Railway Employee Diwali Bonus: દિવાળીના તહેવાર પહેલા કેન્દ્રની મોદી સરકારે રેલવે કર્મચારીઓ અને સામાન્ય જનતા માટે ખુશીઓના દરવાજા ખોલી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ત્રણ અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં 11.4 લાખથી વધુ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પરફોર્મન્સ લિંક્ડ બોનસની જાહેરાત કરવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન આ નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બોનસ પાછળ સરકાર આશરે ₹2,009 કરોડનો ખર્ચ કરશે.
રેલવે કર્મચારીઓને 78 દિવસનું દિવાળી બોનસ
કેબિનેટના પહેલા નિર્ણય મુજબ 11,40,770 રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે- જ્યારે આપણે આપણા પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે આ કર્મચારીઓ ટ્રેક પર, વર્કશોપમાં અને લોકોમોટિવમાં દિવસ-રાત જોયા વગર પોતાની ફરજ બજાવે છે. આ બોનસ તેમની મહેનતનું સન્માન અને દિવાળીની ખાસ ભેટ છે.
સોશિયલ સિક્યુરિટી નેટ 2031 સુધી લંબાવાઈ
બીજો મોટો નિર્ણય દેશના સોશિયલ સિક્યુરિટી નેટના વિસ્તારને લઈને લેવાયો છે. વિશ્વના સૌથી મોટા સામાજિક સુરક્ષા માળખા પૈકીના એક એવા આ નેટને હવે વર્ષ 2031 સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ યોજના માટે સરકારે ₹53,428 કરોડનું જંગી બજેટ મંજૂર કર્યું છે, જેનાથી દેશના કરોડો જરૂરિયાતમંદોને સીધો ફાયદો થશે.
દિવ્યાંગ પેન્શનના નિયમોમાં મોટો સુધારો
દિવ્યાંગજનો માટે પણ સરકારે એક મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. અત્યાર સુધી દિવ્યાંગ પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 80 ટકા દિવ્યાંગતા હોવી ફરજિયાત હતી. સરકારે આ મર્યાદા ઘટાડીને સીધી અડધી એટલે કે 40 ટકા કરી દીધી છે. હવેથી 40 ટકા દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓ પણ સરકારી દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર ગણાશે.
