RAC ટિકિટ ધરાવતા મુસાફરો માટે રેલવેની મોટી ભેટ, AC કોચમાં હવે મળશે સંપૂર્ણ બેડરોલ કિટ, રેલ મંત્રાલયે જારી કર્યો આદેશ

રેલ મંત્રાલયે RAC ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વનો આદેશ આપ્યો છે. હવે AC કોચમાં દરેક RAC પેસેન્જરને કન્ફર્મ મુસાફરોની જેમ આખી બેડરોલ કિટ આપવામાં આવશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 05 Aug 2026 10:46 PM (IST)Updated: Wed, 05 Aug 2026 10:46 PM (IST)
major-gift-from-railways-for-passengers-with-rac-tickets-full-bedroll-kits-will-now-be-provided-in-ac-coaches

RAC Ticket: ભારતીય રેલવેના AC કોચમાં RAC (Reservation Against Cancellation) ટિકિટ પર મુસાફરી કરતા લાખો મુસાફરો માટે ખુશખબર સામે આવ્યા છે. રેલ મંત્રાલયને દેશભરના વિવિધ ઝોનમાંથી સતત ફરિયાદો મળી રહી હતી કે RAC મુસાફરોને કાં તો બેડરોલ કિટ (ચાદર, તકિયા અને ધાબળા) આપવામાં આવતા નથી અથવા અધૂરા આપવામાં આવે છે. આ બાબતને ગંભીરતાથી લઈને રેલ મંત્રાલયે પોતાના અગાઉના આદેશનો કડક અમલ કરવા તમામ રેલ્વે ઝોનને સ્પષ્ટ સૂચનાઓ જારી કરી છે.

એક જ સીટ પર બે મુસાફર, પણ કિટ બંનેને અલગ મળશે

આપણને ખબર જ છે કે રેલવેના RAC સિસ્ટમ હેઠળ એક જ બર્થ પર બે મુસાફરોને બેસીને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ નિયમ મુજબ AC કોચમાં પ્રવાસ કરનાર દરેક મુસાફર પાસેથી બેડરોલનો ચાર્જ વસૂલવામાં આવેલો હોય છે. રેલ મંત્રાલયે 4 ઓગસ્ટે જારી કરેલા પોતાના પરિપત્રમાં સ્પષ્ટતા કરી છે કે એક સીટ પર બે મુસાફર હોય તેમ છતાં બંને મુસાફરોને અલગ-અલગ અને સંપૂર્ણ બેડરોલ કિટ આપવાની રહેશે.

વારંવાર મળતી ફરિયાદો બાદ રેલવે બોર્ડ એક્શનમાં

રેલ મંત્રાલયના પત્ર અનુસાર- વિવિધ માધ્યમો અને સોશિયલ મીડિયા દ્વારા હજુ પણ એવી ફરિયાદો મળી રહી છે કે RAC મુસાફરોને બેડરોલ કિટ આપવામાં ભેદભાવ કરવામાં આવે છે અથવા અપૂરતી કિટ આપવામાં આવે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડના આદેશોનું સખત પાલન કરવા ફરીથી તાકીદ કરવામાં આવે છે.

ચેર કાર સિવાયના તમામ AC કોચમાં લાગુ થશે નિયમ

રેલવેના આ નવા સ્પષ્ટ આદેશ બાદ હવે AC 2-ટાયર, 3-ટાયર અને ફર્સ્ટ AC સહિતના તમામ કોચમાં (માત્ર AC ચેર કાર સિવાય) મુસાફરી કરતા દરેક RAC પેસેન્જરને કન્ફર્મ ટિકિટ ધરાવતા સામાન્ય મુસાફરોની જેમ જ ચાદર, ઓશીકું અને ધાબળા સહિતની આખી કિટ આપવામાં આવશે. જો હવે પછી કોઈ એટેન્ડન્ટ બેડરોલ આપવાની ના પાડશે તો મુસાફરો તેની સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી શકશે.