વધારો થવાની આશા છે. આ પ્રોજેક્ટથી રાજસ્થાનના અર્થતંત્રને વેગ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની નવી તકો ઉભી થશે.
ખેડૂતોને 1350 રૂપિયામાં એક બોરી ખાતર મળતું રહેશે
કેબિનેટે ન્યુટ્રિઅન્ટ બેઝ્ડ સબસિડી (NBS) યોજના હેઠળ ખરીફ 2026 સીઝન માટે ફોસ્ફેટ અને પોટેશિયમ ખાતર પર રૂ. 41,533.81 કરોડની સબસિડીને મંજૂરી આપી છે. આ રકમ ખરીફ 2025 માટે નિર્ધારિત રૂ. 37,216.15 કરોડ કરતા વધારે છે, જેનો હેતુ વૈશ્વિક બજારમાં ખાતરના વધતા ભાવોની અસર ઘટાડવાનો છે. એટલે કે ખેડૂતોને DAPની એક ગુણી (બેગ) અગાઉની જેમ જ રૂ. 1,350માં મળતી રહેશે.
જયપુર મેટ્રોના બીજા ફેઝને મંજૂરી
આજે મળેલી કેબિનેટ બેઠકમાં જયપુર મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાને પણ મંજૂરી આપી છે. 41 કિલોમીટર લાંબા મેટ્રોના બીજા ફેઝથી જયપુરને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે. જેની પાછળ રૂ. 13038 કરોડનો ખર્ચ થશે.
वैश्विक चुनौतियों के बीच भी किसान भाई-बहनों का हित सदैव हमारी सरकार की प्राथमिकता रही है। इसी दिशा में वर्ष 2026 के खरीफ सीजन के लिए न्यूट्रिएंट बेस्ड सब्सिडी की बढ़ोतरी को मंजूरी दी गई है। इससे अन्नदाताओं को पहले की तरह किफायती दरों पर उर्वरक मिलते रहेंगे।…
— Narendra Modi (@narendramodi) April 8, 2026
રિન્યૂએબલ એરર્જીના બે પ્રેજેક્ટને કેબિનેટની મંજૂરી
જળવિદ્યુત ક્ષેત્રમાં ઊર્જા ક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે આશરે રૂ. 40,000 કરોડના સંયુક્ત રોકાણવાળા બે મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે. જેમાં 1720 મેગાવૉટની ક્ષમતા ધરાવતો કમલા જળ વિદ્યુત પ્રોજેક્ટ અને 1200 મેગાવૉટની ક્ષમતા ધરાવતો કલાઈ દ્વિતિય જળવિદ્યુત પ્રોજેક્ટ સામેલ છે. કમલા જળ વિદ્યુત પ્રોજેક્ટ માટે રૂ.26,070 કરોડ અને કલાઈ પ્રોજેક્ટ માટે રૂ.14,106 કરોડ ફાળવવામાં આવશે.
આ અંગે વડાપ્રધાને જણાવ્યું કે, જયપુર મેટ્રોના બીજા તબક્કાને મંજૂરી એ ટકાઉ શહેરી વિકાસની દિશામાં એક મહત્વનું પગલું છે. તેનાથી કનેક્ટિવિટી વધશે અને લોકોના જીવનમાં સુગમતા આવશે. કલાઈ-II અને કમલા જળવિદ્યુત પ્રોજેક્ટ્સ દ્વારા અમે ભારતના સ્વચ્છ ઊર્જા ઈકોસિસ્ટમને મજબૂત કરી રહ્યા છીએ અને અરુણાચલ પ્રદેશમાં સંકલિત વિકાસને આગળ ધપાવી રહ્યા છીએ.
