Manipur Violence News: મણિપુરમાં હિંસા થમવાનું નામ લઈ રહી નથી. શનિવારે રાજ્યમાં બે અલગ-અલગ ઘટનાઓએ સ્થિતિ વધુ ઉત્તેજનાપૂર્ણ બનાવી દીધી છે. નોની (Noney) જિલ્લામાં ત્રણ કુકી-ઝો ગ્રામ્ય સ્વયંસેવકોની હત્યા કરવામાં આવી હોવાનો દાવો સામે આવ્યો છે, જ્યારે બીજી તરફ રાજધાની ઈમ્ફાલમાં મેઈતેઈ અને નાગા સંગઠનો દ્વારા હજારોની સંખ્યામાં એકત્ર થઈને ભારે વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે.
નોની જિલ્લામાં 3 કુકી-ઝો સ્વયંસેવકોના મોત
કુકી આદિવાસી સંગઠન 'કુકી ઇન્પી મણિપુર' (KIM) એ ગંભીર આરોપ લગાવ્યો છે કે નોની જિલ્લામાં નાગા ઉગ્રવાદી જૂથો 'NSCN-IM' અને 'ઝેલિયાંગરોંગ યુનાઇટેડ ફ્રન્ટ' (ZUF-K) ના સશસ્ત્ર કેડરો દ્વારા ત્રણ કુકી-ઝો ગ્રામ્ય સ્વયંસેવકોની હત્યા કરવામાં આવી છે.
સંગઠનના પ્રચાર સચિવ જંગહાઓલુન હાઓકિપે જણાવ્યું કે વારંવારની ચેતવણીઓ છતાં રાજ્ય સરકાર કુકી-ઝો ગામડાઓને પૂરતી સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. પરિણામે, ગ્રામજનોએ પોતાના ઘર અને સમુદાયના રક્ષણ માટે સ્વયંસેવક બનવું પડ્યું હતું. KIM એ હત્યા બાદ મૃતદેહો સાથે અપમાનજનક વર્તન કરાયાનો પણ આરોપ મૂકી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. જોકે, પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ મોત બે સશસ્ત્ર જૂથો વચ્ચે થયેલા ભારે ગોળીબાર દરમિયાન થયા હતા અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
ઈમ્ફાલમાં 'SoO' કરાર રદ કરવા વિશાળ રેલી
બીજી તરફ, રાજધાની ઈમ્ફાલમાં મૈતેઈ સંગઠનોની સર્વોચ્ચ સંસ્થા 'COCOMI' ના નેતૃત્વ હેઠળ અને નાગા સંગઠનોના સમર્થન સાથે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો લોકોએ ટિડિમ ગ્રાઉન્ડથી થૌ ગ્રાઉન્ડ તરફ કૂચ કરી હતી. દેખાવકારોની મુખ્ય માંગણી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કુકી-ઝો ઉગ્રવાદી જૂથો સાથે કરાયેલા 'સસ્પેન્શન ઓફ ઓપરેશન્સ' (SoO) કરારને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.
આ ઉપરાંત ચાંદેલ અને સેનાપતિ જિલ્લાઓમાં પણ નાગા સંગઠનો દ્વારા માર્ચ યોજીને કુકી ઉગ્રવાદીઓ પર હિંસાનો આરોપ લગાવાયો હતો. નોંધનીય છે કે તાજેતરમાં જ 14 મેઈતેઈ નાગરિકો પર થયેલા હુમલામાં 3 લોકોના મોત થયા હતા, જેના વિરોધમાં આ પ્રદર્શનો યોજાયા હતા. સુરક્ષા દળોએ મુખ્યમંત્રી કાર્યાલય અને ભાજપ કાર્યાલય નજીક બેરિકેડ્સ ગોઠવીને રેલીને આગળ વધતી અટકાવી હતી.
