Cyber Attack 178 Websites: દુનિયાની અગ્રણી બ્રાન્ડ્સ, ગ્લોબલ બેંકો અને પ્રમુખ ન્યૂઝ પોર્ટલ્સ સહિત 178 થી વધુ વેબસાઇટો પર એક અત્યંત ગંભીર સાયબર હુમલો સામે આવ્યો છે. સિક્યોરિટી સંશોધકોના રિપોર્ટ મુજબ, Zoom, CNN, BBC, HSBC, IKEA, Fox News, Salesforce, Peacock અને Equifax જેવી વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ્સના વિઝિટર્સને નિશાન બનાવવા માટે એક હાનિકારક જાવાસ્ક્રિપ્ટ (Malicious JavaScript) કોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલો વેબસાઇટ ઓપ્ટિમાઇઝેશન પ્લેટફોર્મ 'Optimizely' ના માધ્યમથી કરવામાં આવ્યો હતો.
હુમલાની પદ્ધતિ અને માલવેરની મોડસ ઓપરેન્ડી
સિક્યોરિટી રિસર્ચર સ્કોટ હેલ્મ (Scott Helme) અને સાયબર સિક્યોરિટી ફર્મ 'Report URI' ના અહેવાલ મુજબ, આ સાયબર હુમલામાં હેકર્સે કંપનીઓના મૂળ કોડને અડ્યા વિના જ થર્ડ-પાર્ટી પ્લેટફોર્મ મારફતે યુઝર્સનો ડેટા ચોરવાનો પ્રયાસ કર્યો હતો. આ હાનિકારક કોડ દ્વારા નીચે મુજબની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી:
- ક્રિપ્ટો વૉલેટ એડ્રેસ બદલવા: યુઝર્સ દ્વારા ટ્રાન્ઝેક્શન કરતી વખતે દાખલ કરવામાં આવેલા ડિજિટલ ક્રિપ્ટો વૉલેટ એડ્રેસને બદલીને હેકર્સે પોતાના વૉલેટ એડ્રેસ મૂકી દીધા હતા.
- ક્રેડિટ કાર્ડ સ્કીમિંગ: પેમેન્ટ પેજ પર યુઝર્સ દ્વારા ટાઇપ કરવામાં આવતી ક્રેડિટ કાર્ડની માહિતી અને કાર્ડ નંબરો ચોરી લેવામાં આવ્યા હતા.
- સ્ક્રીનશૉટ્સ અને કૂકીઝની ચોરી: વેબસાઇટ યુઝર્સની કૂકીઝ અને સ્ક્રીનશૉટ્સ પણ કેપ્ચર કરવામાં આવ્યા હતા.
- iPhones માં માલવેર પ્લાન્ટ કરવો: આઇઓએસ (iOS) ડિવાઇસ ધરાવતા યુઝર્સના આઇફોનમાં એક્સપ્લોઇટ કોડ ઇન્જેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કેટલું નાણાકીય નુકસાન થયું?
'Report URI' ના રિપોર્ટ અનુસાર, 16 નવેમ્બર 2026 ના રોજ માત્ર 9 કલાકના સમયગાળામાં હેકર્સના વૉલેટમાં લગભગ 7,040 ડોલરની રકમ જમા થઈ ચૂકી હતી. જોકે, નવેમ્બર મહિનાની શરૂઆતમાં થયેલી બાઇનાન્સ (Binance) ક્રિપ્ટો ચોરીની સરખામણીએ આ આંકડો નાનો માનવામાં આવે છે, પરંતુ આ હુમલાથી થયેલા કુલ નુકસાનનું પૂરું આંકલન હજુ પણ ચાલી રહ્યું છે. થ્રેટ ઇન્ટેલિજન્સ ફર્મ Mallory અને HudsonRock એ પણ પુષ્ટિ કરી છે કે પ્રભાવિત વેબસાઇટ્સ પર વિઝિટર્સને મિલિશિયસ કોડ પીરસવામાં આવ્યો હતો.
પ્રભાવિત કંપનીઓની પ્રતિક્રિયા અને સુરક્ષા પગલાં
Optimizely ના પ્રવક્તા વિક્ટોરિયા જાનસને (Victoria Johnson) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સિક્યોરિટી ઇન્સિડન્ટ ધ્યાને આવતાં કંપનીએ પોતાના 'એક્સપેરિમેન્ટેશન એકાઉન્ટ સાઇન-અપ ફ્લો' માં રહેલી ખામીને તાત્કાલિક બ્લોક કરી દીધી છે અને સુરક્ષા સુધારો લાગુ કરી દીધો છે. આ સાથે જ પ્રભાવિત થયેલા તમામ ગ્રાહકોને જાણ પણ કરી દેવામાં આવી છે.
બીજી તરફ, Salesforce એ જણાવ્યું છે કે તેમણે સુરક્ષાના ભાગરૂપે પોતાની સાઇટ પરથી Optimizely સ્ક્રીપ્ટને અસ્થાયી રૂપે ડિસેબલ કરી દીધી છે. જોકે, Apple, Zoom, HSBC, CNN અને IKEA તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. આ ઉપરાંત, યુએસ હોમલેન્ડ સિક્યોરિટી ચીફ માર્કવેન મુલિને (Markwayne Mullin) સ્પષ્ટ કર્યું છે કે તાજેતરમાં યુએસમાં થયેલા ટેકનિકલ આઉટેજ પાછળ આ સાયબર હુમલો જવાબદાર હોવાના કોઈ પુરાવા નથી.
