BMC Manifesto: મુંબઈમાં આગામી મહાનગરપાલિકા (BMC) ચૂંટણીઓ માટે ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધન દ્વારા તેમનો ચૂંટણી જાહેરનામું (મેનિફેસ્ટો) બહાર પાડવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દસ્તાવેજ જાહેર કરતા જણાવ્યું હતું કે ભાજપ-શિવસેના-આરપીઆઈ (A) ગઠબંધન નાગરિકોની જૂની સમસ્યાઓ ઉકેલવા અને વહીવટને સીધો લોકોના મોબાઈલ સુધી પહોંચાડવા માટે સ્થાનિક પ્રશાસન સાથે જાપાનીઝ ટેકનોલોજીનો સમન્વય કરશે.
બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુક્ત મુંબઈ
આ મેનિફેસ્ટોમાં મુંબઈને બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુક્ત કરવાનું મોટું વચન આપવામાં આવ્યું છે. આ હેતુ માટે IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) ની મદદથી એક વિશેષ AI ટૂલ વિકસાવવામાં આવશે, જેના દ્વારા શહેરમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓની ઓળખ કરીને તેમને ટ્રેક કરવામાં આવશે.
મહિલાઓ માટે ભાડામાં 50 ટકાની રાહત
મહિલા મુસાફરો માટે મોટી જાહેરાત કરતા ગઠબંધને બેસ્ટ (BEST) બસોના ભાડામાં 50 ટકાની છૂટ આપવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત પરિવહન વ્યવસ્થાને મજબૂત કરવા માટે બેસ્ટ બસોના કાફલાને 5,000 થી વધારીને 10,000 કરવામાં આવશે અને તમામ બસોને ઈલેક્ટ્રિક વાહનોમાં રૂપાંતરિત કરવામાં આવશે. મેટ્રો અને રેલવે સ્ટેશનોથી લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી સુધારવા માટે નવી મિડી અને મિની બસ સેવાઓ પણ શરૂ કરવામાં આવશે.
વહીવટી પારદર્શિતા પર ભાર
જાહેરનામામાં ભ્રષ્ટાચાર ઘટાડવા, મંજૂરી પ્રક્રિયામાં ઝડપ લાવવા અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે AI ના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે તેમનો લક્ષ્ય ભ્રષ્ટાચાર મુક્ત નગર નિગમ બનાવવાનો છે, જેમાં બિલ્ડિંગ એપ્રૂવલ અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શિતા લાવવા માટે AI-સંચાલિત પ્લેટફોર્મની મદદ લેવામાં આવશે. વળી, વિદ્યાર્થીઓને આધુનિક કૌશલ્યોથી સજ્જ કરવા માટે તમામ મ્યુનિસિપલ શાળાઓમાં AI લેબ બનાવવાનું પણ વચન અપાયું છે.
મુંબઈને પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ
'પૂર મુક્ત મુંબઈ' યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં શહેરને જલબંબાકારની સમસ્યામાંથી મુક્ત કરવાનો સંકલ્પ લેવાયો છે. આ માટે જાપાનીઝ ટેકનિકો અપનાવીને IIT અને VJTI જેવી સંસ્થાઓ સાથે મળીને કામ કરવામાં આવશે. IIT નો રિસર્ચ ગ્રુપ શહેરની ટોપોગ્રાફીનો અભ્યાસ કરશે અને આ યોજનામાં ચાર નવા અંડરગ્રાઉન્ડ ફ્લડ વોટર ટેન્ક બનાવવા તેમજ હાલની ડ્રેનેજ લાઈનોને ઠીક કરવાનો સમાવેશ થાય છે.
ધારાવી પુનર્વિકાસ માટેના વિશેષ આયોજનો
પર્યાવરણ સુરક્ષા માટે 17,000 કરોડ રૂપિયાના ખર્ચે ક્લાયમેટ એક્શન પ્લાન તૈયાર કરવાનું વચન અપાયું છે, જેના હેઠળ સર્ક્યુલર ઇકોનોમી બનાવવામાં આવશે. બીજી તરફ ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાનિક નાના ઉદ્યોગોના અપગ્રેડેશન માટે એક ઈકોસિસ્ટમ તૈયાર કરવામાં આવશે અને તેમાં અયોગ્ય નિવાસીઓને પણ સામેલ કરવાની ખાતરી આપવામાં આવી છે.
