NEET UG Protest: નીટ યુજી (NEET UG) પરીક્ષામાં કથિત ગડબડીઓ અને ગેરરીતિઓ સામે ચાલતા આંદોલન વચ્ચે બિહાર સરકારે એક અત્યંત મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરાત કરીને જણાવ્યું છે કે 26 જુલાઈ 2026ની સાંજ સુધી આંદોલન સાથે જોડાયેલા તમામ લોકો સામે નોંધાયેલી એફઆઈઆર (FIR), ફરિયાદો અને શો-કોઝ નોટિસ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ધરપકડ કરાયેલા તેમજ અટકાયતમાં લેવાયેલા લોકોને પણ વહેલી તકે મુક્ત કરવામાં આવશે.
આંદોલનકારીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં
ગૃહ વિભાગ દ્વારા સોમવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નીટ યુજી પરીક્ષામાં ધાંધલીના વિરોધમાં અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જવાબદેહી લાવવાની માંગ સાથે થયેલા આંદોલનોમાં જે પણ લોકો સામે કેસ નોંધાયા હતા, તે તમામ પાછા ખેંચવામાં આવશે. સરકારે એ વાતની પણ ખાતરી આપી છે કે આંદોલનમાં નામજદ થયેલા વિદ્યાર્થીઓ કે લોકો સામે ભવિષ્યમાં પણ સીધી કે આડકતરી રીતે કોઈ જ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
દરેક બાબતમાં મુક્તિ
સરકારના આ આદેશના દાયરામાં આંદોલન દરમિયાન દાખલ થયેલા મુકદ્દમા, કોર્ટ ફરિયાદો અને કારણ દર્શાવો નોટિસો તમામ રદ થઈ જશે. પોલીસ અને પ્રશાસન દ્વારા અટકાયતમાં લેવાયેલા વિદ્યાર્થીઓની જેલમુક્તિની પ્રક્રિયા પણ તાત્કાલિક અસરથી શરૂ કરી દેવાઈ છે. સરકારના આ વલણથી આંદોલનમાં સામેલ હજારો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત મળી છે, કારણ કે પોલીસ કેસના કારણે તેમના ભવિષ્ય અને કારકિર્દી પર તલવાર લટકતી હતી.
સરકારે લીધું નરમ રુખ
નોંધનીય છે કે, આ આંદોલન દરમિયાન બિહારના અનેક જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ હતી. પોલીસ મુખ્યમથકના જણાવ્યા અનુસાર, સેંકડો લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના સગીર અને વિદ્યાર્થીઓ હતા.
આંદોલન દરમિયાન થયેલી હિંસક ઝડપોમાં 91 જેટલા પોલીસ અધિકારીઓ અને જવાનો ઘાયલ થયા હતા. ઘણા સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને એક વાહનને સળગાવી દેવામાં આવ્યું હતું. સારણ જિલ્લામાં બે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે શિવાન અને સીતામઢીના એસપી (SP) કક્ષાના અધિકારીઓને પણ ઈજાઓ પહોંચી હતી. આવી ગંભીર હિંસક ઘટનાઓ બનવા છતાં, વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે નરમાશ દર્શાવીને તમામ કેસો પાછા ખેંચવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
